અમદાવાદના બોપલ વકીલ સાહેબ બ્રિજ પાસેથી લાખોનો 'હાઈબ્રિડ ગાંજો' ઝડપાયો, બે શખ્સોની ધરપકડ
અમદાવાદના બોપલ વિસ્તારમાં મોડી રાત્રે SOGની ટીમે હાઈબ્રિડ ગાંજાના મોટા જથ્થા સાથે બે ડ્રગ પેડલરોને ઝડપી પાડ્યા છે. વકીલ સાહેબ બ્રિજ પાસે લાખોની કિંમતના ડ્રગ્સની હેરાફેરીની બાતમી મળતા પોલીસે દરોડો પાડી અંદાજે 9 લાખથી વધુની કિંમતનો હાઈબ્રિડ ગાંજો જપ્ત કર્યો છે. આ કેસમાં એક સ્થાનિક શખ્સ ફરાર થતા પોલીસે તેને શોધવા કવાયત હાથ ધરી છે. શહેરમાં નશાના કારોબારને નેસ્તનાબૂદ કરવા માટે કાર્યરત SOGની ટીમે બોપલ વિસ્તારમાં મોટી કાર્યવાહી કરી છે.
વકીલ સાહેબ બ્રિજ પાસે આવેલા એક શોરૂમ નજીકથી પોલીસે લાખોની કિંમતના પ્રતિબંધિત હાઈબ્રિડ ગાંજાના જથ્થા સાથે બે શખ્સોને દબોચી લીધા છે, જ્યારે એક શખ્સ પોલીસને હાથતાળી આપી ફરાર થઈ ગયો છે. SOGની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે કેટલાક શખ્સો બોપલ વિસ્તારમાં મોંઘા ભાવનો હાઈબ્રિડ ગાંજો વેચવાની ફિરાકમાં છે. આ બાતમીના આધારે ગત મોડી રાત્રે વોચ ગોઠવીને પોલીસે નારોલ વિસ્તારમાં રહેતા શિવમસિંહ ભદોરિયા અને શાસ્ત્રીનગરમાં રહેતા હેમંતકુમાર દેસાઈની અટકાયત કરી હતી.
તલાશી દરમિયાન તેમની પાસેથી 258.76 ગ્રામ હાઈબ્રિડ ગાંજો મળી આવ્યો હતો. પોલીસે આ ઓપરેશન દરમિયાન જે જથ્થો જપ્ત કર્યો છે તેની બજાર કિંમત અંદાજે 9,05,660 રૂપિયા જેટલી થાય છે. આ ઉપરાંત પોલીસે મુદ્દામાલ કબજે કર્યો છે, પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ ડ્રગ્સ રેકેટમાં બોપલનો રહેવાસી પૂર્વરાજસિંહ વાઘેલા પણ સામેલ છે, જે હાલ ફરાર છે. SOGએ આ મામલે ગુનો નોંધી ફરાર આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. આ શખ્સો આટલો મોંઘો ગાંજો ક્યાંથી લાવ્યા અને કોને વેચવાના હતા તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે.