ગુજરાતમાં વીજ ઉત્પાદન ક્ષમતામાં તોતિંગ વધારો: રાજ્ય સરકાર અને ખાનગી મથકોનું યોગદાન
ગુજરાતમાં વધતા જતા શહેરીકરણ અને ઔદ્યોગિક એકમોના વિસ્તરણને કારણે વીજળીની માંગમાં સતત વધારો થઈ રહ્યો છે. આ વધતી જરૂરિયાતને પહોંચી વળવા માટે રાજ્ય સરકાર તેમજ ખાનગી ક્ષેત્ર દ્વારા વીજ ઉત્પાદન ક્ષમતામાં મોટો વધારો કરવામાં આવ્યો છે, જેથી ગુજરાતની ઉર્જા સુરક્ષાને વધુ મજબૂત બનાવી શકાય.
ગુજરાત વિધાનસભાના પ્રશ્નોત્તરી કાળ દરમિયાન રાજ્યની વીજ સ્થિતિને લઈને મહત્વની વિગતો સામે આવી છે. છેલ્લા 2 વર્ષમાં રાજ્ય સરકારના હસ્તકના વીજ મથકોની સાથે સાથે ખાનગી અને PPP (Public-Private Partnership) મોડલ હેઠળની વીજ ક્ષમતામાં પણ નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો છે.
વીજ ઉત્પાદન ક્ષમતાના આંકડા:
રાજ્ય સરકાર હસ્તકના વીજ મથકોની કુલ ઉત્પાદન ક્ષમતા વધીને હવે 10,704 MW (મેગાવોટ) સુધી પહોંચી ગઈ છે. બીજી તરફ, ખાનગી અને PPP ધોરણે ચાલતા વીજ મથકોની સંયુક્ત ક્ષમતા 16,749 MW નોંધાઈ છે. વર્ષ 2024 માં ખાનગી વીજ મથકોની ક્ષમતા 2,605 MW હતી, જે વર્ષ 2025 માં વધીને 2,835 MW થઈ છે.
વીજ વપરાશમાં સતત વૃદ્ધિ
રાજ્યમાં વીજળીનો વપરાશ પણ વર્ષ દર વર્ષે વધી રહ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર:
વર્ષ 2024 માં કુલ વીજ વપરાશ 1,24,968 Million Units રહ્યો હતો.
વર્ષ 2025 માં આ આંકડો વધીને 1,28,218 Million Units થયો છે.
મોંઘા ભાવે વીજળીની ખરીદી
વધતી માંગને પહોંચી વળવા માટે રાજ્ય સરકારે ત્રણ અલગ-અલગ એક્સચેન્જ પાસેથી મોંઘા ભાવે વીજળીની ખરીદી પણ કરવી પડી છે. સરકારે પ્રતિ યુનિટ Rs. 9.68, Rs. 9.83 અને Rs. 9.98 ના ભાવે વીજળી ખરીદી હોવાનું વિધાનસભામાં જણાવાયું છે. આ આંકડાઓ સ્પષ્ટ કરે છે કે ગુજરાત તેની ઉર્જા જરૂરિયાતો સંતોષવા માટે ઉત્પાદન ક્ષમતા વધારવા પર ભાર મૂકી રહ્યું છે.