April 8, 2026
ગુજરાત

ગાંધીનગરમાં મનપાનું મેગા ડિમોલેશન: બોરીજમાં ‘વેસ્ટ ટુ વન્ડર’ પાર્ક માટે 8 એકર જમીન દબાણમુક્ત કરાઈ

07:00:00 PM
Save
Apr 8, 2026
Share :
<p><strong><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);">ગાંધીનગરમાં મનપાનું મેગા ડિમોલેશન:</span> બોરીજમાં ‘વેસ્ટ ટુ વન્ડર’ પાર્ક માટે 8 એકર જમીન દબાણમુક્ત કરાઈ</strong></p>

ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના સૌંદર્યીકરણના માર્ગમાં નડતરરૂપ દબાણો દૂર કરવાની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આજે પાટનગરના બોરીજ વિસ્તારમાં સૂચિત “વેસ્ટ ટુ વન્ડર” પાર્કની જમીન પર વર્ષોથી જમાવાયેલા ગેરકાયદેસર કબજાઓનો સફાયો કરવામાં આવ્યો હતો. મનપાના એસ્ટેટ વિભાગે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે 8 એકર જેટલી વિશાળ જમીનને દબાણમુક્ત કરાવી પ્રોજેક્ટ માટેનો માર્ગ મોકળો કર્યો છે.

15 જેટલા પાકા ગેરકાયદેસર બાંધકામો જમીનદોસ્ત

ગાંધીનગર મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગની ટીમે આજે સવારથી જ બોરીજ ગામ ખાતે સઘન ઝુંબેશ શરૂ કરી હતી. આ ઓપરેશન દરમિયાન પાર્ક માટે ફાળવવામાં આવેલી નિર્ધારિત જમીન પર ઉભા કરી દેવામાં આવેલા 15 જેટલા પાકા ગેરકાયદેસર બાંધકામોને તોડી પાડવામાં આવ્યા હતા. આ મેગા ડિમોલિશનના પરિણામે અંદાજે 8 એકર જેટલી કિંમતી જમીન હવે સરકારી કબજામાં પરત આવી છે. કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે સમગ્ર કાર્યવાહી દરમિયાન પોલીસનો ચુસ્ત કાફલો તૈનાત રાખવામાં આવ્યો હતો.

પ્રોજેક્ટના નિર્માણમાં અવરોધરૂપ દબાણોનો સફાયો

મનપાના આયોજન મુજબ, બોરીજમાં વેસ્ટ મેનેજમેન્ટના અસરકારક ઉપયોગ અને શહેરના આકર્ષણમાં વધારો કરવા માટે “વેસ્ટ ટુ વન્ડર” પાર્કનું નિર્માણ થનાર છે. આ નિર્ધારિત જમીન પર લાંબા સમયથી થયેલા અતિક્રમણને કારણે પ્રોજેક્ટની પ્રગતિ અટકી પડી હતી. વહીવટી તંત્ર દ્વારા અગાઉ સૂચનાઓ આપવા છતાં દબાણો દૂર કરવામાં ન આવતા આખરે આજે બુલડોઝર ફેરવીને કડક અમલીકરણ કરવામાં આવ્યું હતું. આ ઓપરેશનથી શહેરના આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટનો અવરોધ દૂર થયો છે.

પર્યાવરણ જાળવણી અને પ્રવાસનનું નવું કેન્દ્ર

“વેસ્ટ ટુ વન્ડર” પાર્ક એ માત્ર મનોરંજનનું સ્થળ જ નહીં, પરંતુ પર્યાવરણ જાળવણી માટેની ગાંધીનગર મનપાની એક વિશિષ્ટ પહેલ છે. આ પાર્કમાં નકામી ચીજવસ્તુઓમાંથી કલાત્મક કૃતિઓ અને વિવિધ આકર્ષણો તૈયાર કરવામાં આવશે. 8 એકર જમીન હવે દબાણમુક્ત થતા પાર્કના વિકાસકાર્યોને વેગ મળશે, જેનાથી સ્થાનિક નાગરિકોને આધુનિક અને નવીનતમ પર્યટન સ્થળ પ્રાપ્ત થશે.

દબાણકર્તાઓ સામે તંત્રની લાલ આંખ

ગાંધીનગર મહાનગરપાલિકાએ આ કાર્યવાહી દ્વારા સ્પષ્ટ સંકેત આપ્યો છે કે જાહેર જમીનો પરના કોઈ પણ પ્રકારના દબાણો ચલાવી લેવામાં આવશે નહીં. આગામી દિવસોમાં પણ શહેરના અન્ય વિસ્તારોમાં દબાણ હટાવવાની ઝુંબેશ ચાલુ રાખવાની કડક સૂચના આપવામાં આવી છે.