'ધુરંધર 2' એક જ ભાષામાં 1000 કરોડનો આંકડો પાર કરનાર દેશની એકમાત્ર ફિલ્મ

ભારતીય સિનેમાના ઇતિહાસમાં રણવીર સિંહ અભિનીત ફિલ્મ ‘ધુરંધર 2’ એ કમાણીના તમામ રેકોર્ડ્સ ધ્વસ્ત કરી દીધા છે. આ ફિલ્મે માત્ર ત્રણ અઠવાડિયાના ટૂંકા ગાળામાં ફક્ત હિન્દી ભાષામાં જ 1000 કરોડ રૂપિયાનું નેટ કલેક્શન કરીને એક નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. ભારતની અત્યાર સુધીની કોઈપણ પ્રાદેશિક કે પેન-ઈન્ડિયા ફિલ્મ એક જ ભાષામાં આ આંકડો સ્પર્શી શકી નથી. ફિલ્મની રજૂઆતના ત્રીજા અઠવાડિયામાં પણ દર્શકોનો ક્રેઝ યથાવત રહ્યો છે. વીકએન્ડ દરમિયાન ફિલ્મે 75 કરોડ રૂપિયાથી વધુનો બિઝનેસ કર્યો હતો.
જોકે, કામકાજના દિવસોમાં કલેક્શનમાં થોડો ઘટાડો જોવા મળ્યો હોવા છતાં, ગુરુવાર સુધીમાં ફિલ્મે મજબૂત પકડ જાળવી રાખીને ૭.૧૫ કરોડ રૂપિયાની કમાણી નોંધાવી હતી. ત્રીજા અઠવાડિયાની કમાણીની સરખામણીમાં ‘ધુરંધર 2’ એ સાઉથની સુપરહિટ ફિલ્મ 'પુષ્પા 2' ને પણ પાછળ છોડી દીધી છે. 'પુષ્પા 2' એ ત્રીજા અઠવાડિયામાં 107 કરોડનો બિઝનેસ કર્યો હતો, જેની સામે ‘ધુરંધર 2’ એ 110 કરોડ રૂપિયાનો વકરો કરીને પોતાની શ્રેષ્ઠતા સાબિત કરી છે. જોકે, તે પોતાની જ શ્રેણીની પ્રથમ ફિલ્મ ‘ધુરંધર’ ના ત્રીજા અઠવાડિયાના 189 કરોડના રેકોર્ડને તોડવામાં સહેજ પાછળ રહી ગઈ છે. સત્તાવાર આંકડાઓ અનુસાર, રવિવાર સુધીમાં ફિલ્મે 974 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.
ત્યારબાદ સોમવારથી ગુરુવાર દરમિયાન થયેલા 33 કરોડના વધારાના કલેક્શન સાથે ‘ધુરંધર 2’ સત્તાવાર રીતે 1000 કરોડની ક્લબમાં સામેલ થઈ ગઈ છે. હિન્દી સિનેમાના ઇતિહાસમાં આ આંકડો પાર કરનારી તે સૌપ્રથમ ફિલ્મ બની છે. વર્ષ 2017માં ‘બાહુબલી 2’ એ હિન્દીમાં 500 કરોડનો આંકડો પાર કરીને સૌને ચોંકાવ્યા હતા. ત્યારબાદ શાહરૂખ ખાનની ‘પઠાન’ એ બોલીવુડ માટે આ આંકડો સર કર્યો હતો. પરંતુ ‘ધુરંધર 2’ એ માત્ર ત્રણ જ વર્ષમાં બોલીવુડની કમાણીની ક્ષમતાને સીધી ડબલ કરી નાખી છે, જે ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે ખૂબ જ પ્રોત્સાહક બાબત છે.
થોડા સમય પહેલા જ્યારે દક્ષિણ ભારતીય ફિલ્મોનો દબદબો હતો ત્યારે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના પતનની વાતો વહેતી થઈ હતી. જોકે, ‘ધુરંધર 2’, ‘છાવા’, ‘ગદર 2’ અને ‘સ્ત્રી 2’ જેવી બ્લોકબસ્ટર ફિલ્મોએ સાબિત કરી દીધું છે કે હિન્દી સિનેમા ફરી એકવાર બોક્સ ઓફિસ પર સર્વોપરી બનવા તૈયાર છે. ફિલ્મની આ અકલ્પનીય સફળતાનો શ્રેય રણવીર સિંહના પાવર-પેક્ડ પર્ફોર્મન્સ અને મેકર્સની મહેનતને જાય છે, આ ઐતિહાસિક આંકડા સાથે ‘ધુરંધર 2’ એ ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે વૈશ્વિક સ્તરે એક નવો બેન્ચમાર્ક સેટ કર્યો છે. આવનારા દિવસોમાં આ ફિલ્મ હજુ કેટલા નવા રેકોર્ડ સર્જશે તેના પર સૌની મીટ મંડાયેલી છે.