April 1, 2026
ગુજરાત

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર નર્મદા નદી પર ભારતનો પ્રથમ 8-લેન એક્સ્ટ્રાડોઝ્ડ બ્રિજ તૈયાર : એન્જિનિયરિંગનો અદ્ભુત ચમત્કાર

06:22:00 PM
Save
Mar 25, 2026
Share :
<p><strong><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);">દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર નર્મદા નદી પર ભારતનો પ્રથમ 8-લેન એક્સ્ટ્રાડોઝ્ડ બ્રિજ તૈયાર :</span> એન્જિનિયરિંગનો અદ્ભુત ચમત્કાર</strong></p>

ભારતના ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ થઈ છે. દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાતમાં નર્મદા નદી પર દેશનો પ્રથમ 8-લેન એક્સ્ટ્રાડોઝ્ડ બ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે. 2.22 કિલોમીટર લાંબો આ પુલ માત્ર એન્જિનિયરિંગનો ચમત્કાર જ નથી, પરંતુ દેશના બે સૌથી મોટા આર્થિક કેન્દ્રો વચ્ચેનું અંતર ઘટાડીને વિકાસને નવી ગતિ આપનારું મહત્વનું માધ્યમ બની રહેશે.

દિલ્હી-મુંબઈ વચ્ચે મુસાફરીનો સમય 10 થી 12 કલાક ઘટશે 

દેશની રાજધાની દિલ્હી અને આર્થિક રાજધાની મુંબઈને જોડતો આ એક્સપ્રેસવે ભારતનો સૌથી લાંબો અને મહત્ત્વાકાંક્ષી માર્ગ પ્રોજેક્ટ માનવામાં આવે છે. અંકલેશ્વર-મનુંબર વિભાગમાં આવેલો નર્મદા બ્રિજ આ સમગ્ર પ્રોજેક્ટનો મુખ્ય ચહેરો છે. આ એક્સપ્રેસવે શરૂ થવાથી દિલ્હીથી મુંબઈ વચ્ચેનો મુસાફરીનો સમય 10 થી 12 કલાક જેટલો ઘટી જશે, જે વ્યાપાર અને માલસામાનના ઝડપી પરિવહન માટે અત્યંત ફાયદાકારક સાબિત થશે.

પડકારજનક નિર્માણ અને વિશાળ માળખું 

નર્મદા નદીના જળસ્તર, ઊંચા જ્વારભાટા અને સિસ્મિક ઝોનની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને આ બ્રિજની ખાસ ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે. આ માટે 60 મીટરથી વધુ ઊંડાઈ સુધી પાઈલ ફાઉન્ડેશન કરવામાં આવ્યું છે. પાઈલ અને પાયલોનની કુલ ઊંચાઈ 29 માળની ઈમારત જેટલી થાય છે.

બ્રિજના નિર્માણમાં 1238 પ્રીકાસ્ટ સેગમેન્ટનો ઉપયોગ થયો છે, જે 4 અલગ-અલગ કાસ્ટિંગ યાર્ડમાં બનાવવામાં આવ્યા હતા. આ સેગમેન્ટને 150 ટન ક્ષમતા ધરાવતી 8 ગોલિયાથ ક્રેન દ્વારા ઊંચકવામાં આવ્યા હતા. આ વિશાળ માળખામાં 32000 મેટ્રિક ટન સ્ટીલ વપરાયું છે અને 700 મેટ્રિક ટન સ્ટે કેબલ્સ ખાસ જર્મનીથી આયાત કરવામાં આવ્યા છે.

પૂર અને લોકડાઉન જેવા અવરોધો છતાં કામગીરી અવિરત 

બ્રિજના નિર્માણ દરમિયાન એન્જિનિયરોની ટીમે અનેક ભૌગોલિક અને પ્રાકૃતિક પડકારોનો સામનો કરવો પડ્યો હતો. નિર્માણકાળ દરમિયાન નદીમાં 2 મોટા પૂર આવ્યા હતા, જેના કારણે કામચલાઉ બનાવેલા ઍક્સેસ બ્રિજ તૂટી ગયા હતા. આ ઉપરાંત કોરોના મહામારીનું લોકડાઉન, ચોમાસુ અને જળસ્તરની બદલાતી પરિસ્થિતિઓ પણ નડતરરૂપ બની હતી. તેમ છતાં, કામ અટકાવ્યા વિના 600 મીટરના 2 ટેમ્પરરી સ્ટીલ બ્રિજ બનાવીને તેમજ નદીમાં ટગબોટ્સ અને બાર્જનો ઉપયોગ કરીને નિર્માણ કાર્ય સફળતાપૂર્વક ચાલુ રાખવામાં આવ્યું હતું.

ઔદ્યોગિક વિકાસ અને રોજગારીને મળશે નવો વેગ 

આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ પૂર્ણ થવાથી દિલ્હી, વડોદરા, ભરૂચ, સુરત અને મુંબઈ જેવા મોટા ઔદ્યોગિક વિસ્તારો વચ્ચેનું નેટવર્ક વધુ મજબૂત બનશે. ભારતની નવીનતા અને વિશ્વસ્તરીય નિર્માણ ક્ષમતાનું પ્રતિક એવો આ બ્રિજ ખાસ કરીને ભરૂચ અને અંકલેશ્વર પંથક માટે નવી ઔદ્યોગિક તકો અને રોજગારીના વિશાળ દરવાજા ખોલશે.