હાઈવે પર આજથી ‘કેશલેસ’ સિસ્ટમ: ફાસ્ટ ટેગ વગર 25% મોંઘો પડશે ટોલ ટેક્સ

હાઈવે પર હવે રોકડ નહીં ચાલે! આજથી નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ ટોલ પ્લાઝા પર રોકડ વ્યવહારોને કાયમી તિલાંજલિ આપી દીધી છે. જો તમે FASTag વગર મુસાફરી કરી રહ્યા છો, તો તૈયાર રહેજો, કારણ કે હવે તમારે નિર્ધારિત ફી કરતા 25% વધારાનો ચાર્જ ચૂકવવો પડશે. સંપૂર્ણ ઇલેક્ટ્રોનિક ટોલ કલેક્શન સિસ્ટમ અમલમાં આવતા હવે મુસાફરોએ લાંબી કતારોમાંથી મુક્તિ મળશે, પરંતુ FASTag ન હોવો તમારા ખિસ્સા પર ભારે પડી શકે છે. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા લેવામાં આવેલા એક ક્રાંતિકારી નિર્ણય મુજબ, આજથી એટલે કે 10 એપ્રિલ, 2026થી દેશભરના તમામ નેશનલ હાઈવે પર રોકડ દ્વારા ટોલ વસૂલવાની પ્રક્રિયા સત્તાવાર રીતે બંધ કરી દેવામાં આવી છે.
હવે, હાઈવે પર ટોલ પ્લાઝા પર રોકડ વ્યવહારો ભૂતકાળ બની જશે. સરકારનો આ નિર્ણય ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા અને ટોલ નાકાઓ પર વાહનોની લાંબી કતારોને ઘટાડવા માટે લેવામાં આવ્યો છે. આ નવી વ્યવસ્થાથી સંપૂર્ણ ઇલેક્ટ્રોનિક ટોલ કલેક્શન સિસ્ટમ અમલમાં આવશે, જેનાથી મુસાફરોનો સમય બચશે અને મુસાફરી વધુ ઝડપી બનશે. નવા ગેઝેટ નોટિફિકેશન મુજબ, જે વાહનચાલકો પાસે માન્ય FASTag નથી, તેઓ હજુ પણ UPI દ્વારા પેમેન્ટ કરી શકશે, પરંતુ તેમણે આ સુવિધા માટે નિર્ધારિત ટોલ ફી કરતા 1.25 ગણો એટલે કે 25% વધુ ટેક્સ ચૂકવવો પડશે. આ વધારાનો ચાર્જ પ્રોસેસિંગ ફી તરીકે વસૂલવામાં આવશે.
અત્યાર સુધી ટોલ પ્લાઝા પર કેશ પેમેન્ટ માટે અલગ લેન રાખવામાં આવતી હતી, પરંતુ હવે તમામ લેન ઇલેક્ટ્રોનિકમાં રૂપાંતરિત કરી દેવામાં આવી છે. આ નિર્ણય પાછળનો મુખ્ય હેતુ લોકોને છેલ્લી ઘડીના પેમેન્ટને બદલે ફરજિયાતપણે FASTag સિસ્ટમ તરફ વાળવાનો છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાના જણાવ્યા અનુસાર, આ ફેરફારથી ટોલ પ્લાઝા પર વાહનોને ઊભા રહેવાનો સમય નહિવત થઈ જશે.
જેના કારણે ઇંધણની બચત થશે અને વાહનોના એન્જિન ચાલુ રહેવાને કારણે થતા વાયુ પ્રદૂષણમાં પણ મોટો ઘટાડો જોવા મળશે. જે વાહનચાલકો હજુ પણ રોકડ વ્યવહાર પર નિર્ભર હતા અથવા જેમના FASTag બેલેન્સ વગર નિષ્ક્રિય છે, તેમણે તાત્કાલિક રીચાર્જ કે નવું FASTag મેળવી લેવા સૂચના આપવામાં આવી છે.