ગોધરા નગરપાલિકાની વેરા વસુલાતના ફાફા ! : 23 કરોડ સામે માત્ર 1 કરોડની વસૂલાત
પંચમહાલની ગોધરા નગરપાલિકા નાણાકીય વર્ષના અંતિમ દિવસોમાં પણ વેરા વસૂલાત કરવામાં નિષ્ફળ સાબિત થઈ રહી છે. કુલ 23 કરોડ રૂપિયાના લક્ષ્યાંક સામે અત્યાર સુધી માત્ર 1 કરોડ રૂપિયાની જ રકમ તિજોરીમાં જમા થઈ છે, જે તંત્રની ઉદાસીનતા દર્શાવે છે.
નાણાકીય વર્ષ 2025-26 પૂર્ણ થવાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે ગોધરા નગરપાલિકાનો વસૂલાત વિભાગ સદંતર નિષ્ફળ જતો જણાય છે. શહેરના વિકાસના બણગાં ફૂંકતી પાલિકા પોતાના હકનો વેરો ઉઘરાવવામાં પણ પાછી પાની કરી રહી છે. નવાઈની વાત એ છે કે, જે જવાબદારોએ શહેરનો વિકાસ કરવાનો છે, તેવા અનેક વર્તમાન અને પૂર્વ સભ્યોના નામે પણ વેરા બાકી બોલી રહ્યા છે.
સરકારી કચેરીઓ અને માલેતુજારોનો દબદબો:
પાલિકા તંત્ર સામાન્ય જનતા પાસે વેરો ઉઘરાવવા માટે કડક વલણ અપનાવે છે, પરંતુ જ્યારે વાત સરકારી શાળાઓ, કચેરીઓ કે શહેરના વગદાર માલેતુજારોની આવે છે ત્યારે તંત્ર લાચાર બની જતું હોય તેવું ચિત્ર ઊપસી રહ્યું છે. અનેક સરકારી સંસ્થાઓએ વર્ષોથી વેરાની રકમ ચૂકવી નથી, તેમ છતાં તેમની સામે કોઈ નક્કર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી નથી.
પાલિકા સભ્યો જ નીકળ્યા ડિફોલ્ટર:
શહેરના વિકાસના કામોની ચર્ચા કરતા પાલિકાના કેટલાક વર્તમાન અને માજી સભ્યોએ પોતે જ પોતાના વેરા ભર્યા નથી. જ્યારે સત્તાધિશો જ વેરો ભરવામાં આનાકાની કરતા હોય, ત્યારે સામાન્ય નાગરિકોમાં વહીવટી તંત્રની નિષ્પક્ષતા સામે અનેક સવાલો ઊઠી રહ્યા છે.
તંત્રની હવે જાગવાની તૈયારી:
આ ગંભીર બેદરકારી અંગે ગોધરા પાલિકાના વસૂલાત અધિકારી સલીમ પઠાણે જણાવ્યું હતું કે, 'બાકી રહેતી 22 કરોડ રૂપિયાની વસૂલાત માટે હવે યુદ્ધના ધોરણે વધુ ટીમો મેદાનમાં ઉતારવામાં આવશે. આગામી દિવસોમાં આ ઝુંબેશને વેગ આપીને કડક વસૂલાત કરાશે. જો કોઈ પણ કરદાતા વેરો ભરવામાં આનાકાની કરશે કે કામગીરીમાં અડચણ ઊભી કરશે, તો તેમની સામે સખત કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.'