આરોપોના ઘેરામાં ઘેરાયેલા ડાયરેક્ટર સનોજ મિશ્રાનો નિર્ણય....મોનાલિસા સાથે ફિલ્મ હવે ક્યારેય નહીં બને
તાજેતરમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી અભિનેત્રી મોનાલિસા અને જાણીતા નિર્દેશક સનોજ મિશ્રા વચ્ચેનો વિવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. મોનાલિસા દ્વારા લગાવવામાં આવેલા ગંભીર હેરેસમેન્ટના આરોપોને સનોજ મિશ્રાએ સદંતર નકારી કાઢ્યા છે. નિર્દેશકે સ્પષ્ટ કર્યું છે કે આ તમામ દાવાઓ પાયાવિહોણા છે અને મોનાલિસાનું 'બ્રેનવોશ' કરવામાં આવ્યું છે. આ વિવાદને પગલે સનોજ મિશ્રાએ મોનાલિસાની ડેબ્યુ ફિલ્મ 'ધ ડાયરી ઓફ મણિપુર' પ્રોજેક્ટને કાયમ માટે બંધ કરવાની જાહેરાત કરી છે.
આ વિવાદની શરૂઆત મોનાલિસાના ફરમાન ખાન સાથેના લગ્નથી થઈ હતી, નિર્દેશક સનોજ મિશ્રાએ આ લગ્નને 'લવ જેહાદ' ગણાવી તેનો વિરોધ કર્યો હતો. ત્યારબાદ મોનાલિસાએ એક પ્રેસ કોન્ફરન્સ યોજીને નિર્દેશક પર નેપાળ અને દેહરાદૂન ખાતે શૂટિંગ દરમિયાન યૌન શોષણ અને હેરેસમેન્ટના ગંભીર આરોપો લગાવ્યા હતા. સનોજ મિશ્રાના મતે, તેઓએ લગ્નનો વિરોધ કર્યો હોવાથી તેમને ખોટી રીતે આ મામલામાં ફસાવવામાં આવી રહ્યા છે.
જો મોનાલિસા પોતાને સાચી માને છે, તો તે કાનૂની રસ્તો અપનાવી શકે છે, પણ હું મારી નિર્દોષતા સાબિત કરવા કોર્ટના દરવાજા ખખડાવીશ, તેમ નિર્દેશકે દ્રઢતાથી જણાવ્યું હતું. પરિસ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ હોવાથી નિર્દેશકે સત્તાવાર રીતે જાહેર કર્યું છે કે હવે આ ફિલ્મ બનશે નહીં. મોનાલિસા જે ફિલ્મથી પોતાના કરિયરની શરૂઆત કરવાની હતી, તે હવે અભરાઈએ ચડી ગઈ છે. ભોજપુરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આ કિસ્સાએ ભારે ખળભળાટ મચાવ્યો છે અને આગામી દિવસોમાં આ મામલો કોર્ટમાં પહોંચે તેવી પૂરી શક્યતા છે.