April 1, 2026
ગુજરાત

સેવા, સુરક્ષા અને શાંતિનું જીવંત ઉદાહરણ : ડાંગ LCBની ટીમે પીંપરીના જંગલમાં ભભૂકેલી આગ પર મેળવ્યો કાબૂ...

10:55:00 AM
Save
Mar 28, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>સેવા, સુરક્ષા અને શાંતિનું જીવંત ઉદાહરણ : </strong></span>ડાંગ LCBની ટીમે પીંપરીના જંગલમાં ભભૂકેલી આગ પર મેળવ્યો કાબૂ...</p>

ડાંગ જિલ્લાના ગાઢ જંગલો અને કુદરતી સૌંદર્ય વચ્ચે કાયદો અને વ્યવસ્થા જાળવતી પોલીસ ઘણીવાર સંકટ સમયે દેવદૂત સાબિત થતી હોય છે. આવી જ એક પ્રશંસનીય ઘટના તા. 27 માર્ચની રાત્રિએ પ્રકાશમાં આવી હતી, જ્યારે ડાંગ એલ.સી.બી. (લોકલ ક્રાઈમ બ્રાન્ચ)ની ટીમ નાઇટ પેટ્રોલિંગમાં હતી. LCB પી.એસ.આઈ. જે.જી. અનડકટ અને તેમની ટીમ જ્યારે આહવા થી વઘઇ જતા મુખ્ય માર્ગ પરથી પસાર થઈ રહી હતી, ત્યારે રાત્રિના અંધકારમાં પીંપરી ગામ નજીક જંગલની ઝાડીઓમાં અચાનક ભભૂકી ઉઠેલી આગ તેઓની નજરે પડી હતી. આગની જ્વાળાઓ ધીરે ધીરે વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી હતી અને પવનના કારણે તે વધુ ફેલાઈ રહી હતી. સ્થિતિની ગંભીરતા પારખીને PSI અનડકટે ત્વરિત નિર્ણય લઈ પોતાની ગાડી થોભાવી દીધી હતી.

ઘટનાસ્થળનું નિરીક્ષણ કરતા માલૂમ પડ્યું કે આગ જ્યાં લાગી હતી તેની બિલકુલ નજીકમાં જ ઈલેક્ટ્રિક પોલ, પાવર સબસ્ટેશનનું ટ્રાન્સફોર્મર અને વીજળીના જીવંત વાયરો પસાર થઈ રહ્યા હતા. આ ઉપરાંત, ત્યાં સુરક્ષા માટેના કિંમતી કમાન્ડ કંટ્રોલના સીસીટીવી કેમેરા પણ લગાવેલા હતા. જો આગ આ વીજ ઉપકરણો સુધી પહોંચી હોત તો માત્ર લાખો રૂપિયાનું નુકસાન જ નહીં, પણ એક મોટો વિસ્ફોટ કે શોર્ટ સર્કિટના કારણે ભયાનક અકસ્માત સર્જાવાની પૂરેપૂરી શક્યતા હતી. સમય સૂચકતા વાપરીને પી.એસ.આઈ.એ ટીમના એક જવાનને રોડ પર આવતા-જતા વાહનચાલકો અને રાહદારીઓને સાવચેત કરવા તથા મદદ માટે રોક્યા, જ્યારે બાકીની ટીમે કોઈ પણ સાધન-સામગ્રીની રાહ જોયા વિના જંગલના ઝાડી-ઝાંખરામાંથી ડાળીઓ અને પાંદડાના ઝાડુ બનાવી આગ ઓલવવાનું ભગીરથ કાર્ય શરૂ કરી દીધું હતું.

પોલીસ જવાનોએ ભારે જહેમત ઉઠાવીને સૂકા પાંદડા અને ડાળીઓને આગના માર્ગમાંથી હટાવી એક 'ફાયર લાઈન' તૈયાર કરી હતી, જેથી આગ આગળ વધતી અટકી ગઈ હતી. પોલીસ ટીમની આ ત્વરિત અને સાહસિક કામગીરીને કારણે જંગલની અમૂલ્ય સંપત્તિ તો બચી જ, સાથે સાથે લાખોની કિંમતના સીસીટીવી કેમેરા અને ઇલેક્ટ્રિક ઇન્સ્ટોલેશનને પણ ખાખ થતા બચાવી લેવાયા હતા. રાત્રિના સમયે અંધકાર વચ્ચે જવાનોએ જે રીતે પોતાની સુરક્ષાની પરવા કર્યા વગર આગ પર કાબૂ મેળવ્યો, તેણે ડાંગ પોલીસની છબીને વધુ ઉજજવળ બનાવી છે. આ કામગીરી દ્વારા ગુજરાત પોલીસના 'સેવા, સુરક્ષા અને શાંતિ'ના સૂત્રને ડાંગ એલ.સી.બી.એ સાચા અર્થમાં સાર્થક કરી બતાવ્યું છે, જેની સમગ્ર પંથકમાં પ્રશંસા થઈ રહી છે.