April 1, 2026
ગુજરાત

અફવાઓથી દૂર રહો, વ્યવસ્થા મજબૂત છે : જાણો પેટ્રોલ-ડીઝલના સપ્લાય મુદ્દે નાયબ મુખ્યમંત્રીએ શું કહ્યું...

03:26:00 PM
Save
Mar 23, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>અફવાઓથી દૂર રહો, વ્યવસ્થા મજબૂત છે : </strong></span>જાણો પેટ્રોલ-ડીઝલના સપ્લાય મુદ્દે નાયબ મુખ્યમંત્રીએ શું કહ્યું...</p>

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી પેટ્રોલ અને ડીઝલની અછતને લઈને સોશિયલ મીડિયામાં વહેતા થયેલા મેસેજોના પગલે નાગરિકોમાં ઉચાટ જોવા મળ્યો હતો, જે મામલે રાજ્ય સરકાર હવે એક્શન મોડમાં આવી છે. આજે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં એક હાઈ-લેવલ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્યના પેટ્રોલ, ડીઝલ અને ગેસ પુરવઠાની વર્તમાન સ્થિતિની સઘન સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠક બાદ હર્ષ સંઘવીએ રાજ્યના નાગરિકોને આશ્વસ્ત કરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં ઈંધણનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને પુરવઠો ખોરવાય નહીં તે માટે સરકાર દ્વારા ડેલી નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. તેમણે જનતાને નમ્ર અપીલ કરી છે કે કોઈ પણ સત્તાવાર જાણકારી વગર પેટ્રોલ પંપો પર લાઈનો લગાવીને ભાગદોડ કરવાની જરૂર નથી, કારણ કે રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર સાથે સતત સંપર્કમાં છે અને પૂરતી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે.

સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓ અંગે લાલ આંખ કરતા હર્ષ સંઘવીએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે વોટ્સએપ કે અન્ય પ્લેટફોર્મ પર આવતા પાયાવિહોણા મેસેજને ફોરવર્ડ ન કરવા જોઈએ. આવા મેસેજથી હજારો લોકોનો સમય વેડફાય છે અને બિનજરૂરી ભયનું વાતાવરણ ઊભું થાય છે. આ બાબતને ગંભીરતાથી લેતા તેમણે જણાવ્યું કે, જે લોકો સોશિયલ મીડિયામાં ખોટી માહિતી અને અફવાઓ ફેલાવશે તેમની સામે રાજ્ય સરકાર કડક કાયદાકીય પગલાં ભરશે. મુખ્યમંત્રી પોતે પણ દર બે દિવસે સમગ્ર સ્થિતિનો રિવ્યૂ લઈ રહ્યા છે અને ક્યાંય પણ સપ્લાયમાં તકલીફ હોય તો તેની તાત્કાલિક જાણકારી મેળવીને નિરાકરણ લાવવા માટેની સૂચનાઓ આપી દેવામાં આવી છે.

તંત્રને વધુ સતર્ક કરતા નાયબ મુખ્યમંત્રીએ રાજ્યના મુખ્ય સચિવ અને ડીજીપી (DGP) ને ખાસ આદેશો આપ્યા છે કે જો કોઈ એજન્સી કે વ્યક્તિ દ્વારા ઈંધણની કાળાબજારી કરવામાં આવે અથવા નાગરિકોને હેરાન કરવામાં આવે, તો તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. બપોરે મળેલી આ મહત્વની બેઠકમાં એ વાત પર ભાર મૂકવામાં આવ્યો હતો કે રાજ્યના તમામ વિસ્તારોમાં પેટ્રોલ અને ડીઝલનો જથ્થો સરળતાથી મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. અંતમાં તેમણે ફરી એકવાર જનતાને વિનંતી કરી છે કે માત્ર સત્તાવાર નિવેદનો પર જ વિશ્વાસ રાખવો અને અફવાઓથી દૂર રહીને રાજ્યની શાંતિ જાળવવામાં સહયોગ આપવો.