April 2, 2026
ભારત

AAPની 'ચાઇનીઝ ભૂલ' સુધારતી સરકાર: 1.40 લાખ CCTV કેમેરા બદલવાની પ્રક્રિયા તેજ

11:02:00 AM
Save
Apr 2, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>AAPની 'ચાઇનીઝ ભૂલ' સુધારતી સરકાર: </strong></span>1.40 લાખ CCTV કેમેરા બદલવાની પ્રક્રિયા તેજ</p>

નવી દિલ્હીના જાહેર બાંધકામ વિભાગના મંત્રી પરવેશ સાહિબ સિંહે એક અત્યંત મહત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું છે કે, દિલ્હીમાં આમ આદમી પાર્ટીના કાર્યકાળ દરમિયાન લગાવવામાં આવેલા અંદાજે 1.40 લાખ ચાઇનીઝ કંપનીના CCTV કેમેરાને તબક્કાવાર રીતે દૂર કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ વૈશ્વિક સુરક્ષા ચિંતાઓ અને ડેટા સુરક્ષાના ગંભીર જોખમો છે. સરકારનું માનવું છે કે વિદેશી કંપનીના આ ઉપકરણો રાષ્ટ્રીય સુરક્ષા માટે મોટો ખતરો સાબિત થઈ શકે છે. વિગતો મુજબ, PWD હેઠળ બે મુખ્ય તબક્કામાં કુલ 2,74,389 CCTV કેમેરા ઇન્સ્ટોલ કરવામાં આવ્યા હતા. 

પ્રથમ તબક્કા (સપ્ટેમ્બર 2020 થી નવેમ્બર 2022) દરમિયાન લગાવવામાં આવેલા તમામ 1.40 લાખ કેમેરા ચીની કંપની 'Hikvision' ના હતા. આ કંપની પર અગાઉ પણ અનેક દેશોએ સુરક્ષાના કારણોસર પ્રતિબંધ મૂક્યો છે. મંત્રીએ આક્ષેપ કર્યો હતો કે અગાઉની સરકારે આ કેમેરા લગાવતી વખતે તેની લાંબા ગાળાની સુરક્ષા અસરો અને ડેટા પ્રાઈવસી જેવા ગંભીર મુદ્દાઓને સંપૂર્ણપણે અવગણ્યા હતા. પરવેશ સાહિબ સિંહે વધુમાં જણાવ્યું હતું કે, દેખરેખ એ માત્ર કોઈ દેખાડો કે પ્રચારનો વિષય નથી, પરંતુ તે અત્યંત સંવેદનશીલ ડેટાના નિયંત્રણ સાથે જોડાયેલી બાબત છે.

દેશની આંતરિક સુરક્ષાને અસર કરે છે. તેમણે ખેદ વ્યક્ત કર્યો કે AAP સરકાર આ ગંભીરતા સમજવામાં નિષ્ફળ રહી અને ચીની ટેકનોલોજી પર નિર્ભરતા વધારી, જે સુરક્ષાની દ્રષ્ટિએ મોટી ભૂલ ગણાય. સરકારે હવે આ તમામ વિવાદાસ્પદ કેમેરાને તબક્કાવાર રીતે આધુનિક, સુરક્ષિત અને સ્વદેશી અથવા વધુ વિશ્વસનીય ટેકનોલોજી સાથે બદલવાની મંજૂરી આપી દીધી છે. પ્રથમ તબક્કાના ભાગરૂપે તાત્કાલિક 50,000 ચાઇનીઝ કેમેરા બદલવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. નવી ઇન્સ્ટોલ થનારી સિસ્ટમ્સ ઉચ્ચ ડેટા સુરક્ષા ધોરણોને પૂર્ણ કરશે અને તેમાં ડેટા લિકેજની કોઈ શક્યતા રહેશે નહીં, જે નાગરિકોની અંગત માહિતીને પણ સુરક્ષિત રાખશે.

આ સમગ્ર પ્રક્રિયા એવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે કે શહેરની સુરક્ષા વ્યવસ્થા કે દેખરેખમાં કોઈ વિક્ષેપ ન પડે. જૂના કેમેરા હટાવવાની સાથે જ નવી અદ્યતન સિસ્ટમ કાર્યરત કરવામાં આવશે. અધિકારીઓએ પુષ્ટિ આપી છે કે આ ફેરફારથી માત્ર સુરક્ષા જ નહીં, પરંતુ કેમેરાની ગુણવત્તા અને સર્વિસ સપોર્ટમાં પણ સુધારો થશે. સરકારનો હેતુ દિલ્હીના સીસીટીવી નેટવર્કને સંપૂર્ણપણે સુરક્ષિત અને 'ચાઇનીઝ આંખ' થી મુક્ત કરવાનો છે.

મંત્રીએ AAP પર આકરા પ્રહાર કરતા કહ્યું કે અગાઉની સરકાર માટે આ પ્રોજેક્ટ માત્ર પ્રચાર અને ડેટા ભેગો કરવાનો મામલો હતો, પરંતુ વર્તમાન સરકાર માટે દિલ્હીના નાગરિકોની સુરક્ષા અને દેશનું હિત સર્વોપરી છે. રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દે કોઈપણ પ્રકારનું સમાધાન સ્વીકારવામાં આવશે નહીં. આ પગલાથી હવે દિલ્હીના સંવેદનશીલ વિસ્તારો અને જાહેર સ્થળો પર સુરક્ષાની નવી અને મજબૂત વ્યવસ્થા ઊભી થશે, જે ડેટા ચોરીના ભયથી મુક્ત હશે.