ચૂંટણી પંચની મોટી કાર્યવાહી: પાંચ રાજ્યોમાંથી 651.5 કરોડની જપ્તી, પશ્ચિમ બંગાળમાં 319 કરોડ રોકડા જપ્ત
આગામી વિધાનસભા ચૂંટણીઓ પૂર્વે મતદારોને લલચાવવા માટે વહેંચવામાં આવતી રોકડ, દારૂ અને મફત ભેટો પર ચૂંટણી પંચે કડક સકંજો કસ્યો છે. ચૂંટણી યોજાનાર પાંચ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ઇલેક્શન ફ્લાઈંગ સ્ક્વોડ અને અમલીકરણ એજન્સીઓ દ્વારા કુલ 651.5 કરોડ રૂપિયાથી વધુનો ગેરકાયદેસર મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ જપ્તીમાં પશ્ચિમ બંગાળ 319 કરોડ રૂપિયાના આંકડા સાથે યાદીમાં સૌથી મોખરે છે.
પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ જપ્તી અને રેકોર્ડબ્રેક દારૂ પકડાયો
ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા (ECI) ના સત્તાવાર નિવેદન અનુસાર, 23 અને 29 એપ્રિલના રોજ યોજાનારી ચૂંટણીઓ પહેલા પશ્ચિમ બંગાળમાંથી 319 કરોડ રૂપિયાની કિંમતની વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે. આ રિકવરીમાં 150 કરોડ રૂપિયાની મફત ભેટો, 65 કરોડ રૂપિયાના નશીલા પદાર્થો, 55 કરોડ રૂપિયાનો દારૂ, 39 કરોડ રૂપિયાની કિંમતી ધાતુ અને 11 કરોડ રૂપિયાની રોકડનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, પાંચ રાજ્યોમાંથી જપ્ત કરાયેલા કુલ 29.63 લાખ લિટર દારૂમાંથી એકલા પશ્ચિમ બંગાળમાંથી જ સૌથી વધુ 21.29 લાખ લિટર દારૂ પકડાયો છે.
તમિલનાડુ અને આસામમાં પણ કરોડોનો મુદ્દામાલ જપ્ત
જપ્તીના મામલે તમિલનાડુ 170 કરોડ રૂપિયા સાથે બીજા ક્રમે છે. જેમાં 67 કરોડના નશીલા પદાર્થો, 63 કરોડની મફત ભેટો, 30 કરોડ રોકડા, 8 કરોડની ધાતુ અને 2 કરોડના દારૂનો સમાવેશ થાય છે. જ્યારે આસામમાં 97 કરોડ રૂપિયાની જપ્તી થઈ છે, જેમાં 56 કરોડના નશીલા પદાર્થો, 20 કરોડ રૂપિયાની કિંમતનો 6,84,627 લિટર દારૂ, 13 કરોડની મફત ભેટો, 4 કરોડની કિંમતી ધાતુ અને 4 કરોડ રૂપિયાની રોકડ રિકવર કરવામાં આવી છે.
કેરળ અને પુડુચેરીમાં પણ લાખો રૂપિયાની રિકવરી
કેરળ રાજ્યમાં એજન્સીઓએ કુલ 58 કરોડ રૂપિયાની પ્રલોભન આપતી વસ્તુઓ જપ્ત કરી છે. જેમાં 41 કરોડના નશીલા પદાર્થો, 8 કરોડ રોકડા, 5 કરોડની મફત ભેટો, 2 કરોડનો દારૂ અને 1 કરોડની કિંમતી ધાતુ સામેલ છે. બીજી તરફ, કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીમાં પણ 7 કરોડ રૂપિયાની રિકવરી થઈ છે, જેમાં 6 કરોડની કિંમતી ધાતુ અને 20 લાખ રૂપિયાની રોકડ, 30 લાખનો દારૂ તથા 1 લાખની અન્ય ભેટોનો સમાવેશ થાય છે.
100 મિનિટમાં ફરિયાદ ઉકેલવા 5,173 ફ્લાઈંગ સ્ક્વોડ તૈનાત
દેશમાં હિંસામુક્ત, ડરમુક્ત અને પ્રલોભનમુક્ત ચૂંટણીઓ સુનિશ્ચિત કરવા માટે ECI સંપૂર્ણપણે સજ્જ છે. પંચે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 5,173 ફ્લાઈંગ સ્ક્વોડ તૈનાત કરી છે જેથી કોઈપણ ફરિયાદનો નિકાલ 100 મિનિટમાં કરી શકાય. આ ઉપરાંત, વિવિધ સ્થળોએ વાહનોના ચેકિંગ અને રાઉન્ડ-ધ-ક્લોક નજર રાખવા માટે 5,200 થી વધુ સ્ટેટિક સર્વેલન્સ ટીમ્સ પણ તૈનાત કરવામાં આવી છે.