બજારના કોલ્ડ ડ્રિંક્સને ભૂલી જાઓ, ગરમીમાં શરીરને અંદરથી ઠંડક આપશે આ પાન-ગુલકંદ શરબત
ગરમીના તપતા દિવસોમાં શરીરને ઠંડક આપવા અને અલગ સ્વાદનો આનંદ માણવાની તમારી ઇચ્છા હોય તો બજારના કોલ્ડ ડ્રિંક્સને ભૂલી જાઓ. આ ગરમીમાં પાન-ગુલકંદ શરબત એક અનોખો, સ્વાસ્થ્યપ્રદ અને અત્યંત સ્વાદિષ્ટ વિકલ્પ છે. પાનના કુદરતી ઠંડક આપતા ગુણો અને ગુલકંદની મીઠાશ જ્યારે એકસાથે મળે છે ત્યારે એક એવુ રિફ્રેશિંગ શરબત તૈયાર થાય છે, જે શરીરને અંદરથી ઠંડક આપે છે અને ઊર્જાથી ભરી દે છે.
પાન શરબત રેસિપી
સામગ્રી:
તાજા મીઠા પાનના પાંદડા – 6-7 નંગ
ખાંડ અથવા મધ – 2 ટેબલસ્પૂન (સ્વાદ અનુસાર)
ઠંડું દૂધ અથવા પાણી – 1 કપ
સૌંફ – 1 ટીસ્પૂન
એલચી – 4-5 દાણા
આઇસ ક્યુબ્સ – 6-7 નંગ
બનાવવાની રીત:
પાનના પાંદડાને ધોઈને નાના ટુકડા કરી લો. મિક્સરમાં પાન, સૌંફ, એલચી અને ખાંડ નાખીને થોડું પાણી ઉમેરીને સ્મૂથ પેસ્ટ બનાવો. તેમાં બાકીનું ઠંડું દૂધ અથવા પાણી ઉમેરીને સારી રીતે મિક્સ કરો. શરબતને છાણીને ગ્લાસમાં રેડો. ઉપરથી આઇસ ક્યુબ્સ નાખીને તરત જ સર્વ કરો.
ટિપ: સ્વાદ વધારવા માટે થોડું ગુલાબજળ ઉમેરી શકો છો.
પાન ગુલકંદ શરબત રેસિપી
સામગ્રી:
પાનના પાંદડા – 5-6 નંગ
ગુલકંદ – 2 ટેબલસ્પૂન
ઠંડું દૂધ અથવા પાણી – 1 કપ
ક્રીમવાળું દૂધ (વૈકલ્પિક) – 1 ટીસ્પૂન
આઇસ ક્યુબ્સ – 5-6 નંગ
બનાવવાની રીત:
પાનના પાંદડાને ધોઈને કાપી લો. મિક્સરમાં પાન અને ગુલકંદ નાખીને થોડું દૂધ ઉમેરીને ફાઇન પેસ્ટ બનાવો. તેમાં ઠંડું દૂધ અથવા પાણી ઉમેરીને સારી રીતે બ્લેન્ડ કરો. જો ઇચ્છા હોય તો થોડું ગાઢું દૂધ ઉમેરીને વધુ સ્વાદિષ્ટ બનાવી શકો છો. ગ્લાસમાં રેડીને આઇસ ક્યુબ્સ નાખીને ઠંડું-ઠંડું સર્વ કરો.
ટિપ: સર્વ કરતી વખતે કાપેલા ડ્રાયફ્રુટ્સ અથવા ગુલાબની પાંખડીઓથી સજાવીને પીરસો, સ્વાદ અને સુંદરતા બંને વધી જશે. આ બંને શરબતની સુગંધ અને સ્વાદ ગરમીના તપતા માહોલમાં તમને તાજગી અને ઠંડકનો અનુભવ કરાવશે. સરળ સામગ્રી અને ઝટપટ બનતી આ રેસિપી મહેમાનોને પણ ખૂબ ગમશે.