પેટ્રોલ પંપ પર માત્ર ઈંધણ જ નહીં, આ સેવાઓ પણ છે ફ્રી...જાણો કઈ સુવિધાઓ માટે તમારે રૂપિયો પણ નથી આપવાનો
શું તમે જાણો છો કે જ્યારે તમે પેટ્રોલ પંપ પર ગાડીમાં ઈંધણ ભરાવો છો, ત્યારે તમે માત્ર પેટ્રોલના જ પૈસા નથી ચૂકવતા, પરંતુ કેટલીક પાયાની સુવિધાઓ મેળવવાનો અધિકાર પણ ધરાવો છો? મોટાભાગના વાહનચાલકો રસ્તા પર ટાયરમાં હવા ભરાવવા કે પીવાના પાણી માટે અલગથી ખર્ચ કરે છે, પરંતુ વાસ્તવમાં આ સેવાઓ પેટ્રોલ પંપ પર બિલકુલ મફત ઉપલબ્ધ હોય છે. સરકારી નિયમો મુજબ, દરેક પેટ્રોલ પંપ સંચાલકે ગ્રાહકોને 8 જેટલી સુવિધાઓ વિનામૂલ્યે આપવી ફરજિયાત છે.
જો તમે હજુ પણ આ અધિકારોથી અજાણ છો, સામાન્ય રીતે લોકો પેટ્રોલ પંપ પર માત્ર પેટ્રોલ કે ડીઝલ ભરાવવા માટે જ જતા હોય છે, પરંતુ ખૂબ ઓછા લોકો જાણે છે કે પેટ્રોલ પંપ સંચાલકો ગ્રાહકોને અનેક પાયાની સુવિધાઓ મફત આપવા માટે કાયદાકીય રીતે બંધાયેલા છે. સરકારી નિયમો અનુસાર, આ સેવાઓ માટે ગ્રાહકોએ એક પણ રૂપિયો ચૂકવવો પડતો નથી. જો કોઈ પંપ પર આ સુવિધાઓ આપવાની મનાઈ કરવામાં આવે અથવા પૈસા માંગવામાં આવે, તો ગ્રાહક તેની ફરિયાદ કરી શકે છે.
ટાયરમાં હવા ભરવાની સુવિધા
દરેક પેટ્રોલ પંપ પર વાહનોના ટાયરમાં હવા ભરવાનું મશીન અને તે માટેનો સ્ટાફ હોવો ફરજિયાત છે. આ સેવા સંપૂર્ણપણે મફત છે અને તે માટે કોઈ વધારાનો ચાર્જ વસૂલી શકાતો નથી.
શુદ્ધ પીવાનું પાણી
પેટ્રોલ પંપ માલિકોએ ગ્રાહકો માટે RO અથવા પ્યુરિફાયર દ્વારા શુદ્ધ પીવાના પાણીની વ્યવસ્થા કરવી પડે છે. ગ્રાહકોની સુવિધા માટે પંપ પર ઠંડા પાણીની વ્યવસ્થા હોવી પણ આવશ્યક છે.
સ્વચ્છ શૌચાલયની સુવિધા
ગ્રાહકો માટે સ્વચ્છ અને કાર્યરત શૌચાલયની સુવિધા હોવી ફરજિયાત છે. જો શૌચાલય ગંદુ હોય અથવા તેને તાળું મારેલું હોય, તો ગ્રાહક તેની ફરિયાદ કરી શકે છે.
ફર્સ્ટ એઇડ કીટ (પ્રાથમિક સારવાર)
માર્ગ અકસ્માત કે ઈમરજન્સીના સમયે તાત્કાલિક સારવાર મળી રહે તે માટે દરેક પેટ્રોલ પંપ પર પ્રાથમિક ઉપચાર કીટ રાખવી અનિવાર્ય છે. આ કીટનો ઉપયોગ ગ્રાહકો મફતમાં કરી શકે છે.
ક્વોલિટી અને ક્વોન્ટિટી ચેક
જો ગ્રાહકને ઈંધણની શુદ્ધતા કે તેના માપમાં શંકા હોય, તો તે સ્થળ પર જ 'ફિલ્ટર પેપર ટેસ્ટ' અથવા 'મેઝરિંગ જાર' દ્વારા તપાસ કરવાની માંગ કરી શકે છે. આ તપાસ કરવી એ ગ્રાહકનો અધિકાર છે.
ઈમરજન્સી ફોન કોલ
રસ્તામાં વાહન બગડે અથવા કોઈ અકસ્માત થાય ત્યારે ઇમરજન્સી કોલ કરવા માટે પેટ્રોલ પંપ પર ટેલિફોનની સુવિધા મફતમાં પૂરી પાડવામાં આવે છે.
ફાયર સેફ્ટી અને ફરિયાદ બુક
કોઈપણ અનિચ્છનીય ઘટના રોકવા માટે અગ્નિશામક સાધનો અને રેતીની ડોલ તૈયાર રાખવી પડે છે. આ ઉપરાંત, જો ગ્રાહકને કોઈ અસુવિધા હોય, તો તે પંપ પર રહેલી 'કમ્પ્લેઈન બુક'માં પોતાની ફરિયાદ નોંધી શકે છે.
સજાગ બનો, અધિકાર જાણો:
પેટ્રોલ પંપ ખોલવા માટેના લાયસન્સની શરતોમાં આ તમામ સુવિધાઓનો સમાવેશ થાય છે. ગ્રાહકોએ જાગૃત બની આ મફત સેવાઓનો લાભ લેવો જોઈએ અને જો કોઈ અન્યાય થાય તો ઓઈલ કંપનીની હેલ્પલાઈન પર ફરિયાદ કરવી જોઈએ.