રાજકોટમાં ભાજપના પૂર્વ કોર્પોરેટર દેવુબેન જાદવ કોંગ્રેસમાં જોડાયા; આવાસ યોજના કૌભાંડમાં ભાજપે સસ્પેન્ડ કર્યા હતાં...
રાજકોટમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના પડઘમ વાગવાનું શરૂ થતાની સાથે જ રાજકીય ગરમાવો તેજ બન્યો છે, જેમાં પક્ષપલટાની મૌસમે જોર પકડ્યું છે. આ વખતે ભાજપના ગઢમાં ગાબડું પાડતા કોંગ્રેસે મજબૂત પક્કડ જમાવી છે. રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 6ના પૂર્વ કોર્પોરેટર દેવુબેન જાદવ, જેમને ભાજપ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, તેમણે ગત 3 એપ્રિલના રોજ કોંગ્રેસના વિધિવત ખેસ ધારણ કરી લીધા છે. શહેર કોંગ્રેસ દ્વારા આયોજિત એક જાહેર સભામાં દેવુબેન જાદવ અને તેમના પતિ મનસુખ જાદવ સહિતના કાર્યકરોએ 'હાથ'નો સાથ પકડ્યો હતો. નોંધનીય છે કે, 2024માં આવાસ કૌભાંડમાં પતિના નામ ઉછળ્યા બાદ ભાજપે ઇતિહાસમાં પ્રથમ વખત પોતાની બે મહિલા કોર્પોરેટરોને સસ્પેન્ડ કરી શિસ્તભંગની કાર્યવાહી કરી હતી, જેમાં દેવુબેન જાદવ અને વજીબેન ગોલતરનો સમાવેશ થતો હતો.
પક્ષપલટા બાદ દેવુબેન જાદવે ભાજપ સામે આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, તેમણે દસ વર્ષ સુધી ભાજપમાં રહી નિષ્ઠાપૂર્વક સેવા કરી હોવા છતાં તેમને ખોટી રીતે બદનામ કરવામાં આવ્યા છે, જે એક સ્ત્રીનું અપમાન સમાન છે. આવાસ યોજનામાં આપવામાં આવેલા પુરાવાઓ સાચા હોવાનો દાવો કરતા તેમણે ઉમેર્યું હતું કે, તેમની ટર્મ પૂરી થઈ ત્યાં સુધી તેમણે પક્ષ વિરુદ્ધ કશું જ કહ્યું નહોતું, પરંતુ હવે જનતા અને જ્ઞાતિના લોકોના સમર્થન સાથે તેમણે કોંગ્રેસમાં જોડાવાનો નિર્ણય લીધો છે. આવાસમાં પરિવારના આપેલા આધાર પુરાવા સાચા જ છે. અમે બધા જ્ઞાતિના લોકો સાથે સંકલનમાં રહી કોંગ્રેસમાં જવા નિર્ણય કર્યો અને જનતા અમને જરૂર સ્વીકારશે.
પતિ મનસુખ જાદવ
બીજી તરફ તેમના પતિ મનસુખ જાદવે કહ્યું હતું કે, અમે આજ દિવસ સુધી ભાજપ સાથે જોડાયેલા હતા. છેલ્લા બે દિવસથી કોંગ્રેસમાં જોડાવવા નિર્ણય કર્યો છે. સમાજના લોકો સાથે બેઠક કરી હતી અને બધાને સાથે રાખી કોંગ્રેસમાં જોડાવવા નિર્ણય કર્યો છે. ભાજપમાં તાનાશાહીથી કંટાળી અમે કોંગ્રેસમાં જોડાવવા નિર્ણય કર્યો છે. ભાજપે અમને સસ્પેન્ડ કર્યા ત્યારથી આજ દિવસ સુધી અમને બોલાવ્યા ન હતાં. અમે પ્રજાની સેવા કરીએ છીએ માટે 110% તમામ જ્ઞાતિનો અમને સાથ સહકાર મળશે, કારણ કે અમે બધાને સાથે રાખી આ નિર્ણય કર્યો છે.
આ સમગ્ર વિવાદના મૂળમાં 2024માં થયેલું આવાસ કૌભાંડ છે. વોર્ડ નંબર 6ના તત્કાલીન કાયદો-નિયમન સમિતિના ચેરમેન દેવુબેન જાદવના પતિ મનસુખ જાદવ અને વોર્ડ નંબર 5ના કોર્પોરેટર વજીબેન ગોલતરના પતિ કવા ગોલતરના નામ અન્યત્ર મકાન હોવા છતાં સ્લમ વિસ્તારના આવાસ યોજનાના લાભાર્થી તરીકે ડ્રોમાં નીકળ્યા હતા. મુખ્યમંત્રીના હસ્તે થયેલા આ ડ્રોમાં નેતાઓના સગાના નામ ખુલતા ભારે હોબાળો મચ્યો હતો. સાથોસાથ મનસુખ જાદવનો પૈસાની માંગણી કરતો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. આ ઘટનાઓને પગલે ભાજપે કડક વલણ અપનાવી બંને મહિલા કોર્પોરેટરોના રાજીનામા લીધા હતા અને તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી મનપામાં તેમના પ્રવેશ પર પ્રતિબંધ લાદ્યો હતો. હવે ચૂંટણી ટાણે જ આ નેતાઓએ કોંગ્રેસનો સાથ પકડતા રાજકોટના રાજકારણમાં નવા સમીકરણો રચાય તેવી શક્યતા છે.