હવે નહીં સાંભળી શકાય 'વોલ્યુમ 1'....દિલ્હી હાઈકોર્ટે ગીતને ગણાવ્યું અશ્લીલ, તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી હટાવવા હુકમ
દિલ્હી હાઈકોર્ટે મ્યુઝિક ઈન્ડસ્ટ્રીના જાણીતા ગાયકો હની સિંહ અને બાદશાહના અત્યંત વિવાદાસ્પદ ગીત "વોલ્યુમ 1" પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકતો કડક આદેશ જારી કર્યો છે. જસ્ટિસ પુરુષેન્દ્ર કૌરવની બેન્ચે આ ગીતની સામગ્રીને ગંભીરતાથી લેતા તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને મ્યુઝિક સ્ટ્રીમિંગ એપ્સ પરથી તેને તાત્કાલિક અસરથી દૂર કરવાનો નિર્દેશ આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે આ ગીતનો એક પણ અંશ કોઈપણ જાહેર પ્લેટફોર્મ પર ઉપલબ્ધ રહેવો જોઈએ નહીં.
કેસની સુનાવણી દરમિયાન જસ્ટિસ પુરુષેન્દ્ર કૌરવે અત્યંત આકરા શબ્દોમાં ટિપ્પણી કરી હતી, તેમણે જણાવ્યું હતું કે, આ ગીત સાંભળ્યા બાદ કોર્ટનો અંતરાત્મા હચમચી ગયો છે. આ એવા દુર્લભ કિસ્સાઓમાંથી એક છે જેમાં અભિવ્યક્તિની આઝાદીના નામે અશ્લીલતા પીરસવામાં આવી છે. ન્યાયાધીશે તાજેતરમાં જ એક કોન્સર્ટ દરમિયાન આ ગીતનો ભાગ સાંભળ્યો હોવાનો ઉલ્લેખ પણ કોર્ટમાં કર્યો હતો. હાઈકોર્ટે પોતાના ચુકાદામાં જણાવ્યું હતું કે "વોલ્યુમ 1" ગીત સંપૂર્ણપણે અશ્લીલ, અભદ્ર અને મહિલાઓ માટે અપમાનજનક છે.
આ ગીત મહિલાઓનું જે રીતે ચિત્રણ કરે છે તે સભ્ય સમાજ માટે સ્વીકાર્ય નથી. કોર્ટે ઉમેર્યું હતું કે આ ગીતમાં કોઈ કલાત્મક કે સામાજિક મૂલ્ય નથી, તેથી કલાત્મક સ્વતંત્રતાના બહાને આવા ગીતોને ડિજિટલ પ્લેટફોર્મ પર વગાડવાની મંજૂરી આપી શકાય નહીં. જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી હતી. અરજીમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે આ ગીતના શબ્દો અત્યંત વાંધાજનક છે અને તે સમાજમાં નકારાત્મક અસર ઊભી કરી રહ્યા છે.
આ અરજીને ધ્યાને રાખીને કોર્ટે હની સિંહ અને બાદશાહને નોટિસ જારી કરી છે અને તમામ પ્લેટફોર્મ્સને કડક અમલીકરણ કરવા તાકીદ કરી છે. હની સિંહ અને બાદશાહ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. તે સમયે આ ગીત યુવાનોમાં લોકપ્રિય તો થયું હતું, પરંતુ તેના દ્વિઅર્થી અને બિભત્સ શબ્દોને કારણે દેશના વિવિધ ભાગોમાં તેની સામે વિરોધ પ્રદર્શિત થયો હતો અને અનેક જગ્યાએ ફરિયાદો પણ દાખલ કરવામાં આવી હતી.
વર્ષો બાદ હવે આ ગીત પર કાયદાકીય તવાઈ આવી છે. તમામ પ્રતિવાદીઓએ ગીત હટાવવા અંગેના અહેવાલ રજૂ કરવાના રહેશે. કોર્ટના આ આદેશથી મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં ફફડાટ વ્યાપી ગયો છે અને ગાયકો માટે આવનારા સમયમાં કન્ટેન્ટ બાબતે ગંભીર મર્યાદાઓ નક્કી થઈ શકે છે તેવા સંકેત મળી રહ્યા છે.