સિલિન્ડરના દિવસો ભરાયા? તમારા ઘર પાસે ગેસ લાઈન હોય તો તરત કરાવો કનેક્શન, 3 મહિનાની નોટિસ બાદસિલિન્ડરની સુવિધા છીનવાઈ જશે
મિડલ-ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ અને વૈશ્વિક સ્તરે ઊભી થયેલી ગેસની અછતને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે 'નેચરલ ગેસ અને પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ ડિસ્ટ્રિબ્યુશન ઓર્ડર 2026' લાગુ કર્યો છે. આ નવા નિયમ મુજબ, જે વિસ્તારોમાં પાઇપ્ડ નેચરલ ગેસની સુવિધા ઉપલબ્ધ છે, ત્યાં રહેતા નાગરિકો માટે હવે પાઇપલાઇન કનેક્શન લેવું ફરજિયાત બનશે. સરકારનો ઉદ્દેશ્ય યુદ્ધ જેવી કટોકટીમાં પણ રસોઈ ગેસનો પુરવઠો જાળવી રાખવાનો છે.
પેટ્રોલિયમ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે જે લોકો પાસે PNG કનેક્શન છે, તેઓ LPG સિલિન્ડર રાખી શકશે નહીં. આવા યુઝર્સે પોતાનો જૂનો સિલિન્ડર સરન્ડર કરવો પડશે. પાઇપ ગેસ વાપરનારાઓને હવે નવું LPG કનેક્શન મળશે નહીં કે જૂનું સિલિન્ડર રિફિલ પણ કરી આપવામાં આવશે નહીં. આ આદેશ 'આવશ્યક વસ્તુ અધિનિયમ' હેઠળ જાહેર કરાયો છે.
૩ મહિનાની ડેડલાઇન અને નોટિસ
જો તમારા ઘરની નજીક ગેસ પાઇપલાઇન આવી ગઈ છે અને તમે હજુ સુધી PNG કનેક્શન લીધું નથી, તો ગેસ કંપની દ્વારા તમને સત્તાવાર નોટિસ આપવામાં આવશે. આ નોટિસ મળ્યાના 90 દિવસ (3 મહિના) ની અંદર કનેક્શન લેવું અનિવાર્ય છે. જો નિર્ધારિત સમય મર્યાદામાં કનેક્શન લેવામાં નહીં આવે, તો ગ્રાહકનો LPG સિલિન્ડર સપ્લાય કાયમ માટે બંધ કરી દેવામાં આવશે.
સોસાયટીઓ માટે કડક આદેશ
ઘણીવાર હાઉસિંગ સોસાયટીઓ કે RWA ના વિરોધને કારણે પાઇપલાઇનનું કામ અટકી જતું હોય છે, પરંતુ હવે નવા નિયમ મુજબ સોસાયટીએ પાઇપલાઇન નાખવા માટે માત્ર 3 દિવસમાં મંજૂરી આપવી પડશે. જો સોસાયટી મંજૂરી આપવામાં વિલંબ કરશે અથવા ના પાડશે, તો તે સોસાયટીમાં રહેતા તમામ ઘરોનો LPG સિલિન્ડર સપ્લાય રોકી દેવાની જોગવાઈ કરવામાં આવી છે.
મંજૂરી પ્રક્રિયામાં ઝડપ
સરકારી વિભાગો હવે પાઇપલાઇનની ફાઇલો અટકાવી શકશે નહીં, નાના નેટવર્ક માટે 10 દિવસ અને મોટી લાઇનો માટે 60 દિવસમાં મંજૂરી આપવી ફરજિયાત છે. જો નિર્ધારિત સમયમાં વિભાગ જવાબ નહીં આપે, તો તેને 'ડીમ્ડ ક્લિયરન્સ' એટલે કે ઓટોમેટિક મંજૂરી માની લેવામાં આવશે અને કંપની કામ શરૂ કરી શકશે.
જમીન માલિકોને આકર્ષક વળતર
જો પાઇપલાઇન કોઈની ખાનગી જમીનમાંથી પસાર થતી હોય, તો માલિકને જમીનના કોમર્શિયલ સર્કલ રેટના 30% વળતર આપવામાં આવશે. વધુમાં, જો જમીન માલિક અરજી મળ્યાના 24 કલાકમાં મંજૂરી આપે છે, તો તેને બમણું એટલે કે 60% વળતર મળશે. આ પગલાથી પાઇપલાઇન નાખવાની પ્રક્રિયામાં આવતા કાનૂની અવરોધો દૂર થશે.
લોક-ઇન પિરિયડમાં વધારો
LPG સંકટને પહોંચી વળવા માટે સરકારે સિલિન્ડર બુકિંગના નિયમો પણ કડક બનાવ્યા છે. શહેરોમાં હવે એક સિલિન્ડર મળ્યાના 25 દિવસ પછી અને ગ્રામીણ વિસ્તારોમાં 45 દિવસ પછી જ બીજું બુકિંગ થઈ શકશે. જોકે, જે ઘરોમાં ટેકનિકલ કારણોસર પાઇપલાઇન પહોંચાડવી શક્ય નથી, ત્યાં LPG સપ્લાય યથાવત રાખવામાં આવશે.