April 1, 2026
ગુજરાત

અમદાવાદ એરપોર્ટનું ભારણ ઘટશે: ગુજરાતના 11 શહેરોમાં બનશે નવા એરપોર્ટ, પ્રવાસન અને ઉદ્યોગોને મળશે વેગ

03:23:00 PM
Save
Mar 27, 2026
Share :
<p>અમદાવાદ એરપોર્ટનું ભારણ ઘટશે:<span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong> ગુજરાતના 11 શહેરોમાં બનશે નવા એરપોર્ટ, પ્રવાસન અને ઉદ્યોગોને મળશે વેગ</strong></span></p>

ગુજરાતના આકાશમાં હવે વિકાસની નવી પાંખો ફૂટશે! કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી 'ઉડાન'યોજના હેઠળ ગુજરાતના હવાઈ નકશામાં ઐતિહાસિક પરિવર્તન આવવા જઈ રહ્યું છે. દેશભરમાં 100 નવા એરપોર્ટ બનાવવાના લક્ષ્યાંક સાથે, ગુજરાતના ફાળે 11 નવા ગ્રીનફિલ્ડ એરપોર્ટ આવ્યા છે. અંબાજી અને પાલિતાણા જેવા શ્રદ્ધાના કેન્દ્રોથી લઈને ધોળાવીરા અને ધોરડો જેવા વિશ્વવિખ્યાત પર્યટન સ્થળો હવે સીધા હવાઈ માર્ગે જોડાશે. આ પ્રોજેક્ટ માત્ર મુસાફરી જ સરળ નહીં બનાવે, પરંતુ રાજ્યના ઔદ્યોગિક અને પ્રવાસન ક્ષેત્રને એક નવી ઊંચાઈ પર લઈ જશે.

અમદાવાદ એરપોર્ટ પર વધતા ભારણને ઘટાડવા અને અંતરિયાળ વિસ્તારોમાં આધુનિક સુવિધાઓ પહોંચાડવા માટેનો આ માસ્ટર પ્લાન ગુજરાતના આર્થિક વિકાસમાં ગેમ-ચેન્જર સાબિત થશે. આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ માટે કેન્દ્ર સરકારે ₹28,840 કરોડની તોતિંગ જોગવાઈ કરી છે. જે અંતર્ગત દેશભરમાં 100 નવા એરપોર્ટ બનાવવાની જાહેરાત વચ્ચે ગુજરાતમાં 11 નવા એરપોર્ટ પ્રસ્તાવિત કરવામાં આવ્યા છે. આ નવી એરસ્ટ્રિપ્સ અને એરપોર્ટ્સને કારણે રાજ્યમાં પર્યટન, ઔદ્યોગિક પ્રગતિ અને પ્રાદેશિક કનેક્ટિવિટીમાં મોટો ઉછાળો આવવાની અપેક્ષા છે.

ગુજરાતમાં જે 11 સ્થળોની પસંદગી કરવામાં આવી છે તેમાં અંકલેશ્વર (કેમિકલ હબ), મોરબી (સિરામિક ઇન્ડસ્ટ્રી), રાજપીપળા, બોટાદ, રાુલા, દાહોદ, અંબાજી, ધોળાવીરા, પાલિતાણા અને ધોરડો (કચ્છ) નો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટ્સને કારણે અંબાજી અને પાલિતાણા જેવા ધાર્મિક સ્થળો તેમજ ધોળાવીરા જેવા વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ પર વિદેશી અને સ્થાનિક પ્રવાસીઓની સંખ્યામાં ધરખમ વધારો થશે. ખાસ કરીને આદિવાસી અને અંતરિયાળ વિસ્તારોમાં પ્રથમ વખત હવાઈ માર્ગની સુવિધા મળતા ત્યાં રોજગારીની નવી તકો ઉભી થશે.

આ પ્રોજેક્ટમાં દ્વારકા અને દાહોદ સૌથી મોખરે છે, જ્યાં એરપોર્ટ માટે જમીન સંપાદનની પ્રક્રિયા વેગવંતી બની છે. અંકલેશ્વરમાં એરપોર્ટ આંશિક રીતે તૈયાર છે, જ્યારે મોરબી અને ધોરડો માટે ટેકનિકલ ફિઝિબિલિટી રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બીજી તરફ, પાલિતાણા અને રાજુલા જેવા સ્થળોએ જમીનની ઉપલબ્ધતા અને પ્રેક્ટિકલ પડકારોને કારણે કામગીરી આયોજનના તબક્કામાં છે. આ એરપોર્ટ્સ બનવાથી અમદાવાદ એરપોર્ટ પર જે હાલમાં ટ્રાફિકનું ભારણ છે, તેમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળશે.  

મોરબી જેવા ઔદ્યોગિક નગરોમાં એરપોર્ટ આવવાથી એક્સપોર્ટ બિઝનેસમાં સરળતા રહેશે અને રોકાણકારો માટે પરિવહન ઝડપી બનશે. જ્યારે અંબાજી અને ધોરડો જેવા સ્થળોએ એર કનેક્ટિવિટી મળવાથી હોટલ અને સર્વિસ સેક્ટરને મોટો વેગ મળશે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના સંયુક્ત પ્રયાસોથી આગામી સમયમાં ગુજરાતના નાના શહેરો પણ સીધા હવાઈ માર્ગે મોટા મેટ્રો સિટીઝ સાથે જોડાઈ જશે.