દારા સિંહને હનુમાન બનવામાં લાગતા હતા કલાકો, જીત્યુ હતું ફેન્સનું દિલ; ‘રામાયણ’માં સની દેઓલ છોડી શકશે એવી છાપ?
રામાયણની અદ્ભુત ગાથા એક વખત વધુ મોટા પડદે આવવા જઈ રહી છે. ડિરેક્ટર નિતેશ તિવારી અને રણબીર કપૂર સાથે મળીને રામાયણ ફિલ્મ લાવી રહ્યા છે, જેમાં ભગવાન રામની ભૂમિકામાં રણબીર કપૂર જોવા મળશે. હનુમાન જયંતીના અવસરે ફિલ્મની પહેલી ઝલક જાહેર કરવામાં આવી છે, જેમાં ભગવાન રામ તરીકે રણબીરને જોવા મળ્યા છે. આ ઝલક જોતાં જ લોકોમાં ફિલ્મ પ્રત્યે ઉત્સાહ વધી ગયો છે.
ફિલ્મમાં હનુમાનજીની ભૂમિકામાં સની દેઓલને કાસ્ટ કરવામાં આવ્યા છે. સની દેઓલની પર્સનાલિટી હંમેશા તાકાતવર અને જોશીલી દેખાય છે, તેથી અનેક લોકો માને છે કે હનુમાનના કિરદાર માટે તેમની પસંદગી યોગ્ય છે પરંતુ સવાલ એ છે કે, સની દેઓલ સાલો પહેલા હનુમાન બનેલા દારા સિંહ જેવી અમર છાપ લોકોના દિલમાં છોડી શકશે?

દારા સિંહની અદ્ભુત મહેનત
રામાનંદ સાગરની ઐતિહાસિક રામાયણ સિરિયલમાં દારા સિંહે હનુમાનનો રોલ કરીને દરેકનું દિલ જીતી લીધું હતું. તે સમયે દારા સિંહ ૬૦-૬૨ વર્ષના હતા, છતાં પણ સ્ક્રીન પર તેમની તાકાત અને શક્તિ સ્પષ્ટ દેખાતી હતી. હનુમાન બનવા માટે દારા સિંહને 3થી 4 કલાક સુધી મેકઅપમાં બેસવું પડતું. તેમના ચહેરા પર મોલ્ડ માસ્ક લગાવવામાં આવતું. પૂંછડીને કારણે બેસવામાં પણ તકલીફ પડતી. ખાવા-પીવામાં મુશ્કેલી થતી. ઘણી વખત તેઓ મેકઅપના કારણે કલાકો સુધી ભૂખ્યા રહી જતા.
સીતાની ભૂમિકા ભજવનારી દીપિકા ચિખલિયા કરતાં પણ દારા સિંહને વધુ સમય મેકઅપમાં લાગતો. આટલી મહેનત અને શ્રદ્ધા સાથે તેમણે હનુમાનનો રોલ નિભાવ્યો હતો, જે આજે પણ અમર છે.

સની દેઓલ પર મોટી જવાબદારી
હવે રામાયણ ફિલ્મમાં સની દેઓલે હનુમાનના કિરદારને પરદે પર ફરીથી જીવંત કરવાની જવાબદારી છે. ફિલ્મના પહેલા ભાગમાં સનીનો રોલ સાપેક્ષ રીતે નાનો હોવાનું કહેવાય છે, પરંતુ બીજા ભાગમાં (૨૦૨૭ની દિવાળીએ રિલીઝ થનાર) તેમનું પૂરું દમ જોવા મળશે. ફિલ્મ આ વર્ષે દિવાળી (2026)ના અવસરે રિલીઝ થવાની છે.