માહી વગર મેદાન સુનું: CSK ના ઇતિહાસમાં પહેલીવાર 'થાલા' વિનાનો જંગ, સામે હશે રાજસ્થાનના રજવાડા!
IPL 2026ની ત્રીજી મેચ આજે ચેન્નાઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે ગુવાહાટીના બરસાપારા સ્ટેડિયમમાં રમાશે. આ મેચ CSKના ઈતિહાસમાં એક મોટા પરિવર્તનની સાક્ષી બનશે, કારણ કે ટીમના પૂર્વ કેપ્ટન અને દિગ્ગજ ખેલાડી એમ.એસ. ધોની ઈજા (કાફ સ્ટ્રેઈન)ને કારણે આ મેચમાં રમશે નહીં. ધોનીની ગેરહાજરીમાં ચેન્નાઈની ટીમ પહેલીવાર મેદાનમાં ઉતરશે, જે ચાહકો માટે ભાવુક ક્ષણ હશે. રાજસ્થાન રોયલ્સ માટે ગુવાહાટીનું બરસાપારા સ્ટેડિયમ સેકન્ડ હોમ ગ્રાઉન્ડ છે. મેચ સાંજે 7:30 વાગ્યે શરૂ થશે. આ મેદાન સામાન્ય રીતે બેટિંગ માટે અનુકૂળ મનાય છે, પરંતુ રાત્રે ઝાકળ મહત્વની ભૂમિકા ભજવી શકે છે, જેના કારણે ટૉસ જીતનારી ટીમ પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કરી શકે છે.
આ મેચમાં સૌથી મોટું આકર્ષણ રવીન્દ્ર જાડેજા અને સંજુ સેમસન રહેશે,એક મોટા ટ્રેડિંગ સોદામાં રવીન્દ્ર જાડેજા હવે રાજસ્થાન રોયલ્સ તરફથી રમશે, જ્યારે સંજુ સેમસન ચેન્નાઈ સુપર કિંગ્સની જર્સીમાં જોવા મળશે. આ બંને ખેલાડીઓ આજે પોતાની પૂર્વ ટીમ સામે જ મેદાનમાં ઉતરશે, જે મેચમાં એક રોમાંચક પાસું ઉમેરશે. ચેન્નાઈની કમાન યુવા ઋતુરાજ ગાયકવાડના હાથમાં છે, જ્યારે રાજસ્થાન રોયલ્સની કેપ્ટન્સી સ્થાનિક સ્ટાર રિયાન પરાગ સંભાળી રહ્યો છે. ધોની જેવી ગાઈડન્સની ગેરહાજરીમાં ગાયકવાડ માટે ફિલ્ડ સેટિંગ અને બોલિંગમાં ફેરફાર કરવાનું કામ પડકારજનક રહેશે. બીજી તરફ, રિયાન પરાગ પોતાના હોમ ગ્રાઉન્ડ પર ટીમનું નેતૃત્વ કરીને વિજયી શરૂઆત કરવા ઈચ્છશે.
IPL ઈતિહાસમાં CSK અને RR વચ્ચે અત્યાર સુધી 32 મેચ રમાઈ છે, જેમાં બંને ટીમોએ 16-16 મેચ જીતીને બરાબરી કરી છે. જોકે, છેલ્લા કેટલાક સમયથી રાજસ્થાનનું પલ્લું થોડું ભારે રહ્યું છે. રાજસ્થાને છેલ્લી 9 મેચોમાંથી 8 મેચમાં ચેન્નાઈને હાર આપી છે, જે આંકડો આજે CSKના મનોબળ પર અસર કરી શકે છે. ગુવાહાટીમાં રમાનારી આ મેચ માટે ટિકિટોની ભારે માંગ જોવા મળી રહી છે. આસામના ક્રિકેટ પ્રેમીઓ માટે આ એક મોટી તક છે. ધોની ભલે મેદાનમાં ન હોય, પરંતુ સંજુ સેમસનનું CSKમાં આવવું અને રવીન્દ્ર જાડેજાનું રાજસ્થાનમાં પરત ફરવું આ મેચને સિઝનની સૌથી વધુ જોવાયેલી મેચોમાંની એક બનાવશે.