સોનું 5% ગબડ્યું, ચાંદીમાં રૂ. 13,000 થી વધુનો પ્રચંડ કડાકો, જાણો નવો રેટ
વૈશ્વિક અર્થતંત્રમાં સર્જાયેલી અસ્થિરતા અને ભૌગોલિક તણાવની સીધી અસર કિંમતી ધાતુઓના બજાર પર જોવા મળી રહી છે. છેલ્લા કેટલાક સમયથી આસમાને પહોંચેલા સોના-ચાંદીના ભાવમાં આજે અચાનક મોટું ગાબડું પડતા રોકાણકારોમાં ફફડાટ વ્યાપી ગયો છે, જ્યારે સામાન્ય ગ્રાહકો માટે ખરીદીની નવી તક ઉભી થઈ છે.
સોમવારે સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે ભારતીય વાયદા બજાર (MCX) ખુલતાની સાથે જ સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે. મિડલ ઈસ્ટના સંઘર્ષ અને આંતરરાષ્ટ્રીય બજારમાં ડોલરની મજબૂતી વચ્ચે પ્રોફિટ બુકિંગને કારણે કિંમતો તળિયે બેસી ગઈ છે.
સોનાના ભાવની સ્થિતિ:
સોનાના ભાવમાં આજે અંદાજે -4.96% નો જંગી ઘટાડો જોવા મળ્યો છે.
અગાઉનો બંધ ભાવ: 144492.00
આજનો ઓપનિંગ ભાવ: 140158.00
નીચી સપાટી: ટ્રેડિંગ દરમિયાન સોનું ઘટીને 137130.00 સુધી પહોંચ્યું હતું.
કુલ ઘટાડો: પ્રતિ નિશ્ચિત લોટ પર અંદાજે -7172.00 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે.
ચાંદીમાં ભીષણ વેચવાલી:
ચાંદીની સ્થિતિ સોના કરતા પણ વધુ નાજુક જોવા મળી રહી છે, જેમાં એક જ દિવસમાં -6.00% નો કડાકો બોલાયો છે.
અગાઉનો બંધ ભાવ: 226772.00
આજનો ઓપનિંગ ભાવ: 217702.00
નીચી સપાટી: બજારમાં ભારે વેચવાલીને કારણે ચાંદી 213166.00 સુધી ગબડી હતી.
કુલ ઘટાડો: ચાંદીના ભાવમાં એક જ ઝાટકે -13606.00 રૂપિયાનો ઘટાડો થયો છે.
કેમ તૂટ્યા ભાવ?
બજારના નિષ્ણાંતોના મતે, વૈશ્વિક સ્તરે ડોલર ઇન્ડેક્સ મજબૂત થતા અને યુદ્ધની સ્થિતિ વચ્ચે રોકાણકારોએ નફો બુક કરવાનું શરૂ કરતા બજાર નીચે આવ્યું છે. રોકાણકારો માટે આ આંચકા સમાન સમાચાર છે, પરંતુ જે લોકો લગ્નસરાની સિઝન માટે સોના-ચાંદીની ખરીદી કરવા ઈચ્છતા હતા તેમના માટે આ એક સુવર્ણ તક સાબિત થઈ શકે છે.