દયાબેનનું પાત્ર હવે ઈતિહાસ છે....મેકર્સના ડ્રામા પાછળનું અસલી સત્ય આવ્યું સામે!
ટેલિવિઝનનો સૌથી લોકપ્રિય કોમેડી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' છેલ્લા 17 વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ શો કલાકારોના એક્ઝિટ અને વિવાદોને કારણે સતત ચર્ચામાં છે. ખાસ કરીને 'દયાબેન' એટલે કે દિશા વાકાણીની વાપસીને લઈને ચાહકો વર્ષોથી રાહ જોઈ રહ્યા છે. જોકે, હવે શોમાં 'રોશન સોઢી'નું પાત્ર ભજવી ચૂકેલી અભિનેત્રી જેનિફર મિસ્ત્રીએ આ મામલે એક એવો વિસ્ફોટક ખુલાસો કર્યો છે, જેનાથી લાખો ફેન્સના દિલ તૂટી શકે છે.
જેનિફર મિસ્ત્રીએ તાજેતરમાં આપેલા એક ઇન્ટરવ્યુમાં દાવો કર્યો છે કે દિશા વાકાણી હવે આ શોમાં ક્યારેય પરત ફરવાની નથી. જેનિફરના જણાવ્યા અનુસાર, શોના મેકર્સ દ્વારા અવારનવાર ફેલાવવામાં આવતી 'દયાબેન આવશે' તેવી વાતો માત્ર એક ગતકડું છે. જેનિફરે આક્ષેપ કર્યો છે કે આ બધું માત્ર એક 'માર્કેટિંગ સ્ટ્રેટેજી'નો ભાગ છે જેથી શોની હાઇપ જળવાઈ રહે. જો મેકર્સ દયાબેનનું નામ લેવાનું બંધ કરી દે, તો લોકો આ શો જોવાનું પણ બંધ કરી દેશે તેવી ભીતિ તેમને સતાવી રહી છે.
અજાણી ઘટનાનો ઉલ્લેખ કરતા જેનિફરે જણાવ્યું કે, તે સમયે દિશા વાકાણી ખરેખર શોમાં પરત આવવાની તૈયારીમાં હતી. દિશાએ સેટ પર આવીને કોસ્ચ્યુમ ટ્રાય પણ કરી લીધા હતા અને બીજા જ દિવસથી શૂટિંગ શરૂ થવાનું હતું. પરંતુ છેલ્લી ઘડીએ કંઈક એવું બન્યું કે દિશાએ પોતાનો નિર્ણય બદલી નાખ્યો. મેકર્સ અને દિશા વચ્ચે પડદા પાછળ શું રંધાયું તે આજે પણ એક રહસ્ય છે, પરંતુ ત્યારપછી દિશાએ કાયમી અંતર જાળવી લીધું છે. બીજો એક મોટો ઘટસ્ફોટ કરતા જેનિફરે જણાવ્યું કે મેકર્સે દિશાની જગ્યાએ નવી 'દયાબેન' શોધવાના પ્રયત્નો પણ કર્યા હતા.
દિલ્હીની એક યુવતીને ઓડિશન માટે બોલાવવામાં આવી હતી, જેનો અવાજ અને એક્ટિંગ અદ્દભુત હતી. તેને લગભગ બે વર્ષ સુધી હોલ્ડ પર રાખવામાં આવી અને મોક શૂટ પણ કરવામાં આવ્યા. પરંતુ તે યુવતીની ઉંમર માત્ર 27-28 વર્ષ હોવાથી તે જેઠાલાલ (દિલીપ જોશી) ની સામે ખૂબ જ નાની દેખાતી હતી, જેના કારણે અંતે મેકર્સે તેને રિજેક્ટ કરી દીધી હતી. છેલ્લા સાત વર્ષથી દિશા વાકાણી મેટરનિટી લીવ બાદ પરત ફરી નથી, છતાં પ્રોડ્યુસર અસિત મોદી અવારનવાર પ્રેક્ષકોને વચન આપે છે કે દયાબેન ટૂંક સમયમાં દેખાશે.
જેનિફર મિસ્ત્રીના મતે આ વચનો માત્ર પ્રેક્ષકોને મૂર્ખ બનાવવાની ચાલ છે. શૈલેષ લોઢા અને નેહા મહેતા જેવા મુખ્ય કલાકારોની વિદાય બાદ હવે શોમાં માત્ર જૂની યાદો જ બાકી રહી છે અને દયાબેનનું પાત્ર હવે માત્ર ઈતિહાસ બનીને રહી ગયું છે. 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના ફેન્સ જે ચમત્કારની આશા રાખીને બેઠા છે, તે કદાચ ક્યારેય થવાનો નથી. જેનિફરના આ નિવેદને સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવી દીધો છે. હવે જોવાનું એ રહેશે કે જેનિફરના આ દાવાઓ પર શોના પ્રોડ્યુસર અસિત મોદી શું પ્રતિક્રિયા આપે છે અને શું ખરેખર શોમાં કોઈ નવી દયાબેન આવશે કે પછી આ ડ્રામા આમ જ ચાલતો રહેશે.