સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 4.51 લાખથી વધુ મતદારો નક્કી કરશે ભાવિ, કલેક્ટરના માર્ગદર્શન હેઠળ દેવભૂમિ દ્વારકા ચૂંટણી તંત્ર સજ્જ...
રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા વર્ષ 2026ની સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણીઓનો કાર્યક્રમ જાહેર કરવામાં આવતાની સાથે જ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રાજકીય ગરમાવો તેજ બન્યો છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર રાજેશ તન્નાના સક્ષમ નેતૃત્વ હેઠળ સમગ્ર ચૂંટણી તંત્ર યુદ્ધના ધોરણે સજ્જ થઈ ગયું છે. ગત 1લી એપ્રિલ 2026થી જ જિલ્લાભરમાં આદર્શ આચારસંહિતાનો અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે, જેના પગલે સરકારી તંત્ર હવે સંપૂર્ણપણે નિષ્પક્ષ અને પારદર્શી મતદાન પ્રક્રિયા સુનિશ્ચિત કરવા માટે કાર્યરત થયું છે. જિલ્લામાં 26 એપ્રિલ 2026ના રોજ મતદાન યોજાનાર છે, જ્યારે 28 એપ્રિલના રોજ મતગણતરી હાથ ધરીને જનતાનો જનાદેશ જાહેર કરવામાં આવશે.
ચૂંટણીના આયોજન અંગેની તારીખો પર નજર કરીએ તો, 6 એપ્રિલના રોજ સત્તાવાર જાહેરનામું બહાર પડશે, ત્યારબાદ 11 એપ્રિલ સુધી ઉમેદવારો પોતાના ફોર્મ ભરી શકશે. ઉમેદવારી પત્રોની ચકાસણી 13 એપ્રિલના રોજ થશે અને 15 એપ્રિલ સુધીમાં અનિચ્છુક ઉમેદવારો પોતાના નામ પરત ખેંચી શકશે. આ ચૂંટણી જંગમાં જિલ્લા પંચાયતની 11 બેઠકો, ચાર તાલુકા પંચાયતોની 80 બેઠકો અને નગરપાલિકાઓની 61 બેઠકો માટે રસાકસી જામશે. ખાસ કરીને ખંભાળીયા, ભાણવડ, કલ્યાણપુર અને દ્વારકા તાલુકા પંચાયતોમાં બેઠકોનું વિભાજન કરવામાં આવ્યું છે, જેમાં ખંભાળીયા અને કલ્યાણપુરમાં 24-24 બેઠકો જ્યારે દ્વારકા અને ભાણવડમાં 16-16 બેઠકો પર મતદાન થશે.
મતદારોની સંખ્યા અને સુવિધાઓની વાત કરીએ તો, દેવભૂમિ દ્વારકા જિલ્લાના કુલ 4.51 લાખથી વધુ મતદારો આ ચૂંટણીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીને મજબૂત બનાવશે. ગ્રામ્ય સ્તરે 3,89,619 મતદારો નોંધાયા છે, જેમાં પુરુષો અને મહિલાઓ ઉત્સાહપૂર્વક સહભાગી થશે. શહેરી વિસ્તારોમાં ખંભાળીયા અને રાવલ નગરપાલિકા સહિત સલાયાની ખાલી પડેલી બેઠક પર કુલ 61,723 મતદારો મતદાન કરશે. વહીવટી તંત્ર દ્વારા મતદારોની સુવિધા માટે જિલ્લામાં કુલ 544 મતદાન મથકોની પ્રાથમિક યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે, જેમાં ખંભાળીયા તાલુકામાં સૌથી વધુ 163 મતદાન મથકો ફાળવવામાં આવ્યા છે.
ચૂંટણી પ્રક્રિયાને સુવ્યવસ્થિત રીતે પાર પાડવા માટે વ્યાપક સ્તરે અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓ માટે અલગ-અલગ ચૂંટણી અધિકારીઓ અને મદદનીશ ચૂંટણી અધિકારીઓની સાથે 19 જેટલા નોડલ ઓફિસરોને મહત્વની જવાબદારીઓ સોંપવામાં આવી છે. આ સમગ્ર આયોજન વચ્ચે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદારોને અપીલ કરવામાં આવી છે કે, તેઓ નિર્ભય બનીને મતદાન કરે અને લોકશાહીના આ મહાપર્વમાં પોતાની પવિત્ર ફરજ નિભાવીને સક્ષમ સ્થાનિક સ્વરાજ્યની રચનામાં સહભાગી બને.