April 1, 2026
ગુજરાત

"બાળકો પાસે મજૂરી કરાવાઈ કે શિક્ષણ સમિતિની છબી ખરડવાનો પ્રયાસ"? ડીંડોલીની શાળાના વાઇરલ વીડિયોને લઈને રાજેન્દ્ર કાપડિયાએ આચાર્યને ફટકારી નોટિસ...

08:45:00 AM
Save
Mar 27, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>"બાળકો પાસે મજૂરી કરાવાઈ કે શિક્ષણ સમિતિની છબી ખરડવાનો પ્રયાસ"?</strong></span> ડીંડોલીની શાળાના વાઇરલ વીડિયોને લઈને રાજેન્દ્ર કાપડિયાએ આચાર્યને ફટકારી નોટિસ...</p>

સુરત મહાનગરપાલિકા જેને 'સ્માર્ટ સિટી' અને હાઈટેક સુવિધાઓના નામે ઓળખાવે છે, તે જ શહેરના શિક્ષણ જગતનો એક એવો ચહેરો સામે આવ્યો છે જે માનવતા અને શિક્ષણ વ્યવસ્થા પર અનેક સવાલ ઊભા કરે છે. ડીંડોલી વિસ્તારમાં આવેલી નવનિર્માણ નગર પ્રાથમિક શાળા નંબર 404ના દ્રશ્યો જોતા પહેલી નજરે એમ લાગે કે જાણે કોઈ બાંધકામની સાઈટ હોય, પરંતુ હકીકત એ છે કે આ એક સરકારી શાળા છે જ્યાં ભવિષ્યના ઘડતરને બદલે માસૂમ બાળકો પાસે મજૂરી કરાવવામાં આવી રહી હોવાના આક્ષેપો ઉઠ્યા છે. જે ઉંમરે આ બાળકોના હાથમાં પેન અને પુસ્તકો હોવા જોઈએ, તે ઉંમરે ધોમધખતા તાપમાં તેઓ ભારેખમ પાણીની ડોલો ઉચકીને સફાઈ કામ કરતા કેમેરામાં કેદ થયા છે. સ્કૂલ ડ્રેસમાં સજ્જ આ બાળકોની હાલત કોઈ મજૂર જેવી જોવા મળી રહી હતી. આ ઘટનાને લઈને સમિતિના અધ્યક્ષ રાજેન્દ્ર કાપડિયા એ તપાસના આદેશ આપ્યાં છે.

આ શાળામાં 800થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, પરંતુ આટલી મોટી સંખ્યા સામે સફાઈ માટે માત્ર એક જ કર્મચારીની નિમણૂક કરવામાં આવી હોવાની વિગતો પ્રકાશમાં આવી હતી.  બીજી તરફ, આ વાઇરલ વીડિયો મામલે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ રાજેન્દ્ર કાપડિયાએ ગંભીરતા દાખવી તલસ્પર્શી તપાસના આદેશ આપ્યા છે. તેમણે શાળાના આચાર્યને કારણદર્શક નોટિસ પાઠવી ખુલાસો માંગ્યો છે. જોકે, આ ઘટનામાં એક નવો વળાંક પણ સામે આવ્યો છે. અધ્યક્ષ રાજેન્દ્ર કાપડિયાના જણાવ્યા અનુસાર, પ્રાથમિક તપાસમાં એવું બહાર આવ્યું છે કે કોઈ વ્યક્તિ દ્વારા આ વીડિયો જાણી જોઈને ઉતારવામાં આવ્યો છે. વીડિયોમાં દેખાય છે તેમ બાળકો 'એક પેડ મા કે નામ' અભિયાન અંતર્ગત પોતાની વોટરબેગથી વૃક્ષોમાં પાણી નાખી રહ્યા હતા, પરંતુ વ્યક્તિએ બાળકોને ડોલ વડે પાણી નાખવા દબાણ કરી વીડિયો ઉતાર્યો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે.

સમિતિના અધ્યક્ષે વધુમાં જણાવ્યું હતું કે, આ વીડિયો દ્વારા શિક્ષણ સમિતિની છબી ખરડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોય તેવું લાગે છે. છતાં પણ, બાળકો પાસે કોઈપણ પ્રકારનું શ્રમ કાર્ય કરાવવું અસ્વીકાર્ય છે, તેથી સાધનાધિકારી સાથે ચર્ચા અને સંપૂર્ણ અભ્યાસ બાદ જો શાળા વહીવટ કે આચાર્યની કોઈ ક્ષતિ જણાશે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. હાલમાં આ મુદ્દો સુરતમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે કે શું આ ખરેખર તંત્રની બેદરકારી છે કે પછી સ્માર્ટ સિટીની શિક્ષણ વ્યવસ્થાને નીચી દેખાડવા માટેનું કોઈ ષડયંત્ર છે.