April 1, 2026
જય કિસાન

વારસાઈ મિલકતની વહેંચણી હવે એકદમ સરળ....માત્ર નજીવી સ્ટેમ્પ ડ્યુટીમાં પતશે કામ, સરકારે નિયમો હળવા કર્યા

03:23:00 PM
Save
Mar 27, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>વારસાઈ મિલકતની વહેંચણી હવે એકદમ સરળ....</strong></span>માત્ર નજીવી સ્ટેમ્પ ડ્યુટીમાં પતશે કામ, સરકારે નિયમો હળવા કર્યા</p>

ગુજરાતના ખેડૂતો માટે રાજ્ય સરકારે એક ક્રાંતિકારી અને રાહતકારી નિર્ણયની જાહેરાત કરી છે. ખેતીની જમીનમાં વારસાઈ સંબંધિત આંતરિક વહેંચણી અને હક્ક કમી  પ્રક્રિયાઓ માટે હવે જંત્રી આધારિત લાખો રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી ભરવામાંથી મુક્તિ આપવામાં આવી છે. રાજ્ય સરકારે ગુજરાત સ્ટેમ્પ અધિનિયમમાં મહત્વનો સુધારો કરીને, જંત્રીના બદલે માત્ર ₹300ની ટોકન સ્ટેમ્પ ડ્યુટી નક્કી કરી છે. આ નિર્ણયને કારણે વર્ષોથી ચાલતા કૌટુંબિક જમીન વિવાદોનો અંત આવશે અને ખેડૂતો પરનો આર્થિક ભાર ઘટતા દસ્તાવેજીકરણની પ્રક્રિયા વધુ સરળ અને પારદર્શક બનશે.

લોહીના સંબંધોમાં જમીન ટ્રાન્સફર કરવા ઈચ્છતા લાખો ખેડૂત પરિવારો માટે સરકારનો આ નિર્ણય એક આશીર્વાદ સમાન સાબિત થશે. પરંતુ હવે મુખ્યમંત્રી દ્વારા લેવાયેલા આ નિર્ણય મુજબ માત્ર ₹300ની ટોકન સ્ટેમ્પ ડ્યુટી ભરીને આ પ્રક્રિયા પૂર્ણ કરી શકાશે. ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ 1958ની કલમ 9 હેઠળ મળેલી સત્તાનો ઉપયોગ કરીને ખેડૂતો પરનો આર્થિક ભાર ઘટાડવા આ ક્રાંતિકારી સુધારો અમલી બનાવવામાં આવ્યો છે.

નોંધનીય છે કે વિવિધ ખેડૂત સંગઠનો, કિસાન સંઘ અને સમાજના અગ્રણીઓ દ્વારા વારંવાર જંત્રી આધારિત સ્ટેમ્પ ડ્યુટીમાં રાહત આપવા રજૂઆતો કરવામાં આવી હતી.ખેડૂતોની આ માંગણીને ગંભીરતાથી લઈને સરકારે ખેતીની જમીનના વારસાઈ મિલકત વેચાણ અને આંતરિક હસ્તાંતરણમાં આ છૂટછાટ આપી છે. આ નિર્ણયના અમલીકરણથી ગુજરાતના લાખો ખેડૂત પરિવારોને જમીન માલિકીના હક્કો સ્પષ્ટ કરવામાં મોટી વહીવટી અને આર્થિક સુવિધા પ્રાપ્ત થશે.

હક્ક કમીની પ્રક્રિયા થઈ સરળ

નવા નિયમ અનુસાર, વારસાઈ નોંધ હેઠળના સંયુક્ત ખાતેદારો પૈકી કોઈપણ એક અથવા વધુ વારસદારોની તરફેણમાં હક્ક જતો કરવાના (હક્ક કમી) કિસ્સામાં હવે જંત્રીના ટકાવારી મુજબ નાણાં નહીં ચૂકવવા પડે. સીધી લીટીના વારસદારો હયાત હોય તેવા કિસ્સામાં અથવા સીધી લીટીના વારસદારો ન હોય ત્યારે આડી લીટીના વારસદારોના કિસ્સામાં પણ, એક કે તેથી વધુ તબક્કાઓમાં નામ દાખલ કરવા કે હક્ક ઉઠાવવા માટે પ્રત્યેક લેખ દીઠ માત્ર ₹300 સ્ટેમ્પ ડ્યુટી લેવામાં આવશે. આ નિર્ણયથી પેઢી દર પેઢી ચાલતા જમીન વિવાદોનો અંત આવશે.

કુટુંબિક વહેંચણીમાં મોટી રાહત

રાજ્ય સરકારે સ્પષ્ટ કર્યું છે કે સમયના ક્રમાનુસાર વારસાઈ નોંધ અન્વયે દાખલ થયેલા સંયુક્ત ખાતેદારો દ્વારા કરવામાં આવતી આંતરિક વહેંચણીમાં પણ આ રાહત મળશે. અગાઉ વહેંચણીના લેખ પર મોટી રકમની સ્ટેમ્પ ડ્યુટી વસૂલવામાં આવતી હતી, જેના કારણે ઘણા પરિવારો દસ્તાવેજીકરણ કરાવવાનું ટાળતા હતા. હવે વહેંચણીના પ્રત્યેક લેખ પર માત્ર ₹300ની સ્ટેમ્પ ડ્યુટી વસૂલીને તેને વિનિયમિત કરવામાં આવશે, જે ખેડૂતો માટે આર્થિક રીતે આશીર્વાદરૂપ સાબિત થશે.

વિવાદો અને કોર્ટ કેસોમાં આવશે ઘટાડો

સ્ટેમ્પ ડ્યુટી વધુ હોવાને કારણે ઘણા જમીન વ્યવહારો માત્ર કાચી નોંધ કે બિનદસ્તાવેજી રહી જતા હતા, જે પાછળથી કૌટુંબિક ઝઘડા અને લાંબા સમય સુધી ચાલતા કોર્ટ કેસોનું કારણ બનતા હતા. આ રાહત મળ્યા પછી લોકો કાયદેસર દસ્તાવેજીકરણ કરાવવા પ્રેરાશે. મિલકતની વહેંચણી પારદર્શક અને કાયદેસર બનવાથી મહેસૂલી વિવાદોમાં મોટો ઘટાડો થશે અને પરિવારના સભ્યો વચ્ચે સુમેળભર્યા સંબંધો જળવાઈ રહેશે.