ડાકોરના પવિત્ર ધામમાં આ અશોભનીય વર્તન કેટલું યોગ્ય? મહિલા પ્રવેશદ્વાર પાસે વેપારીએ મર્યાદા નેવે મૂકી, બીભત્સ કરતૂતનો વીડિયો વાઇરલ...
સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં લાખો શ્રદ્ધાળુઓની આસ્થાના કેન્દ્ર સમાન રણછોડરાયજીના મંદિર પાસે એક આઘાતજનક અને શરમજનક ઘટના સામે આવી છે. ભક્તિ અને પવિત્રતાથી છલકાતા આ ધામમાં મંદિરની બિલકુલ નજીક પ્રસાદની દુકાન ચલાવતા એક વેપારીએ માનવતા અને મર્યાદાની તમામ હદો વટાવી દીધી છે. આ વેપારીનો એક અત્યંત બીભત્સ વીડિયો સોશિયલ મીડિયા પર વાયુવેગે પ્રસરતા સમગ્ર પંથકમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ચોંકાવનારી બાબત એ છે કે આ ઘટના એ જ સ્થળે બની છે જ્યાંથી મહિલા શ્રદ્ધાળુઓ મંદિરમાં પ્રવેશવા માટે પસાર થતી હોય છે.
ઘટનાની વિગતો મુજબ, મંદિર પાસે આવેલી પ્રસાદની દુકાનના સંચાલકને અન્ય સ્થાનિક દુકાનદારો સાથે કોઈ બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ વિવાદ દરમિયાન વેપારી પોતાનું માનસિક સંતુલન ગુમાવી બેઠો હતો અને આવેશમાં આવીને જાહેરમાં જ મહિલાઓની હાજરીની પરવા કર્યા વગર અત્યંત અશોભનીય અને બીભત્સ ચેનચાળા કરવા લાગ્યો હતો. પવિત્ર ગણાતા માર્ગ પર શ્રદ્ધાળુઓની અવરજવર વચ્ચે વેપારીની આ હરકત મોબાઈલ કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જે જગ્યાએ હજારો માઈભક્તો શ્રદ્ધાપૂર્વક દર્શન કરવા આવતા હોય, ત્યાં જ વેપારીની આવી લુખ્ખાગીરી અને અણછાજતું વર્તન જોઈને પ્રવાસીઓ અને સ્થાનિકોમાં તીવ્ર પ્રતિક્રિયા ઉઠી છે.
ડાકોર જેવા પરમ પવિત્ર યાત્રાધામમાં જ્યાં શ્રદ્ધાળુઓ મનમાં ભક્તિ ભાવ લઈને આવતા હોય છે, ત્યાં વેપારીઓની આવી હરકતો મંદિરની ગરિમા અને સુરક્ષા વ્યવસ્થા સામે પણ સવાલો ઉભા કરે છે. સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલા આ વીડિયો બાદ લોકોમાં એવી માંગ ઉઠી રહી છે કે આસ્થાના ધામને લાંછન લગાડનાર આવા તત્વો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે. મહિલાઓના મુખ્ય પ્રવેશદ્વાર પાસે જ બનેલી આ ઘટનાને કારણે ભાવિક ભક્તોની લાગણી દુભાઈ છે અને આવા શરમજનક કૃત્યો કરનાર વેપારીઓ સામે તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.