રાજકોટમાં ભૂકંપનો આંચકો: 3.2ની તીવ્રતાથી ધરા ધ્રુજી, મવડી-વાવડી વચ્ચે નોંધાયું કેન્દ્રબિંદુ
રાજકોટ શહેરમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો, અચાનક આવેલી ધ્રુજારીના કારણે શહેરના અનેક વિસ્તારોમાં લોકો ભયભીત થઈ ગયા હતા. ગાંધીનગર સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ દ્વારા આ આંચકાની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી છે. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 3.2 નોંધાઈ છે. સાંજે જ્યારે લોકો પોતાના રોજિંદા કામમાં વ્યસ્ત હતા, ધરા ધ્રુજી ઉઠી હતી જોકે આંચકો ટૂંકા સમય માટે હતો, પરંતુ તેની અસર શહેરના મોટાભાગના વિસ્તારોમાં વર્તાઈ હતી.
ભૂકંપનું કેન્દ્રબિંદુ રાજકોટ શહેરથી દક્ષિણ-પશ્ચિમ દિશામાં માત્ર 7 કિલોમીટર દૂર મવડી અને વાવડી વિસ્તારની વચ્ચે નોંધાયું છે. શહેરની આટલી નજીક કેન્દ્રબિંદુ હોવાને કારણે રહેણાંક વિસ્તારોમાં ધ્રુજારીનો અનુભવ વધુ તીવ્ર લાગ્યો હતો. મવડી, વાવડી, કાલાવડ રોડ અને યુનિવર્સિટી રોડ જેવા વિસ્તારોમાં બહુમાળી ઇમારતોમાં રહેતા લોકો આંચકો અનુભવતા જ તરત જ ઘરની બહાર ખુલ્લા મેદાનમાં દોડી આવ્યા હતા. લોકોમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો અને સોશિયલ મીડિયા પર ભૂકંપ અંગેની પૂછપરછ શરૂ થઈ ગઈ હતી.
રાહતની વાત એ છે કે આ ભૂકંપની તીવ્રતા ઓછી હોવાથી અત્યાર સુધી કોઈ પણ પ્રકારની જાનહાનિ કે માલહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી. વહીવટી તંત્ર દ્વારા પ્રાથમિક તપાસ કરવામાં આવી છે અને ક્યાંય મોટી નુકસાનીની વિગતો મળી નથી. સૌરાષ્ટ્રના પટ્ટામાં અવારનવાર નાના આંચકા આવતા રહે છે. 3.2ની તીવ્રતાનો આ આંચકો લો-ઈન્ટેન્સિટી કેટેગરીમાં આવે છે, જે સામાન્ય રીતે કોઈ મોટું નુકસાન પહોંચાડતો નથી, પરંતુ કેન્દ્રબિંદુ જમીનની સપાટીથી ઓછી ઊંડાઈએ હોવાથી આંચકો વધુ અનુભવાય છે.
રાજકોટ જિલ્લા કલેક્ટર અને મહાનગરપાલિકાનું તંત્ર સતર્ક થઈ ગયું છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ દ્વારા સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. ફાયર બ્રિગેડ અને ઇમરજન્સી સેવાઓને પણ કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.તંત્રએ નાગરિકોને સૂચના આપી છે કે જો ફરીથી કોઈ આંચકો અનુભવાય, તો ગભરાયા વગર સલામત સ્થળે ખસી જવું. લિફ્ટનો ઉપયોગ ટાળવો અને ટેબલ કે મજબૂત ફર્નિચર નીચે આશ્રય લેવો અથવા ખુલ્લા મેદાનમાં ચાલ્યા જવું એ હિતાવહ છે.