ગોધરા-વડોદરા હાઈવે પર ગમખ્વાર અકસ્માત: કાર અને બાઇક વચ્ચેની ટક્કરમાં 21 વર્ષીય યુવાનનું મોત
ગોધરા-વડોદરા હાઈવે પર વણાકપૂર ગામ નજીક મોડી રાત્રે એક કાર અને બાઇક વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ ગમખ્વાર દુર્ઘટનામાં લગ્નપ્રસંગમાંથી પરત ફરી રહેલા 21 વર્ષીય યુવાનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય બે યુવકોને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
લગ્નપ્રસંગથી પરત ફરતી વખતે સિદ્ધિ હોટલ પાસે કાળ ભેટ્યો
પ્રાપ્ત માહિતી અનુસાર, કાલિયા કુવા ગામનો રહેવાસી 21 વર્ષીય જીતુ દશરથભાઈ નાયક તેના અન્ય બે મિત્રો સાથે લીલેસરા ગામે એક લગ્નપ્રસંગમાં હાજરી આપવા ગયો હતો. મોડી રાત્રે પ્રસંગ પૂર્ણ થયા બાદ ત્રણેય મિત્રો બાઇક પર સવાર થઈને પોતાના ગામ પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન ગોધરા-વડોદરા હાઈવે પર વણાકપૂર ગામની હદમાં આવેલી સિદ્ધિ હોટલ પાસે પહોંચતા એક કારે તેમની બાઇકને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે યુવાન જીતુ નાયકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું અને પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.
ઈજાગ્રસ્ત 2 મિત્રો 108 મારફતે ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડાયા
કાર અને બાઇક વચ્ચે થયેલા આ અકસ્માતમાં બાઇક પર સવાર અન્ય બે યુવકો પણ રસ્તા પર ફંગોળાઈ ગયા હતા, જેના કારણે તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાને પગલે આસપાસના લોકો અને હાઈવે પરથી પસાર થતા વાહનચાલકોના ટોળા એકઠા થઈ ગયા હતા. તાત્કાલિક 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવતા, ટીમે ઘટનાસ્થળે પહોંચીને બંને ગંભીર રીતે ઘાયલ યુવકોને ગોધરા સિવિલ હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડ્યા હતા.
હાઈવે પર અફરાતફરી, પોલીસની સઘન તપાસ શરૂ
મોડી રાત્રે સર્જાયેલા આ અકસ્માતને પગલે હાઈવે પર થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બનાવની જાણ થતાં જ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને ભીડને વિખેરીને વાહનવ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો. હાલ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી અકસ્માતનો ગુનો નોંધ્યો છે અને અકસ્માત સર્જનાર કાર ચાલકને પકડવા માટે આગળની સઘન તપાસ હાથ ધરી છે.