વાલીઓ તૈયાર રહેજો..... ગુજરાતમાં RTE એડમિશનનો કાર્યક્રમ જાહેર, 4 એપ્રિલથી ઓનલાઈન ફોર્મ ભરાશે
ગુજરાત સરકારના પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા શૈક્ષણિક વર્ષ 2026-27 માટે રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ ખાનગી શાળાઓમાં ધોરણ-1 માં વિનામૂલ્યે પ્રવેશ મેળવવાની પ્રક્રિયાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત નબળા અને વંચિત જૂથના બાળકોને રાજ્યની બિન-અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં 25% અનામત બેઠકો પર મફત શિક્ષણ આપવામાં આવશે. RTE એક્ટ 2009 હેઠળ પ્રવેશ મેળવવા ઈચ્છતા વાલીઓ આગામી 4 એપ્રિલ, 2026 થી 27 એપ્રિલ દરમિયાન ઓનલાઈન અરજી કરી શકશે.
આ માટે શિક્ષણ વિભાગ દ્વારા નિયત કરવામાં આવેલી સત્તાવાર વેબસાઈટ rte.orpgujarat.com પર જઈને ફોર્મ ભરવાનું રહેશે. વાલીઓને નિર્ધારિત સમયમર્યાદામાં જ અરજી પ્રક્રિયા પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી છે. ચાલુ શૈક્ષણિક વર્ષ માટે વય મર્યાદાના નિયમો અનુસાર, જે બાળકે 1 જૂન, 2026 ના રોજ 6 વર્ષ પૂર્ણ કર્યા હોય, તે જ બાળક ધોરણ-1માં પ્રવેશ માટે પાત્ર ગણાશે. 6 વર્ષથી ઓછી ઉંમર ધરાવતા બાળકોની અરજી ઓનલાઈન સિસ્ટમ દ્વારા સ્વીકારવામાં આવશે નહીં, જેની વાલીઓએ ખાસ નોંધ લેવી જરૂરી છે.
વાલીઓને ફોર્મ ભરવામાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે જિલ્લા કક્ષાએ હેલ્પ સેન્ટરો કાર્યરત કરવામાં આવશે. વધુ માહિતી અને માર્ગદર્શન માટે વેબસાઈટ પર ઉપલબ્ધ 'યુઝર મેન્યુઅલ' વાંચવા અથવા ટોલ-ફ્રી હેલ્પલાઈન નંબર પર સંપર્ક કરવા જણાવાયું છે. શિક્ષણ વિભાગનો ઉદ્દેશ્ય છે કે કોઈ પણ જરૂરિયાતમંદ બાળક શિક્ષણના અધિકારથી વંચિત ન રહે.
જરૂરી દસ્તાવેજોની તૈયારી
અરજી પ્રક્રિયા દરમિયાન વાલીઓએ બાળકના જન્મનો દાખલો, રહેઠાણનો પુરાવો (રેશન કાર્ડ/આધાર કાર્ડ/વીજળી બિલ), વાલીનો આવકનો દાખલો, જાતિનો દાખલો અને પાસપોર્ટ સાઈઝના ફોટા જેવા મહત્વના દસ્તાવેજો સ્કેન કરીને અપલોડ કરવાના રહેશે. દસ્તાવેજો અધૂરા અથવા અસ્પષ્ટ હશે તો અરજી રદ થઈ શકે છે, તેથી ઓરિજિનલ પુરાવા જ અપલોડ કરવા હિતાવહ છે.
આવક મર્યાદા અને અગ્રતા ક્રમ
RTE હેઠળ પ્રવેશ માટે સરકાર દ્વારા નક્કી કરાયેલ આવક મર્યાદાના નિયમો લાગુ પડશે. પ્રવેશ પ્રક્રિયામાં અનાથ બાળકો, સંભાળ અને સંરક્ષણની જરૂરિયાતવાળા બાળકો, વિકલાંગ બાળકો અને અત્યંત પછાત શ્રેણીના બાળકોને પ્રથમ અગ્રતા આપવામાં આવશે. ત્યારબાદ આવકના આધારે અન્ય કેટેગરીના બાળકોની પસંદગી કરવામાં આવશે.
અરજી જમા કરાવવાની જરૂર નથી
વાલીઓએ ઓનલાઈન ફોર્મ ભર્યા બાદ તેની પ્રિન્ટ કે આધાર-પુરાવા કોઈ પણ કચેરીએ રૂબરૂ જમા કરાવવા જવાના રહેશે નહીં. સમગ્ર પ્રક્રિયા પેપરલેસ અને પારદર્શક રાખવામાં આવી છે. ફોર્મની સ્થિતિ અને પ્રવેશની જાણકારી વાલીઓને તેમના રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પર SMS દ્વારા આપવામાં આવશે.