રીઅલ લાઈફમાં 'સિંઘમ' બનવું ભારે પડ્યું! રોહિત શેટ્ટીની પ્રાઈવેટ SUV પર પોલીસ સ્ટીકર જોઈ RTO એ લીધા એક્શન
બોલિવૂડના પ્રખ્યાત ડાયરેક્ટર અને 'સિંઘમ' ફેમ રોહિત શેટ્ટી હાલમાં એક ગંભીર કાનૂની વિવાદમાં ફસાયા છે. પોતાની ફિલ્મોમાં પોલીસ અને એક્શન દ્રશ્યો માટે જાણીતા રોહિત શેટ્ટી પર આરોપ છે કે તેમણે પોતાની ખાનગી માલિકીની એસયુવી કાર પર ગેરકાયદેસર રીતે પોલીસના સ્ટીકરો અને લોગોનો ઉપયોગ કર્યો છે. તાજેતરના અહેવાલો અનુસાર, રોહિત શેટ્ટીએ પોતાની આગામી ફિલ્મના શૂટિંગ દરમિયાન બે ખાનગી સ્પોર્ટ્સ યુટિલિટી વ્હીકલને કસ્ટમાઈઝ કરી હતી, પોલીસના સ્ટીકરો અને લાઈટો લગાવવામાં આવી હતી.
તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે આ બંને વાહનો રોહિત શેટ્ટીના નામે રજિસ્ટર્ડ છે, નિયમ મુજબ, પોલીસ વિભાગ સિવાય અન્ય કોઈ પણ વ્યક્તિ ખાનગી વાહન પર આવા સ્ટીકરોનો ઉપયોગ કરી શકે નહીં. એક સિનિયર આરટીઓ અધિકારીના જણાવ્યા અનુસાર, મોટર વ્હીકલ એક્ટ કલમ 177 હેઠળ ખાનગી વાહન પર પોલીસ સ્ટીકર, લોગો અથવા બોર્ડ લગાવવું ગેરકાનૂની છે. આ કાયદાના ઉલ્લંઘન બદલ દંડ અને સજાની જોગવાઈ છે. ટ્રાફિક પોલીસ વિભાગે સ્પષ્ટ કર્યું છે કે માત્ર સત્તાવાર ફરજ પરના અધિકારીઓને જ આવા સ્ટીકરો વાપરવાની મંજૂરી છે.
નોંધનીય છે કે, રોહિત શેટ્ટી છેલ્લા કેટલાક સમયથી સુરક્ષાના કારણોસર પણ ચર્ચામાં છે. ગત 31 જાન્યુઆરીના રોજ તેમના જુહુ સ્થિત નિવાસસ્થાન 'શેટ્ટી ટાવર' પર ગોળીબાર થયો હતો, જેની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગે લીધી હતી. આ ઘટના બાદ તેમની સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી હતી, પરંતુ હવે આ નવા કાનૂની વિવાદે તેમની ચિંતામાં વધારો કર્યો છે. આ સમગ્ર મામલે હજુ સુધી રોહિત શેટ્ટી કે તેમની પ્રોડક્શન ટીમ તરફથી કોઈ સત્તાવાર નિવેદન કે પ્રતિક્રિયા આપવામાં આવી નથી. પોલીસ અને RTO અધિકારીઓ હાલમાં આ મામલે વધુ તપાસ કરી રહ્યા છે.