નર્મદા પરિક્રમામાં શ્વાનોનો કહેર: તિલકવાડામાં એકસાથે 16 શ્રદ્ધાળુઓને બચકા ભરી લોહીલુહાણ કર્યા
રાજ્યના અનેક શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં રખડતા શ્વાનોનો ત્રાસ હવે જીવલેણ બની રહ્યો છે. જાહેર માર્ગો, બગીચાઓ અને હવે ધાર્મિક પરિક્રમાના પવિત્ર માર્ગો પર પણ નિર્દોષ નાગરિકો અને શ્રદ્ધાળુઓ શ્વાનોના હુમલાનો શિકાર બની રહ્યા છે. વહીવટી તંત્ર દ્વારા યોગ્ય નિયંત્રણના અભાવે સામાન્ય જનતામાં સતત ભયનો માહોલ જોવા મળી રહ્યો છે, જે લોક સુરક્ષા સામે એક ગંભીર પડકાર છે.
નર્મદા પરિક્રમાના પવિત્ર માર્ગ પર શ્રદ્ધા સાથે નીકળેલા પરિક્રમાવાસીઓ માટે શનિવારની સાંજ આઘાતજનક સાબિત થઈ હતી. નર્મદા જિલ્લાના તિલકવાડા વિસ્તારમાં રખડતા શ્વાનોના એક ટોળાએ આતંક મચાવતા એકસાથે 16 જેટલા શ્રદ્ધાળુઓને બચકા ભરી ઈજાગ્રસ્ત કર્યા છે. આ ઘટનાને પગલે પરિક્રમાના માર્ગ પર ભય અને તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે.
નદીના ભાઠા અને બ્રિજ પાસે અચાનક હુમલો
પ્રાપ્ત વિગતો અનુસાર, શ્રદ્ધાળુઓ જ્યારે નર્મદા નદીના ભાઠાના વિસ્તારથી ઉપર તરફ જઈ રહ્યા હતા, ત્યારે અચાનક હુમલાખોર શ્વાનોએ તેમના પર તરાપ મારી હતી. તિલકવાડા બ્રિજ નજીક અને નદી કિનારે ચાલતા શ્રદ્ધાળુઓ કંઈ સમજે તે પહેલા જ શ્વાનોએ તેમને બચકા ભરવાનું શરૂ કરી દીધું હતું. આ હુમલો એટલો અચાનક અને ભયાનક હતો કે જોતજોતામાં 16 જેટલા લોકો લોહીલુહાણ હાલતમાં મુકાયા હતા.
સરકારી હોસ્પિટલમાં ઇજાગ્રસ્તોની સારવાર
ઘટનાની જાણ થતા જ સ્થાનિક રહીશો અને અન્ય પરિક્રમાવાસીઓ મદદે દોડી આવ્યા હતા. તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે તમામ ઈજાગ્રસ્તોને તિલકવાડા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલના તબીબો દ્વારા યુદ્ધના ધોરણે સારવાર શરૂ કરવામાં આવી છે. રાહતની વાત એ છે કે તમામ ઇજાગ્રસ્તોની હાલત હાલ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે, પરંતુ આ ઘટનાને કારણે શ્રદ્ધાળુઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.