સ્માર્ટફોનનો વધુ પડતો વપરાશ નોતરી શકે છે 'ફૂડ એડિક્શન', 52,000 યુવાનો પર કરાયેલા અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો
આધુનિક યુગમાં સ્માર્ટફોન જીવનનું અભિન્ન અંગ બની ગયો છે, પરંતુ તેનો અતિરેક ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ નોતરી રહ્યો છે. તાજેતરના સંશોધનો મુજબ, કલાકો સુધી સ્ક્રીન સામે બેસી રહેવાની આદત માત્ર આંખોને જ નહીં, પરંતુ વ્યક્તિની ખાવા-પીવાની શૈલી અને માનસિક સ્થિતિને પણ નકારાત્મક રીતે પ્રભાવિત કરી રહી છે.
જો તમે પણ દિવસનો મોટાભાગનો સમય મોબાઈલ સ્ક્રીન પર વિતાવતા હોવ, તો ચેતી જવાની જરૂર છે. જર્નલ ઓફ મેડિકલ ઇન્ટરનેટ રિસર્ચમાં પ્રકાશિત એક નવા અભ્યાસ અનુસાર, સ્માર્ટફોનનો અયોગ્ય વપરાશ અને ખાવા-પીવાની વિકૃતિઓ (Eating Disorders) વચ્ચે સીધો સંબંધ જોવા મળ્યો છે. આ અભ્યાસમાં પબમેડ અને એમ્બેઝ જેવા ડેટાબેઝનો ઉપયોગ કરીને આશરે 52,000 યુવાનોના ડેટાનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું.
ખાનપાન અને સ્માર્ટફોન વચ્ચેનો કનેક્શન:
અભ્યાસમાં બહાર આવ્યું છે કે જે લોકો સ્માર્ટફોન પાછળ વધુ સમય વિતાવે છે, તેઓમાં પોતાના શરીર પ્રત્યે અસંતોષ અને નકારાત્મક લાગણીઓ વધે છે. મોબાઈલના કારણે ઊભી થતી માનસિક તંગદિલી અને મૂડમાં આવતા ફેરફારોને લીધે લોકો 'ઇમોશનલ ઈટિંગ' અથવા 'ફૂડ એડિક્શન'નો શિકાર બની રહ્યા છે. સોશિયલ મીડિયા પર દેખાતી આદર્શ જીવનશૈલી અને શરીરની તુલના કરવાને કારણે યુવાનોમાં ખાવા-પીવાની અનિયમિતતા વધી રહી છે.
લાગણીઓ પરનો કાબૂ ગુમાવવો:
નિષ્ણાતોના મતે, સતત સ્માર્ટફોનનો ઉપયોગ કરવાથી વ્યક્તિ પોતાની લાગણીઓ પરનો કાબૂ ગુમાવે છે. તણાવ કે એકલતા દૂર કરવા માટે લોકો વારંવાર મોબાઈલ જુએ છે અને તેની સાથે બિનજરૂરી ખોરાક લેવાની આદત કેળવે છે. આ સમસ્યા કોઈ એક દેશ પૂરતી મર્યાદિત નથી, પરંતુ વૈશ્વિક સ્તરે તમામ વયજૂથના લોકોમાં સમાન રીતે જોવા મળી રહી છે.
ડિજિટલ ડિટોક્સ માટે નિષ્ણાતોની મહત્વની સલાહ:
સ્માર્ટફોનની લતમાંથી મુક્તિ મેળવવા અને સ્વાસ્થ્ય સુધારવા માટે નિષ્ણાતોએ નીચે મુજબના ઉપાયો સૂચવ્યા છે:
સ્ક્રીન છોડીને કાગળ-પેનથી સુડોકુ કે ક્રોસવર્ડ જેવી રમતો રમવાની ટેવ પાડો.
વાસ્તવિક સંવાદ: ઓનલાઇન ચેટિંગ કરવાને બદલે પરિવાર કે મિત્રો સાથે રૂબરૂ મળીને વાતચીત કરો.
નવા શોખ: રાંધણકળા, બાગકામ કે પુસ્તક વાંચન જેવા રચનાત્મક શોખ કેળવો.
શારીરિક પ્રવૃત્તિ: દરરોજ તાજી હવામાં ચાલવા જાવ, જેનાથી મૂડ સુધરે છે અને મન પ્રફુલ્લિત રહે છે.
ડાયરી લેખન: તમારા દૈનિક અનુભવો અને પ્રગતિ વિશે ડાયરી લખવાની આદત પાડો.