રિંકુ સિંહ હવે બન્યો સરકારી ઓફિસર! IPL પહેલા મળી મોટી ભેટ, આ સરકારી વિભાગમાં સંભાળશે જવાબદારી
ઇન્ડિયન પ્રીમિયર લીગની 19મી સીઝન એટલે કે IPL 2026ની શરૂઆત આગામી 28 માર્ચથી થવા જઈ રહી છે. જોકે, ટૂર્નામેન્ટ શરૂ થાય તે પહેલાં જ કોલકાતા નાઈટ રાઈડર્સના સ્ટાર બેટ્સમેન રિંકુ સિંહ માટે એક અત્યંત આનંદદાયક સમાચાર સામે આવ્યા છે. મેદાન પર પોતાની વિસ્ફોટક બેટિંગથી જાણીતા બનેલા રિંકુ સિંહની હવે સરકારી નોકરી પાક્કી થઈ ગઈ છે.
ઉત્તર પ્રદેશ સરકારે આ ડાબોડી બેટ્સમેનને સ્પોર્ટ્સ ક્વોટા હેઠળ રાજ્યમાં 'પ્રાદેશિક રમતગમત અધિકારી' તરીકે નિયુક્ત કર્યા છે.રિંકુ સિંહને 24 માર્ચ 2026ના રોજ સાંજે 5 વાગ્યે લખનઉ સ્થિત લોકભવનમાં આયોજિત એક ભવ્ય કાર્યક્રમમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીના હસ્તે નિમણૂક પત્ર સોંપવામાં આવશે. આ પ્રસંગે રિંકુ સિંહ સત્તાવાર રીતે સરકારી સેવામાં જોડાશે. રીઝનલ સ્પોર્ટ્સ ઓફિસરના પદ પર રિંકુ સિંહનો અંદાજિત માસિક પગાર 50,000 થી 60,000 રૂપિયાની આસપાસ રહેશે.
માત્ર રિંકુ સિંહ જ નહીં, પરંતુ ઉત્તર પ્રદેશ સરકારે વિવિધ રમતોમાં આંતરરાષ્ટ્રીય સ્તરે દેશનું નામ રોશન કરનાર અન્ય 6 ખેલાડીઓને પણ સરકારી હોદ્દાઓ આપીને નવાજ્યા છે. આ તમામ ખેલાડીઓને પણ તે જ દિવસે નિમણૂક પત્રો આપવામાં આવશે. પેરિસ ઓલિમ્પિકમાં ભારતીય હોકી ટીમને બ્રોન્ઝ મેડલ અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવનાર હોકી સ્ટાર રાજકુમાર પાલની ગાઝીપુરમાં ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ તરીકે નિમણૂક કરવામાં આવી છે.
એક તરફ રિંકુ સિંહ સરકારી અધિકારી બનવા જઈ રહ્યો છે, તો બીજી તરફ તે 28 માર્ચથી શરૂ થતી IPL માટે પણ મેદાન પર સખત પરસેવો પાડી રહ્યો છે. KKRની ટીમમાં રિંકુ ફિનિશર તરીકેની પોતાની ભૂમિકા ભજવવા સજ્જ છે. એક મધ્યમવર્ગીય પરિવારમાંથી આવીને આજે સરકારી અફસર બનવા સુધીની તેની આ સફર જોઈને સોશિયલ મીડિયા પર ચાહકો તેને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.