ધમાકેદાર વાપસી: 'તાન્હાજી' બાદ અજય દેવગણ અને ઓમ રાઉત ફરી એકસાથે, નવી ફિલ્મની તૈયારી શરૂ
ભારતીય સિનેમામાં ઐતિહાસિક ફિલ્મોનો નવો અધ્યાય લખનાર જોડી અજય દેવગણ અને દિગ્દર્શક ઓમ રાઉત ફરી એકવાર દર્શકોને ઇતિહાસના પાનાઓ પર લઈ જવા તૈયાર છે. 'તાન્હાજી: ધ અનસંગ વોરિયર' જેવી બ્લોકબસ્ટર ફિલ્મ આપ્યા બાદ, આ સુપરહિટ જોડીએ એક નવા મોટા પ્રોજેક્ટ માટે હાથ મિલાવ્યા છે. આ નવી ફિલ્મ અજય દેવગણની મહત્વાકાંક્ષી 'અનસંગ વોરિયર' સીરીઝનો જ એક ભાગ હશે. પ્રાપ્ત અહેવાલો અનુસાર, આ ફિલ્મની વાર્તા પણ એક પરાક્રમી મરાઠા યોદ્ધાના જીવન પર આધારિત હશે.
ઓમ રાઉતે તાજેતરમાં જ અજય દેવગણને આ પટકથા સંભળાવી હતી, જે અભિનેતાને એટલી પસંદ આવી કે તેમણે તુરંત આ પ્રોજેક્ટ માટે લીલી ઝંડી આપી દીધી હતી. ફિલ્મના ટેકનિકલ પાસાઓની વાત કરીએ તો, આ પ્રોજેક્ટમાં અત્યાધુનિક વિઝ્યુઅલ ઈફેક્ટ્સનો ઉપયોગ કરવામાં આવશે. આ ફિલ્મ માટે VFX ની જવાબદારી અજય દેવગણની પોતાની કંપની સંભાળશે. કંપની અત્યારથી જ ફિલ્મને ભવ્ય અને વાસ્તવિક લુક આપવા માટે તૈયારીઓમાં લાગી ગઈ છે.હાલમાં દિગ્દર્શક ઓમ રાઉત અને અજય દેવગણ ફિલ્મનું બજેટ અને તેના શૂટિંગના લોકેશન્સને આખરી ઓપ આપી રહ્યા છે.
ફિલ્મમાં કયા કયા કલાકારો મુખ્ય ભૂમિકામાં હશે અને કયા મરાઠા યોદ્ધાની વાત રજૂ કરવામાં આવશે તે અંગે હજુ ગોપનીયતા જાળવવામાં આવી છે. બજેટ અને અન્ય બાબતો ફાઈનલ થયા બાદ આ પ્રોજેક્ટની ઔપચારિક જાહેરાત કરવામાં આવશે.'તાન્હાજી'ની રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરની સફળતાને જોતા, આ નવી એક્શન ફિલ્મ માટે ચાહકોમાં અત્યારથી જ ભારે ઉત્તેજના જોવા મળી રહી છે. અજય દેવગણ અને ઓમ રાઉતની આ જુગલબંધી ફરી એકવાર બોક્સ ઓફિસ પર ઈતિહાસ દોહરાવશે તેવી પૂરેપૂરી સંભાવના છે.