દિલ્હી કેપિટલ્સની વિજયી કૂચ, લખનઉના હોમ ગ્રાઉન્ડ પર દિલ્હીની 6 વિકેટે જીત
આઈપીએલ 2026ના પાંચમા મુકાબલામાં દિલ્હી કેપિટલ્સે જબરદસ્ત ખેલ બતાવીને લખનઉ સુપર જાયન્ટ્સને 6 વિકેટે પરાજય આપ્યો છે. દિલ્હીના કેપ્ટન અક્ષર પટેલે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો સાચો નિર્ણય લીધો હતો. દિલ્હીના બોલરોએ શિસ્તબદ્ધ પ્રદર્શન કરીને લખનઉની મજબૂત બેટિંગ લાઇનઅપને નિર્ધારિત ઓવરો પહેલા જ માત્ર 141 રનમાં ઓલઆઉટ કરી દીધી હતી. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી લખનઉની ટીમની શરૂઆત નબળી રહી હતી. અબ્દુલ સમદે 36 રન અને મિશેલ માર્શે ૩૫ રન બનાવીને ટીમને સંભાળવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ અન્ય કોઈ બેટ્સમેન બે આંકડાનો સ્કોર પણ નોંધાવી શક્યા નહોતા.
એડન માર્કરમ 11 રન અને શાહબાઝ અહેમદ 15 રન બનાવી આઉટ થયા હતા. દિલ્હીના આક્રમક બોલિંગ સ્પેલ સામે લખનઉની ટીમ 18.4 ઓવરમાં જ ધરાશાયી થઈ ગઈ હતી. દિલ્હી કેપિટલ્સ તરફથી તમામ બોલરોએ પ્રશંસનીય પ્રદર્શન કર્યું હતું. લુંગી એન્ગિડી અને થંગારસુ નટરાજને ઘાતક બોલિંગ કરતા ૩-3 વિકેટ ઝડપી હતી. સ્પિનર કુલદીપ યાદવે પણ 2 વિકેટ લઈને લખનઉને મધ્યમ ઓવરોમાં રન બનાવવા દીધા નહોતા. મુકેશ કુમારે વિકેટ ન ઝડપી હોવા છતાં 3 ઓવરમાં માત્ર 17 રન આપીને અત્યંત કરકસરયુક્ત સ્પેલ ફેંક્યો હતો, જેના કારણે લખનઉ મોટો સ્કોર બનાવી શક્યું નહીં. 142 રનના આસાન દેખાતા લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી દિલ્હીની શરૂઆત અત્યંત સ્ફોટક અને જોખમી રહી હતી.
માત્ર 26 રનમાં જ દિલ્હીએ પોતાની 4 મુખ્ય વિકેટો ગુમાવી દીધી હતી. આ કટોકટીના સમયે ઇમ્પેક્ટ પ્લેયર તરીકે આવેલા સમીર રિઝવી અને ટ્રિસ્ટન સ્ટબ્સે બાજી સંભાળી હતી. બંને વચ્ચે119 રનની અતૂટ ભાગીદારી થઈ હતી, જેણે મેચનું પાસું પલટી નાખ્યું હતું. યુવા બેટ્સમેન સમીર રિઝવીએ પોતાની પ્રતિભા સાબિત કરતા માત્ર 47 બોલમાં 5 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 70 રનની તોફાની ઇનિંગ રમી હતી. બીજી તરફ ટ્રિસ્ટન સ્ટબ્સે તેને મજબૂત સાથ આ વિજય મેળવીને પોઈન્ટ ટેબલમાં પોતાની સ્થિતિ મજબૂત કરી છે.
આ જીત સાથે દિલ્હી કેપિટલ્સના ખેલાડીઓનો આત્મવિશ્વાસ સાતમા આસમાને પહોંચ્યો છે, ખાસ કરીને જે રીતે યુવા ખેલાડીઓએ દબાણમાં રમત બતાવી તે પ્રશંસનીય છે. બીજી તરફ લખનઉ સુપર જાયન્ટ્સે પોતાની બેટિંગ અને ફિલ્ડિંગમાં સુધારો કરવાની જરૂર જણાય છે. આ જીત બાદ દિલ્હીના કેપ્ટન અક્ષર પટેલે રિઝવી અને સ્ટબ્સના વખાણ કરતા તેમને ટીમની જીતના અસલી હીરો ગણાવ્યા હતા.