ગાંધીનગર સિવિલમાં લીવર સર્જરીથી યુવાનને નવજીવન: યુવાનના લીવરમાંથી હજારો ‘ડોટર સિસ્ટ’ દૂર કરી અપાવ્યું નવજીવન

ગાંધીનગરની GMERS સિવિલ હોસ્પિટલ સર્જરી વિભાગના નિષ્ણાત તબીબોએ એક 39 વર્ષીય પુરુષ દર્દીના લીવરમાંથી હજારોની સંખ્યામાં ‘ડોટર સિસ્ટ’ એટલે કે નાની કોથળીઓ અત્યંત સાવચેતીપૂર્વક દૂર કરીને જટિલ સર્જરી સફળતાપૂર્વક પાર પાડી છે.
પાંચ વર્ષની અસહ્ય પીડા અને આર્થિક ચિંતાનો આવ્યો અંત
પ્રાપ્ત વિગતો અનુસાર, આ દર્દી વર્ષ 2021 થી લીવરની ગંભીર બીમારીથી પીડાતા હતા. છેલ્લા પાંચ વર્ષ દરમિયાન તેમણે અનેક હોસ્પિટલો અને નિષ્ણાત ડોક્ટરોનો સંપર્ક કર્યો હતો. જોકે, ખાનગી હોસ્પિટલોમાં ઓપરેશનનો મસમોટો ખર્ચ અને સર્જરીમાં રહેલા જીવના જોખમને કારણે દર્દી અને તેમનો પરિવાર સતત ભય અને મૂંઝવણમાં જીવતો હતો. અંતે, આશાવિહોણા બનેલા દર્દીએ ગાંધીનગર સિવિલ હોસ્પિટલના સર્જરી વિભાગમાં આશરો લીધો હતો, જ્યાં તબીબોએ દર્દીને રોગ વિશે વિગતવાર સમજ આપી તેમનો ડર દૂર કર્યો હતો.
8 એપ્રિલના રોજ હાથ ધરાઈ જટિલ શસ્ત્રક્રિયા
તબીબોના આત્મવિશ્વાસને જોઈ પરિવારે સંમતિ આપતા 8 April 2026 ના રોજ આ ભગીરથ કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. સર્જરી દરમિયાન તબીબો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા, કારણ કે લીવરમાં રહેલી મુખ્ય ‘હાઇડેટીડ સિસ્ટ’ ની અંદર હજારોની સંખ્યામાં નાની-મોટી ‘ડોટર સિસ્ટ’ ભરાયેલી હતી. નિષ્ણાત સર્જનોની ટીમ, જેમાં ડો. નિયતિ લાખાણી, ડો. પ્રતિક શાહ, ડો. બિન્નલ પંચાલ અને ડો. પ્રતિક પટેલ સામેલ હતા, તેમણે અત્યંત સાવચેતીપૂર્વક આ તમામ સિસ્ટને દૂર કરી હતી. આ જટિલ પ્રક્રિયામાં એનેસ્થેટિસ્ટ ડો. ભારતી રાજાણી, ડો. પ્રિયંકાબેન અને તેમની ટીમે પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
શું છે હાઇડેટીડ સિસ્ટ અને તે કેમ છે જોખમી ?
તબીબી ભાષામાં ‘હાઇડેટીડ સિસ્ટ’ એ ‘Echinococcus granulosus’ નામના પરોપજીવી કરમિયા દ્વારા થતો ચેપ છે. જ્યારે આ જીવ શરીરના અંગમાં (સામાન્ય રીતે લીવરમાં) ઘર બનાવે છે, ત્યારે ત્યાં એક મોટી કોથળી જેવી રચના બને છે, જેને ‘મધર સિસ્ટ’ કહેવાય છે. સમય જતાં, તેની અંદર હજારો નાની કોથળીઓ પેદા થાય છે, જેને ‘ડોટર સિસ્ટ’ કહેવામાં આવે છે. આ સ્થિતિ અત્યંત જોખમી હોય છે કારણ કે જો સર્જરી દરમિયાન એક પણ ડોટર સિસ્ટ અંદર ફાટી જાય, તો તેનાથી દર્દીને ગંભીર એલર્જીક રિએક્શન આવી શકે છે અથવા શરીરના અન્ય ભાગોમાં પણ આ રોગ ફેલાઈ શકે છે.
સફળ સર્જરી બાદ દર્દી હવે સ્વસ્થ
ગાંધીનગર સિવિલના ડોક્ટરોએ આ હજારો નાની કોથળીઓને લીવરને સહેજ પણ નુકસાન પહોંચાડ્યા વગર સુરક્ષિત રીતે બહાર કાઢી, તે જ આ સર્જરીની સૌથી મોટી સફળતા છે. આ સફળ શસ્ત્રક્રિયા બાદ દર્દી હવે સંપૂર્ણપણે ભયમુક્ત અને સ્વસ્થ છે. વર્ષોની પીડામાંથી મુક્તિ મળતા દર્દીના પરિવારે સિવિલ હોસ્પિટલના તબીબો અને સમગ્ર સ્ટાફનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. આ કિસ્સાએ ફરી એકવાર સરકારી તબીબોની કુશળતા અને સેવાની ભાવના પર મહોર લગાવી છે.