ડભોડાના હનુમાનજીનો અનોખો પરચો : જ્યાં અંગ્રેજોએ પણ નમાવ્યું હતું શીશ, આજે પણ રેલવે વિભાગ અર્પણ કરે છે તેલનો ડબ્બો...
ગાંધીનગર : ગુજરાતની ધરતી પર અનેક ચમત્કારી મંદિરો આવેલા છે, પરંતુ ગાંધીનગર જિલ્લામાં આવેલું ૧૨૦૦ વર્ષ જૂનું ડભોડા હનુમાન મંદિર પોતાની આગવી ઐતિહાસિક અને ધાર્મિક ઓળખ ધરાવે છે. અમદાવાદથી માત્ર ૨૦ કિલોમીટર દૂર ખારી નદીના કિનારે આવેલું આ મંદિર ‘ડભોડિયા હનુમાન’ તરીકે વિશ્વભરમાં પ્રખ્યાત છે. અહીં બિરાજમાન દાદાની મૂર્તિ સ્વયંભૂ પ્રગટ થયેલી હોવાનું માનવામાં આવે છે, જેની પાછળ એક અત્યંત રસપ્રદ ઇતિહાસ છુપાયેલો છે.
પાટણના રાજા અને દેવગઢનું ગાઢ જંગલ
લોકવાયકા મુજબ, વર્ષો પહેલા જ્યારે અલાઉદ્દીન ખિલજીએ પાટણ પર ચઢાઈ કરી હતી, ત્યારે પાટણના રાજાએ રક્ષણ માટે ડભોડાના તત્કાલીન ‘દેવગઢ’ નામના ગાઢ જંગલમાં આશ્રય લીધો હતો. આ જંગલમાં રાજાનું પશુધન ચરવા માટે જતું હતું. તે સમયે ભરવાડોએ એક અદભૂત ઘટના નિહાળી હતી, જેણે આ પવિત્ર સ્થાનો મહિમા વધાર્યો હતો.
ટીલડી ગાયનો દૂધ અભિષેક અને મૂર્તિનું પ્રાગટ્ય
રાજાની ગાયોના ટોળામાં ‘ટીલડી’ નામની એક ગાય હતી. આ ગાય રોજ ટોળામાંથી છૂટી પડીને જંગલમાં એક નિશ્ચિત જગ્યાએ જઈ ઉભી રહેતી અને ત્યાં આપમેળે દૂધની ધારાઓ વહેતી હતી. ભરવાડોએ આ વાતની જાણ રાજાને કરી. રાજાએ રાજપુરોહિતની સલાહ મુજબ તે સ્થળે ખોદકામ કરાવ્યું, જ્યાંથી હનુમાનજી દાદાની અત્યંત પ્રભાવશાળી મૂર્તિ મળી આવી હતી. ત્યારબાદ ત્યાં વિધિવત રીતે મૂર્તિની સ્થાપના કરવામાં આવી.
રેલવે લાઇન નાખવામાં નડતી મુશ્કેલી અને દાદાની બાધા
આ મંદિરનો મહિમા એટલો છે કે ભારતીય રેલવે સાથે પણ તેનો ગાઢ સંબંધ જોડાયેલો છે. કહેવાય છે કે જ્યારે ડભોડા પાસેથી રેલવે લાઇન નાખવાનું કામ શરૂ થયું, ત્યારે અનેક પ્રયત્નો છતાં એન્જિનિયરો સફળ થતા નહોતા. કામમાં વારંવાર અવરોધો આવતા હતા. અંતે રેલવે વિભાગે દાદાના શરણમાં જઈ બાધા રાખી હતી અને કામ નિર્વિઘ્ને પૂર્ણ થયું હતું.
