રામાયણના ટીઝરમાં રણબીર કપૂરનો દબદબો, પરંતુ સોશિયલ મીડિયા પર રાવણના પાત્રની બોલબાલા!
હનુમાન જયંતિના પવિત્ર અવસરે ભારતીય સિનેમાની સૌથી પ્રતિક્ષિત ફિલ્મ 'રામાયણ'નું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. 2 મિનિટ 38 સેકન્ડના આ વીડિયોએ રિલીઝ થતાની સાથે જ ઇન્ટરનેટ પર રેકોર્ડ તોડવાનું શરૂ કર્યું છે. ભગવાન રામના પાત્રમાં રણબીર કપૂરની સૌમ્ય અને તેજસ્વી ઝલકે ચાહકોનું દિલ જીતી લીધું છે. ટીઝરમાં રણબીર કપૂર કુલ 17 ફ્રેમમાં જોવા મળે છે, જેને જોઈને લોકો કહી રહ્યા છે કે રણબીરે આ પાત્ર માટે અદભૂત પરિવર્તન કર્યું છે. જોકે, આ આખા ટીઝરમાં સૌથી વધુ ચર્ચા જે ફ્રેમની થઈ રહી છે તે છે 'રાવણ' એટલે કે સુપરસ્ટાર યશની એન્ટ્રી.
ટીઝરની 2 મિનિટ અને 12 સેકન્ડ પર જ્યારે યશની એન્ટ્રી થાય છે, ત્યારે જાણે આખી સ્ક્રીન પર તેનો દબદબો છવાઈ જાય છે, માથા પર ભવ્ય મુકુટ, સોનાની લંકાનો વૈભવ અને પુષ્પક વિમાન તરફ આવતા રાવણના લુકની ઝલકે ચાહકોની આતુરતા સાતમા આસમાને પહોંચાડી દીધી છે. રણબીરની 17 ફ્રેમ્સ હોવા છતાં યશની આ એક ફ્રેમ સોશિયલ મીડિયા પર વધુ વાયરલ થઈ રહી છે. મેકર્સે રાવણના લુકની નાની ડિટેલ્સ પર ખૂબ ધ્યાન આપ્યું છે. ખાસ કરીને તેના કોસ્ચ્યુમ અને આસપાસની ડિઝાઈન પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દે તેવી છે.
યશ આ ફિલ્મમાં માત્ર અભિનય જ નથી કરી રહ્યો, પરંતુ તે આ પ્રોજેક્ટનો પ્રોડ્યુસર પણ છે. KGF 2 પછી યશની કોઈ મોટી ફિલ્મ રિલીઝ થઈ નથી, તેથી તેના ચાહકો તેને આ પાવરફુલ નેગેટિવ રોલમાં જોવા માટે આતુર છે. ટીઝરમાં તેની જે રહસ્યમય ઝલક બતાવવામાં આવી છે તેણે સોશિયલ મીડિયા પર કોમેન્ટ્સનો પૂર લાવી દીધો છે. અગાઉ નમિત મલ્હોત્રાએ શેર કરેલા ઈન્ટ્રોડક્શન વીડિયોમાં યશની માત્ર બે ફ્રેમ જોવા મળી હતી, પરંતુ આ વખતે ટીઝરમાં તેને પ્રોપર લુકમાં રજૂ કરવામાં આવ્યો છે.
યશની ફિલ્મ 'ટોક્સિક' પણ લાઈનમાં છે, પરંતુ રણબીર અને યશનો આ આમને-સામનેનો જંગ જોવો પ્રેક્ષકો માટે એક વિઝ્યુઅલ ટ્રીટ સમાન હશે. આ ટીઝર જોયા બાદ સોશિયલ મીડિયા પર એવી અટકળો તેજ થઈ છે કે 'રામાયણ' બોક્સ ઓફિસના તમામ જૂના રેકોર્ડ તોડી નાખશે. રણબીર કપૂરની શાંતિ અને યશનો આક્રમક મિજાજ આ ફિલ્મના મુખ્ય આકર્ષણો છે. હવે જોવાનું એ રહેશે કે મેકર્સ રાવણનો આખો લુક ક્યારે રિવિલ કરે છે. હાલ તો હનુમાન જયંતિના દિવસે મળેલી આ સરપ્રાઈઝથી સિનેમાપ્રેમીઓમાં ખુશીનો માહોલ છે અને ફિલ્મ વિશેની ચર્ચા દેશભરમાં શરૂ થઈ ગઈ છે.