April 1, 2026
ગુજરાત

મંગળ બન્યો અમંગળ: સુરતમાં આગ, બિહારમાં ભાગદોડ અને મહેસાણામાં અકસ્માત વચ્ચે 16 જિંદગીઓ હોમાઈ

03:28:00 PM
Save
Apr 1, 2026
Share :
<p><strong><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);">મંગળ બન્યો અમંગળ: </span>સુરતમાં આગ, બિહારમાં ભાગદોડ અને મહેસાણામાં અકસ્માત વચ્ચે 16 જિંદગીઓ હોમાઈ</strong></p>

ક્યારેક સમય એટલો ક્રૂર સાબિત થાય છે કે એક જ દિવસમાં અલગ-અલગ સ્થળોએ બનતી દુર્ઘટનાઓ અનેક પરિવારોના માળા વિખેરી નાખે છે. સુરતની ભીષણ આગ હોય, બિહારમાં શ્રદ્ધાના પર્વ વચ્ચે મચેલી ભાગદોડ હોય કે મહેસાણાના હાઈવે પર પદયાત્રીઓ સાથે થયેલો અકસ્માત—આ તમામ ઘટનાઓ માનવીય બેદરકારી અને સુરક્ષાના અભાવની ગંભીર યાદ અપાવે છે.

સુરત: સાડી પેકેજિંગના એકમમાં આગે લીધો ભોગ

સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલી મીઠી ખાડીની બેઠી કોલોનીમાં એક મકાનમાં અચાનક વિકરાળ આગ ફાટી નીકળી હતી. આ મકાનમાં સાડીના પેકેજિંગનું કામ થતું હોવાથી ત્યાં મોટા પ્રમાણમાં ફોર્મ અને જ્વલનશીલ મટીરિયલ પડ્યું હતું, જેણે આગમાં ઘી હોમવાનું કામ કર્યું. આ દુર્ઘટના એટલી ઝડપી હતી કે ઘરમાં રહેલા લોકોને બહાર નીકળવાનો મોકો જ ન મળ્યો અને 5 લોકો જીવતા ભડથું થઈ ગયા. મૃતકોમાં 4 મહિલાઓ અને 1 માસૂમ બાળકનો સમાવેશ થાય છે.

બિહાર: શીતળાષ્ટમીના પર્વે મંદિરમાં મચી ભાગદોડ

શ્રદ્ધાનું કેન્દ્ર ગણાતા બિહારના નાલંદામાં મઘડા ગામે શીતળાષ્ટમી નિમિત્તે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. મંદિરમાં દર્શન માટે લાગેલી ભીડમાં અચાનક કોઈ કારણસર અફરાતફરી સર્જાઈ હતી અને જોતજોતામાં ભાગદોડ મચી ગઈ હતી. આ અંધાધૂંધીમાં પગ તળે દબાઈ જવાથી કુલ 9 લોકોના કરૂણ મોત નીપજ્યા છે. ઘટના બાદ પોલીસે સ્થળ પર પહોંચી પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો, પરંતુ ઉત્સવનો માહોલ ગમગીનીમાં ફેરવાઈ ગયો હતો.

મહેસાણા: પદયાત્રીઓ માટે કાળ બનીને આવી ટ્રક

મહેસાણામાં ભક્તિભાવ સાથે પગપાળા જઈ રહેલા સંઘ પર કાળનો પંજો ત્રાટક્યો હતો. એક બેફામ ગતિએ આવતા ટ્રક ચાલકે કુલ 8 પદયાત્રીઓને અડફેટે લીધા હતા. આ ગમખ્વાર અકસ્માતમાં 2 પદયાત્રીઓના ઘટનાસ્થળે જ પ્રાણ પંખેરુ ઊડી ગયા હતા, જ્યારે અન્ય 6 મુસાફરો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.