આજે પણ કેન્દ્ર સરકારના બિલમાં મંજૂર થાય છે તેલનો ખર્ચ
દાદાના ચમત્કારથી પ્રભાવિત થઈને ત્યારથી કાળી ચૌદસના દિવસે રેલવે વિભાગ દ્વારા ડભોડા હનુમાનજીને તેલનો ડબ્બો ચઢાવવાની પરંપરા શરૂ થઈ છે. નવાઈની વાત તો એ છે કે, આજે આધુનિક યુગમાં પણ રેલવે વિભાગ દ્વારા આ તેલના ડબ્બાનું કાયદેસરનું બિલ રજૂ કરવામાં આવે છે અને કેન્દ્ર સરકારના હિસાબમાં તેની નોંધ લેવામાં આવે છે.
અંગ્રેજોના સમયનો પરચો અને લોકમેળાનું મહત્વ
માત્ર ભારતીય રેલવે જ નહીં, પણ અંગ્રેજ શાસન દરમિયાન બ્રિટિશ અધિકારીઓએ પણ અહીં માથું નમાવ્યું હતું. માન્યતા છે કે અંગ્રેજોએ પણ અહીં તેલનો ડબ્બો ચઢાવવાની માનતા માની હતી. દર વર્ષે કાળી ચૌદસના દિવસે અહીં ભવ્ય મેળો ભરાય છે, જેમાં ભક્તો દ્વારા અંદાજે ૩૫૦થી વધુ તેલના ડબ્બાનો અભિષેક કરવામાં આવે છે.
મહંતના આશીર્વાદ : ગામમાં ક્યારેય નથી પડતા તીડ
મંદિરના પૂર્વ મહંત સ્વ. જુગલદાસજી મહારાજે વર્ષો પહેલા ડભોડા ગામની સરહદ પર કોઈ કુદરતી આપત્તિ કે તીડ નહીં આવે તેવા આશીર્વાદ આપ્યા હતા. ગ્રામજનોના જણાવ્યા મુજબ, આજે પણ જ્યારે આસપાસના વિસ્તારોમાં તીડનો આતંક હોય છે, ત્યારે ડભોડાની સીમમાં ક્યારેય તીડ કે કાતરા પાકને નુકસાન પહોંચાડતા નથી.
હનુમાન જયંતી નિમિત્તે વિશેષ આયોજન
આ વર્ષે હનુમાન જયંતીના પવિત્ર અવસરે મંદિરમાં ૧૫૧ તેલના ડબ્બાનો મહાઅભિષેક કરવામાં આવશે. શ્રદ્ધાળુઓ દ્વારા અત્યારથી જ દાનનો પ્રવાહ શરૂ થઈ ગયો છે. દાદાને ચોખ્ખા ઘીની સુખડીનો પ્રસાદ ધરાવવામાં આવે છે, જે ભક્તોમાં અત્યંત લોકપ્રિય છે.
પ્રવાસન ધામ તરીકે વિકાસ અને જિણોદ્ધાર
છેલ્લા કેટલાક વર્ષોથી ગુજરાત સરકાર દ્વારા આ મંદિરનો પ્રવાસન ધામ તરીકે વિકાસ કરવામાં આવી રહ્યો છે. ૧૨૦૦ વર્ષ જૂના આ ઐતિહાસિક મંદિરનો જિણોદ્ધાર કાર્ય પણ પૂર્ણતાના આરે છે, જેથી દેશ-વિદેશથી આવતા શ્રદ્ધાળુઓ દાદાના દર્શનની સાથે ભારતીય સંસ્કૃતિ અને ઇતિહાસની અનુભૂતિ કરી શકે.
ભક્તોની અતૂટ શ્રદ્ધાનું કેન્દ્ર
શનિવાર હોય કે હનુમાન જયંતી, ડભોડા હનુમાનજીના દર્શન માટે લાંબી કતારો જોવા મળે છે. ભક્તો માને છે કે જે વ્યક્તિ સાચા મનથી અહીં માથું ટેકવે છે, તેના જીવનના તમામ સંકટો પવનપુત્ર હરી લે છે. ડભોડા હનુમાનજી આજે પણ લાખો લોકોની શ્રદ્ધાના જીવંત પ્રતીક તરીકે બિરાજમાન છે.