April 1, 2026
ગુજરાત

પોલીસે ઓળખ છુપાવી, આરોપી ઝડપ્યો : મહારાષ્ટ્રના બજારમાં ડાંગ પોલીસની ટીમે વેશપલટો કરી બે વર્ષથી ફરાર રીઢા આરોપીને ઝડ્પ્યો... 

10:41:00 AM
Save
Mar 23, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>પોલીસે ઓળખ છુપાવી, આરોપી ઝડપ્યો : </strong></span>મહારાષ્ટ્રના બજારમાં ડાંગ પોલીસની ટીમે વેશપલટો કરી બે વર્ષથી ફરાર રીઢા આરોપીને ઝડ્પ્યો... </p>

ડાંગ જિલ્લાના અતિ દુર્ગમ અને સરહદી વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુદ્રઢ બનાવવાના આશય સાથે પોલીસ વિભાગ દ્વારા નાસતા-ફરતા આરોપીઓને પકડવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ કવાયતના ભાગરૂપે સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીર સિંહ (IPS) અને ડાંગ-આહવા પોલીસ અધિક્ષક પૂજા યાદવના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)ને એક મોટી સફળતા મળી છે. સાપુતારા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા આર્મ્સ એક્ટના ગંભીર ગુનામાં છેલ્લા બે વર્ષથી પોલીસને થાપ આપી રહેલા વોન્ટેડ આરોપી અજય બાલુભાઈ મોહિતેને ડાંગ LCBની ટીમે મહારાષ્ટ્રના બુલઢાણા ખાતેથી અત્યંત સાવચેતી અને બાહોશીપૂર્વક ઝડપી પાડ્યો છે. આ ઓપરેશન એટલા માટે પણ પડકારજનક હતું કારણ કે આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓ ગુનાહિત માનસ ધરાવતા અને પોલીસ પર હુમલો કરવાની ટેવ વાળા હતા, જેમાંનો એક આરોપી અગાઉ મહારાષ્ટ્ર પોલીસ સાથેના એન્કાઉન્ટરમાં ભાગતા સમયે માર્યો ગયો હતો.પોલીસ 

આ સમગ્ર ઓપરેશનની વિગત એવી છે કે, સાપુતારા પોલીસ સ્ટેશનમાં વર્ષ 2024માં નોંધાયેલા હથિયાર ધારા અને જી.પી. એક્ટના ગુનામાં અજય મોહિતે વોન્ટેડ હતો. LCBના પી.એસ.આઈ. જે.જી. અનડકટ અને તેમની ટીમને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સોર્સ દ્વારા સચોટ બાતમી મળી હતી કે આરોપી હાલ ડ્રાઇવિંગનું કામ કરે છે અને પોતાના વતન ઉંદરી (બુલઢાણા) આવવાનો છે. આ બાતમીના આધારે પોલીસ અધિક્ષક પૂજા યાદવે ટીમનું ખાસ બ્રીફિંગ કરી એક એક્શન પ્લાન તૈયાર કર્યો હતો. ડાંગ પોલીસની ટીમે બુલઢાણા પહોંચીને આરોપીના રહેણાંક અને સંભવિત વિસ્તારોમાં ગુપ્ત રીતે રેકી હાથ ધરી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આરોપી પોપટી કલરના ટી-શર્ટમાં છે અને પોતાના ભાઈની સારવાર માટે બુલઢાણાની એક ખાનગી હોસ્પિટલમાં જવાનો છે. આરોપી સ્થાનિક હોવાથી અને ભીડનો લાભ લઈ નાસી શકે તેમ હોવાથી પોલીસ ટીમે મહારાષ્ટ્રીયન પહેરવેશ ધારણ કરી વેશપલટો કર્યો હતો જેથી કોઈને શંકા ન જાય.

બુલઢાણા સિટીના મુખ્ય બજારમાં આવેલી સોલંકી હોસ્પિટલ પાસે વોચ ગોઠવી રહેલી ટીમે જેવો આરોપી બહાર આવ્યો કે તરત જ તેને કોર્ડન કરી લીધો હતો. ભીડભાડ વાળા વિસ્તારમાં આરોપી કોઈ હિલચાલ કરે તે પહેલા જ પોલીસે તેને સિફતપૂર્વક પકડી પાડી ગાડીમાં બેસાડી દીધો હતો અને સલામત રીતે નજીકના પોલીસ સ્ટેશન લઈ જઈ તેની ઓળખની ખાતરી કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આ ગુનામાં કુલ ચાર આરોપીઓ સામેલ હતા જેઓ દેશી હાથબનાવટની પિસ્તોલ સાથે સાપુતારાથી પસાર થઈ રહ્યા હતા. તે સમયે બે આરોપીઓ પકડાયા હતા જ્યારે અજય મોહિતે અને અમોલ ખોતકર નાસી છૂટ્યા હતા. અમોલ ખોતકર જે મહારાષ્ટ્રમાં  3.5 કરોડની લૂંટ અને મર્ડર જેવા 12 ગુનાઓમાં સંડોવાયેલ હતો, તે મે 2025માં મહારાષ્ટ્ર પોલીસ સાથેના એન્કાઉન્ટરમાં ગયો હતો. આરોપીઓની આવી રીઢી હિસ્ટ્રી હોવા છતાં ડાંગ LCBના જવાનોએ આ ઓપરેશન પાર પાડ્યું હતું.

આ સફળ કામગીરીમાં PSI જે.જી. અનડકટ સહિત ASI રમેશભાઈ પવાર, પ્રમોદભાઈ નીવર, હેડ કોન્સ્ટેબલ લક્ષ્મણભાઈ, દિનેશભાઈ ગાંગુડા, દિલીપભાઈ ગામીત તેમજ પોલીસ કોન્સ્ટેબલ હિનયભાઈ, અશોકભાઈ પટેલ, દિનેશભાઈ વાઘેરા અને ચંદુભાઈ ગાવીતે મહત્વની ભૂમિકા ભજવી હતી. હાલમાં આરોપીને હસ્તગત કરી સાપુતારા પોલીસને સોંપવામાં આવ્યો છે અને વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ડાંગ પોલીસની આ કામગીરીથી રીઢા ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે અને પોલીસની સતર્કતાની સર્વત્ર પ્રશંસા થઈ રહી છે.