ક્રિકેટના વ્યાકરણમાં 12મો અક્ષર ન ખપે.....ગિલે કહ્યું - 'ઈમ્પેક્ટ પ્લેયર' નિયમ રમતની અસલિયત ભૂંસી રહ્યો છે!
ઈન્ડિયન પ્રીમિયર લીગ 2026ની રણભેરી વાગે તે પહેલાં જ નિયમોને લઈને વિવાદ છેડાયો છે. ગુજરાત ટાઇટન્સના કેપ્ટન શુભમન ગિલે BCCI દ્વારા લાગુ કરવામાં આવેલા ‘ઈમ્પેક્ટ પ્લેયર’ નિયમ પર આકરા સવાલો ઉઠાવ્યા છે. મુંબઈમાં યોજાયેલી આઈપીએલ કેપ્ટનોની મહત્વની બેઠકમાં ગિલે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, આ નિયમથી રમતમાં ખેલાડીઓના વાસ્તવિક કૌશલ્ય અને વ્યૂહરચનાનું મહત્વ ઘટી રહ્યું છે. ગિલના મતે ક્રિકેટ એ પરંપરાગત રીતે 11 ખેલાડીઓની રમત છે અને તેમાં 12માં ખેલાડીનો વધારાનો પ્રવેશ રમતની મૂળભૂત ગરિમાને નુકસાન પહોંચાડે છે.
શુભમન ગિલે આ નિયમની ટેકનિકલ નબળાઈઓ પર પ્રકાશ પાડતા કહ્યું કે, એક વધારાના બેટ્સમેન કે બોલરને ઉમેરવાથી રમતનો અસલી પડકાર ખતમ થઈ જાય છે. સામાન્ય રીતે જો ટીમના મુખ્ય બેટ્સમેનો વહેલા આઉટ થઈ જાય, તો બાકીના ખેલાડીઓએ પોતાની ક્ષમતા અને ટેકનિકથી સ્કોર આગળ વધારવો પડે છે, જે ક્રિકેટની ખરી કસોટી છે. પરંતુ ‘ઈમ્પેક્ટ પ્લેયર’ના કારણે રમત એકતરફી બની જાય છે. ગિલે ઉમેર્યું કે, સપાટ પિચ પર 220 રનનો પીછો કરવા કરતા, મુશ્કેલ પિચ પર 160 કે 180 રન માટે સંઘર્ષ કરવો વધુ રોમાંચક હોય છે.
નોંધનીય છે કે માત્ર શુભમન ગિલ જ નહીં, પરંતુ ભારતીય ક્રિકેટના અન્ય દિગ્ગજો પણ આ નિયમની વિરુદ્ધમાં છે. અગાઉ રોહિત શર્મા અને હાર્દિક પંડ્યાએ પણ આ બાબતે વાંધો ઉઠાવ્યો હતો, જ્યારે તાજેતરમાં દિલ્હી કેપિટલ્સના કેપ્ટન અક્ષર પટેલે પણ આ નિયમનો ખુલ્લો વિરોધ કર્યો છે. મોટાભાગના કેપ્ટનોનું માનવું છે કે આ નિયમથી ઓલરાઉન્ડર ખેલાડીઓની ભૂમિકા સીમિત થઈ જાય છે, જે લાંબા ગાળે ભારતીય ક્રિકેટ માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.
આ વિવાદે ફરી એકવાર ચર્ચા જગાવી છે કે શું મનોરંજન માટે ક્રિકેટના પાયાના નિયમો સાથે છેડછાડ કરવી યોગ્ય છે? ગિલ જેવા યુવા કેપ્ટનનો આ આકરો મિજાજ દર્શાવે છે કે ખેલાડીઓ હવે માત્ર આંકડાઓ પાછળ દોડવાને બદલે રમતની ગુણવત્તા જાળવી રાખવા ઈચ્છે છે. 28 માર્ચથી શરૂ થઈ રહેલી આઈપીએલમાં ‘ઈમ્પેક્ટ પ્લેયર’નો ઉપયોગ વ્યૂહાત્મક રીતે કેવી રીતે થાય છે અને તે કેટલા વિવાદો સર્જે છે, તેના પર હવે સમગ્ર વિશ્વની નજર રહેશે.