ધ્રાંગધ્રા: લાલ મરચાના ભાવમાં ભડકો, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધની અસરો હવે છેક સૌરાષ્ટ્રના રસોડા સુધી પહોંચી છે. આંતરરાષ્ટ્રીય અશાંતિને કારણે સર્જાયેલી મોંઘવારીએ જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચાડ્યા છે, જેનાથી સામાન્ય નાગરિકોની આર્થિક સ્થિતિ કફોડી બની છે.
ધ્રાંગધ્રા શહેર અને ગ્રામ્ય પંથકમાં હાલ બારેમાસના મસાલા ભરવાની સિઝન પૂરજોશમાં ચાલી રહી છે, પરંતુ લાલ મરચાના ભાવમાં થયેલા તોતિંગ વધારાએ ગ્રાહકોના હોશ ઉડાવી દીધા છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે મરચાના ભાવમાં અધધ 80% જેટલો ઉછાળો જોવા મળ્યો છે.
ભાવ વધારાનું ગણિત:
ગયા વર્ષે લાલ મરચાનો ભાવ પ્રતિ કિલો Rs. 280 હતો. આ વર્ષે સિઝનની શરૂઆતમાં જ તે વધીને Rs. 350 થયો હતો. જોકે, મધ્ય સિઝન પહોંચતા જ તેમાં વધુ Rs. 50નો વધારો ઝીંકાયો છે, જેના પરિણામે હાલ મરચું Rs. 400 પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યું છે.
બજારમાં મંદીનો માહોલ
સતત વધતા ભાવને કારણે દર વર્ષ જેવી ઘરાકી આ વખતે જોવા મળી રહી નથી. વેપારીઓના જણાવ્યા અનુસાર, મરચાના ધંધામાં હાલ મંદીનો માહોલ છે કારણ કે ગ્રાહકો ભાવ ઘટવાની રાહ જોઈ રહ્યા છે. ખાદ્ય પદાર્થોમાં વધી રહેલી આ મોંઘવારીએ ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોની મુશ્કેલીમાં વધારો કર્યો છે.