ગાંધીનગર: ભાઈને મોતના મુખમાંથી બહાર કાઢવા ગયેલો મોટો ભાઈ પણ કેનાલમાં ડૂબ્યો, પરિવારમાં માતમ
અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં રહેતા બે ભાઈઓ વચ્ચેની એક કરુણ દુર્ઘટના સામે આવી છે. ઘરકંકાસથી કંટાળીને નર્મદા કેનાલમાં પડતું મૂકનાર નાના ભાઈને બચાવવા જતાં મોટો ભાઈ પણ પાણીના પ્રવાહમાં ગરકાવ થઈ ગયો હતો. આ ઘટનાએ સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાવી દીધી છે.
ગાંધીનગર જિલ્લામાંથી પસાર થતી નર્મદા કેનાલ જાણે હવે 'સ્યુસાઈડ પોઈન્ટ' બની રહી હોય તેમ આપઘાતના બનાવોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. તાજેતરમાં દહેગામ-નરોડા હાઇવે પર રાયપુર ગામ પાસે આવેલી કેનાલના બ્રિજ પરથી એક યુવકે જીવન ટૂંકાવવા છલાંગ લગાવી હતી, જેને બચાવવા જતાં તેના સગા મોટા ભાઈએ પણ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.
ઘટનાની વિગત:
અમદાવાદના કૃષ્ણનગર સ્થિત પાર્શ્વનાથ ટાઉનશિપમાં રહેતો નિખિલ જયંતીભાઈ વાઘેલા નામનો યુવાન પારિવારિક અણબનાવને કારણે ઘરે ઝઘડો કરીને નીકળી ગયો હતો. તેની પાછળ તેને સમજાવવા માટે તેનો મોટો ભાઈ પણ દોડ્યો હતો. જોકે, આવેશમાં આવી ગયેલા નિખિલે રાયપુર નર્મદા કેનાલના બ્રિજ પર પહોંચી સીધું જ પાણીમાં પડતું મૂક્યું હતું.
પોતાના નાના ભાઈને ડૂબતો જોઈ મોટો ભાઈ પણ તેને બચાવવાના આશયથી જોખમ ખેડીને કેનાલમાં કૂદી પડ્યો હતો. જોકે, પાણીનો પ્રવાહ તેજ હોવાથી બંને ભાઈઓ લાપતા થયા હતા. ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો, ફાયર બ્રિગેડ અને ડભોડા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.
પોલીસ તપાસ અને શોધખોળ:
પરિવારજનોની હાજરીમાં હાથ ધરવામાં આવેલી શોધખોળ દરમિયાન મોડી સાંજે નાના ભાઈ નિખિલનો મૃતદેહ મળી આવ્યો હતો. જ્યારે તેને બચાવવા પડેલા મોટા ભાઈની હજુ સુધી કોઈ ભાળ મળી નથી, જેની શોધખોળ હજુ ચાલુ છે. ડભોડા પોલીસે આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.