ખાખીમાં માનવતાની મહેક : ગોમતીપુર શી ટીમે સુરતથી ગુમ થયેલા ઈસ્માઈલને પરિવાર સાથે મેળાપ કરાવ્યો...
અમદાવાદના ગોમતીપુર પોલીસ સ્ટેશનની ‘શી ટીમ’ દ્વારા ફરી એકવાર સંવેદનશીલતા અને સક્રિયતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. સુરતથી અમદાવાદ આવતા ગુમ થયેલ બિહારના માસૂમ બાળક ઈસ્માઈલને શોધી કાઢી, સતત ત્રણ દિવસ સુધી તેની માતાની જેમ સારસંભાળ રાખીને આખરે તેને હેમખેમ તેના વાલીઓને સોંપવામાં આવ્યો છે. આ કિસ્સામાં ખાખી વર્દી પાછળ રહેલી માનવીય સંવેદનાએ એક પરિવારને વિખૂટો પડતો બચાવી લીધો છે, જેના કારણે સોશિયલ મીડિયા અને સ્થાનિક લોકોમાં પોલીસની આ કામગીરીની ભારે પ્રશંસા થઈ રહી છે.
ઘટનાની વિગતો
ઘટનાની વિગત મુજબ, બિહારનો વતની બાળક ઈસ્માઈલ પરિવાર સાથે સુરતથી અમદાવાદ આવી રહ્યો હતો ત્યારે તે ગુમ થઈ ગયો હતો. ગભરાયેલા અને મુંઝાયેલા બાળક પર ગોમતીપુર શી ટીમની નજર પડતા, ટીમે તાત્કાલિક તેને સુરક્ષિત સ્થળે ખસેડ્યો હતો. બાળક પાસે તેના પરિવારની કોઈ ચોક્કસ વિગત ન હોવા છતાં, શી ટીમના મહિલા પોલીસ કર્મીઓએ ધીરજ પૂર્વક તેની સાથે વાતચીત કરી વિગતો મેળવવાનો પ્રયાસ કર્યો હતો. ત્રણ દિવસ સુધી ટીમે ઈસ્માઈલને જમાડવાથી લઈને તેની તમામ જરૂરિયાતોનું ધ્યાન રાખીને તેને ઘર જેવો જ માહોલ આપ્યો હતો. બીજી તરફ, વિવિધ પોલીસ સ્ટેશન અને સંપર્કો દ્વારા બાળકના વાલીઓની શોધખોળ તેજ કરી દેવામાં આવી હતી.
ત્રણ દિવસ સાર સંભાળ રાખી તેના વાલીને સુ:ખદ મિલન કરાવતી ગોમતીપુર શી ટીમ
અથાક પરિશ્રમ બાદ જ્યારે બાળકના પરિવારનો સંપર્ક થયો, ત્યારે તેમના આનંદનો કોઈ પાર રહ્યો નહોતો. ગોમતીપુર પોલીસ સ્ટેશન ખાતે જ્યારે ઈસ્માઈલ તેના માતા-પિતાને મળ્યો ત્યારે વાતાવરણ ભાવુક બની ગયું હતું. બાળકના પિતા શી ટીમનો આભાર માન્યો હતો. પોલીસની કામગીરીએ તેમને નવું જીવન આપ્યું છે. શી ટીમે માત્ર કાયદો અને વ્યવસ્થા જ નહીં, પણ એક રક્ષકની ભૂમિકા નિભાવીને સમાજમાં પોલીસની છબી વધુ ઉજ્જવળ બનાવી છે. આ સુખદ મિલન બાદ ઈસ્માઈલ હસતા મુખે પોતાના પરિવાર સાથે વતન જવા રવાના થયો હતો.