પોલીસ કર્મચારીઓની ડ્યુટી 8 કલાક કરવાની ભલામણ સી.આર.પાટીલે કરી : સુરતમાં 116 કરોડના પોલીસ આવાસ પ્રકલ્પોનું લોકાર્પણ
સુરતમાં ગુજરાત પોલીસ આવાસ નિગમ દ્વારા રૂપિયા 116 કરોડના ખર્ચે નિર્મિત વિવિધ પ્રકલ્પોનું આજે ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને પોલીસકર્મીઓના હિતમાં તેમના કામના કલાકો ઘટાડીને 8 કલાક કરવાની મહત્વપૂર્ણ ભલામણ કરી હતી. સાથે જ ગૃહ રાજ્યમંત્રીએ પણ પોલીસ પરિવારો સાથે રમૂજી અંદાજમાં સંવાદ કર્યો હતો.
પોલીસકર્મીઓના સ્વાસ્થ્ય અને પરિવાર માટે 8 કલાકની ડ્યુટી જરૂરી: પાટીલ
કાર્યક્રમ દરમિયાન જાહેર મંચ પરથી કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે પોલીસ જવાનોની સમસ્યાઓ તરફ ધ્યાન દોરતા જણાવ્યું હતું કે, હાલમાં પોલીસકર્મીઓ 8 કલાકથી વધુ સમય સુધી નોકરી કરે છે. અનિયમિત અને લાંબા સમયની ડ્યુટીના કારણે તેમના સ્વાસ્થ્ય અને કૌટુંબિક જીવન પર માઠી અસર પડી રહી છે. વધુ પડતા કામના ભારણને લીધે પોલીસ જવાનો માનસિક તણાવ અને અનેક ગંભીર બીમારીઓનો શિકાર બની રહ્યા છે.
યોગ્ય આયોજનથી 80% સ્ટાફને ફિક્સ ડ્યુટી આપી શકાય
સી.આર. પાટીલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને ઉદ્દેશીને ઉમેર્યું હતું કે, જો પોલીસ વિભાગ દ્વારા યોગ્ય પ્લાનિંગ અને આયોજન કરવામાં આવે તો 70 થી 80 ટકા કર્મચારીઓને 8 કલાકની ફિક્સ ડ્યુટી આપી શકાય તેમ છે. આમ કરવાથી પોલીસ જવાનોને માનસિક તણાવમાંથી મુક્તિ મળશે અને તેઓ પોતાના પરિવારને પણ ગુણવત્તાયુક્ત સમય આપી શકશે.
"પોલીસવાળાની દબંગગીરી પોલીસ સ્ટેશન સુધી જ ચાલવી જોઈએ": હર્ષ સંઘવી
આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ કાર્યક્રમમાં હાજર પોલીસ પરિવારોને સંબોધિત કર્યા હતા. તેમણે હળવા અને રમૂજી અંદાજમાં ટકોર કરતા કહ્યું હતું કે, "પોલીસવાળાની દબંગગીરી પોલીસ સ્ટેશન સુધી જ ચાલવી જોઈએ, ઘરે નહિ. તમારાથી ન સુધરે તો મને કહેજો." તેમના આ રમુજી નિવેદનથી કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોમાં હળવાશનો માહોલ છવાઈ ગયો હતો.