માત્ર બેટિંગ જ નહીં, કમાણીમાં પણ વિરાટ છે નંબર-1: જાહેરાતોની દુનિયામાં કોહલીની છે એકહથ્થુ સત્તા
ભારતીય ક્રિકેટના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલી માત્ર મેદાન પર રન બનાવવામાં જ નહીં, પરંતુ જાહેરાતોની દુનિયામાં પણ 'કિંગ' સાબિત થયા છે. વિશ્વભરમાં ફેલાયેલી તેમની જબરદસ્ત ફેન ફોલોઈંગને કારણે આજે દરેક મોટી બ્રાન્ડ પોતાના પ્રમોશન માટે સૌથી પહેલા વિરાટ કોહલીનો સંપર્ક કરે છે. હાલમાં જ સામે આવેલા અહેવાલો અનુસાર, વિરાટ કોહલી ભારતનો સૌથી મોંઘો સેલિબ્રિટી એન્ડોર્સર બની ગયો છે. અહેવાલો મુજબ, વિરાટ કોહલી એક બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ એટલે કે જાહેરાત માટે ₹7 કરોડથી ₹10 કરોડ સુધીનો ચાર્જ વસૂલે છે.
માત્ર ટીવી એડ જ નહીં, પરંતુ સોશિયલ મીડિયા પર પણ તેમનો દબદબો છે. ઇન્સ્ટાગ્રામ પર એક પ્રમોશનલ પોસ્ટ મૂકવા માટે તેઓ અંદાજે ₹3 કરોડથી ₹5 કરોડ લે છે. આ આંકડાઓ દર્શાવે છે કે વિરાટ કોહલીની બ્રાન્ડ વેલ્યુ કોઈ બોલિવૂડ કરતા પણ વધુ છે. વિરાટ કોહલી હાલમાં અનેક આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય બ્રાન્ડ્સ સાથે જોડાયેલા છે. જેમાં Puma, Audi, Myntra, MRF Tyres, Blue Star, Vivo, Manyavar અને Fire-Boltt જેવી નામાંકિત કંપનીઓનો સમાવેશ થાય છે. આ બ્રાન્ડ્સના લોન્ચિંગ ઈવેન્ટ્સ અને કેમ્પેઈનમાં વિરાટની હાજરી બ્રાન્ડના મૂલ્યમાં અનેકગણો વધારો કરે છે.
માત્ર અન્ય બ્રાન્ડ્સ જ નહીં, વિરાટની પોતાની બ્રાન્ડ 'One8' પણ માર્કેટમાં ખૂબ જ લોકપ્રિય છે. શૂઝ, કપડાં, પરફ્યુમ અને એનર્જી ડ્રિંક્સ જેવી પ્રોડક્ટ્સ ધરાવતી આ બ્રાન્ડ દ્વારા વિરાટ વાર્ષિક કરોડો રૂપિયાની કમાણી કરે છે. ફિટનેસ અને લાઈફસ્ટાઈલ ક્ષેત્રે 'One8' યુવાનોમાં એક મોટો ટ્રેન્ડ બની ગઈ છે. ઇન્સ્ટાગ્રામ પર 273 મિલિયનથી વધુ ફોલોઅર્સ ધરાવતા વિરાટ કોહલી સોશિયલ મીડિયા પર સૌથી વધુ ફોલો કરવામાં આવતા એશિયન સેલિબ્રિટી છે. તેમની એક પોસ્ટ મિનિટોમાં કરોડો લોકો સુધી પહોંચે છે, જે બ્રાન્ડ્સ માટે સૌથી મોટું માર્કેટિંગ ટૂલ સાબિત થાય છે.