રેમન્ડ ગ્રુપના પૂર્વ ચેરમેન પદ્મભૂષણ વિજયપત સિંઘાનિયાનું નિધન: ઉદ્યોગ જગતમાં શોકનું મોજું
ભારતીય કોર્પોરેટ જગતે આજે એક વિઝનરી નેતા અને સાહસિક વ્યક્તિત્વ ગુમાવ્યું છે. રેમન્ડ ગ્રુપને વૈશ્વિક ફલક પર ઓળખ અપાવનાર વિજયપત સિંઘાનિયાનું નિધન માત્ર ઉદ્યોગ જગત માટે જ નહીં, પરંતુ દેશ માટે પણ મોટી ખોટ છે. એક સફળ ઉદ્યોગપતિ હોવા ઉપરાંત, તેઓ પોતાની સાહસિક વૃત્તિ અને સંઘર્ષમય જીવન માટે હંમેશા યાદ રાખવામાં આવશે.
ભારતીય ટેક્સટાઈલ ઉદ્યોગના દિગ્ગજ અને 'રેમન્ડ ગ્રુપ'ને નવી ઊંચાઈઓ પર લઈ જનાર પૂર્વ ચેરમેન વિજયપત સિંઘાનિયાનું શનિવારે (28 March) 87 વર્ષની વયે નિધન થયું છે. તેમના નિધનના સમાચાર વાયુવેગે પ્રસરતા ઉદ્યોગ જગતની હસ્તીઓ અને સોશિયલ મીડિયા પર અનેક મહાનુભાવોએ તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પી છે.
અંતિમ સંસ્કાર :
વિજયપત સિંઘાનિયાના અંતિમસંસ્કાર (Vijaypat Singhania Death) આજે બપોરે 3 વાગ્યે મુંબઈના ચંદનવાડીમાં કરવામાં આવશે. તેમના અંતિમ દર્શન માટે બપોરે 1:30 વાગ્યા સુધી હવેલી, એલડી રૂપારેલ માર્ગ, મલબાર હિલ ખાતે કરી શકાશે. અને આજે બપોરે ૩ વાગ્યે ચંદનવાડીમાં તેઓ પંચમહાભૂતમાં વિલીન થઈ જશે.
પદ્મભૂષણથી સન્માનિત અને વ્યાપારમાં પ્રદાન
વિજયપત સિંઘાનિયાના નેતૃત્વમાં રેમન્ડ બ્રાન્ડ ભારતની સૌથી મોટી અને લોકપ્રિય ફેબ્રિક બ્રાન્ડ તરીકે ઉભરી આવી હતી. વ્યાપાર ક્ષેત્રે તેમના અપ્રતિમ યોગદાનને ધ્યાને રાખીને ભારત સરકાર દ્વારા તેમને દેશના ત્રીજા સર્વોચ્ચ નાગરિક સન્માન 'પદ્મભૂષણ' થી નવાજવામાં આવ્યા હતા. તેમણે કાપડ ઉદ્યોગમાં લાવેલી ક્રાંતિ આજે પણ ભારતીય બજારમાં જોવા મળે છે.
આકાશમાં પણ નોંધાવ્યા વિશ્વ રેકોર્ડ
તેઓ માત્ર બિઝનેસ ટાયકૂન જ નહીં, પરંતુ એક કુશળ અને સાહસિક પાયલોટ પણ હતા. તેમના નામે અનેક એવિએશન રેકોર્ડ નોંધાયેલા છે:
વર્ષ 2005 માં સૌથી વધુ ઊંચાઈ પર હોટ એર બલૂન ઉડાવવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો.
લંડનથી દિલ્હી સુધી એકલા વિમાન ઉડાવી (Solo Flight) સાહસિક સફર ખેડી હતી.
સંઘર્ષમય અંતિમ વર્ષો
તેમના જીવનના અંતિમ વર્ષો પારિવારિક વિવાદોને કારણે પણ ચર્ચામાં રહ્યા હતા. પોતાના પુત્ર ગૌતમ સિંઘાનિયા સાથે મિલકત અને રહેઠાણ બાબતે ચાલેલી કાનૂની લડાઈએ દેશભરનું ધ્યાન ખેંચ્યું હતું. આમ છતાં, ભારતીય કોર્પોરેટ ઇતિહાસમાં તેમનું નામ હંમેશા એક વિઝનરી લીડર તરીકે સુવર્ણ અક્ષરે અંકિત રહેશે.