અરે ભાઈ, માઈક તો જો! બ્રાવોના અતરંગી ખુલાસાથી રહાણે પણ હેબતાઈ ગયો
આગામી 28 માર્ચથી ઇન્ડિયન પ્રીમિયર લીગની 19મી સીઝનનો પ્રારંભ થવા જઈ રહ્યો છે, પરંતુ તે પહેલા જ વર્તમાન ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સના કેમ્પમાં મોટો વિવાદ સર્જાયો છે. KKRના મેન્ટર અને વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ કેપ્ટન ડ્વેન બ્રાવોની એક અંગત વાતચીત લાઈવ મીડિયા ઈવેન્ટ દરમિયાન માઈક ઓન રહી જવાને કારણે રેકોર્ડ થઈ ગઈ છે, જેનો વીડિયો અત્યારે ઈન્ટરનેટ પર આગની જેમ વાયરલ થઈ રહ્યો છે. એક સત્તાવાર કાર્યક્રમ દરમિયાન સ્ટેજ પર KKRના હેડ કોચ અભિષેક નાયર, આસિસ્ટન્ટ કોચ શેન વોટસન અને કેપ્ટન અજિંક્ય રહાણે હાજર હતા.
આ દરમિયાન ડ્વેન બ્રાવો તેની બાજુમાં બેઠેલી વ્યક્તિ સાથે ખાનગી વાતચીત કરી રહ્યો હતો. બ્રાવો બોલતા સંભળાયો કે, "જ્યારે આ લોકોએ ફોન કર્યો, ત્યારે મારા ઘરે બે છોકરીઓ હતી ....બ્રાવો હજુ આગળ કંઈક બોલે તે પહેલા જ કેપ્ટન અજિંક્ય રહાણેએ સમયસૂચકતા વાપરી તેને ઈશારો કર્યો કે તેનું માઈક ઓન છે અને આખી દુનિયા તેને સાંભળી રહી છે. માઈક ચાલુ હોવાની જાણ થતા જ બ્રાવો અત્યંત ક્ષોભજનક સ્થિતિમાં મુકાયો હતો અને તેના મોઢામાંથી 'Shit' શબ્દ સરી પડ્યો હતો.
જોકે, અજિંક્ય રહાણેએ સમયસર ટોકતા બ્રાવો વધુ બોલતા અટકી ગયો હતો, પરંતુ ત્યાં સુધીમાં આ વિવાદાસ્પદ વાક્ય રેકોર્ડ થઈ ચૂક્યું હતું.સીઝન શરૂ થવાના ગણતરીના દિવસો બાકી છે ત્યારે આ વિવાદ KKRની છબી ખરડી શકે છે. જોકે, બ્રાવોના સમર્થકોનું કહેવું છે કે આ એક ખાનગી વાતચીત હતી અને તેને ખોટી રીતે જોવી જોઈએ નહીં. અત્યાર સુધી KKR મેનેજમેન્ટ કે બ્રાવો તરફથી આ મામલે કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી. હવે જોવાનું એ રહેશે કે શું BCCI કે ફ્રેન્ચાઈઝી આ મામલે કોઈ શિસ્તભંગના પગલાં લે છે કે નહીં.
હાર્દિક પંડ્યાના વિવાદની યાદ તાજી થઈ
આ ઘટનાએ ક્રિકેટ ચાહકોમાં વર્ષો જૂના હાર્દિક પંડ્યાના 'કોફી વિથ કરણ' વિવાદની યાદ તાજી કરી દીધી છે. તે સમયે હાર્દિકે મહિલાઓ વિશે વાંધાજનક ટિપ્પણી કરી હતી, જેના કારણે તેને સસ્પેન્ડ થવું પડ્યું હતું. સોશિયલ મીડિયા પર યુઝર્સ બ્રાવોના આ નિવેદનને મહિલાઓ પ્રત્યે અપમાનજનક ગણાવી તેની આકરી ટીકા કરી રહ્યા છે.