કેન્દ્ર સરકાર : ન્યૂઝ ચેનલોના TRP રેટિંગ વધુ 4 અઠવાડિયા માટે સ્થગિત, સનસનાટીભર્યા રિપોર્ટિંગ પર પ્રતિબંધ
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ઇઝરાયેલ-ઈરાન સંઘર્ષ વચ્ચે કેન્દ્ર સરકારે ટેલિવિઝન ન્યૂઝ ચેનલો માટે એક અત્યંત મહત્વનો નિર્ણય લીધો છે. માહિતી અને પ્રસારણ મંત્રાલયે ન્યૂઝ ચેનલોના ટેલિવિઝન રેટિંગ પોઈન્ટ્સને વધુ 4 અઠવાડિયા માટે સ્થગિત કરવાનો આદેશ જારી કર્યો છે. આ પગલાનો મુખ્ય હેતુ યુદ્ધ જેવી કટોકટીની સ્થિતિમાં અટકળો અને સનસનાટીભર્યા સમાચારો દ્વારા ફેલાતા જાહેર ગભરાટને નિયંત્રિત કરવાનો છે.
ખોટા અને કાલ્પનિક સમાચારો રોકવા કડક નિર્દેશ
માહિતી અને પ્રસારણ મંત્રાલયે બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલને આ સંદર્ભે સ્પષ્ટ નિર્દેશો આપ્યા છે. મંત્રાલયના અવલોકન મુજબ, ઇઝરાયેલ-ઈરાન સંઘર્ષ દરમિયાન કેટલીક ચેનલો દ્વારા પીરસવામાં આવતા ખોટા અને કાલ્પનિક સમાચારોને કારણે જનતામાં ગેરસમજ અને ભય પેદા થઈ રહ્યો છે. TRP ની રેસમાં ચેનલો પત્રકારત્વની મર્યાદા ઓળંગી રહી હોવાનું જણાતા સરકારે રેટિંગ સિસ્ટમ પર કામચલાઉ બ્રેક લગાવી દીધી છે.
મંત્રાલયે ચેનલોના વલણ સામે વ્યક્ત કરી ચિંતા
માહિતી અને પ્રસારણ મંત્રાલયે તેના સત્તાવાર આદેશમાં ચેનલોની કાર્યશૈલી સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. મંત્રાલયે જણાવ્યું હતું કે, કેટલીક ન્યૂઝ ચેનલો યુદ્ધની પરિસ્થિતિને બિનજરૂરી રીતે સનસનાટીભર્યા બનાવી રહી છે. આવી સામગ્રી સામાન્ય લોકોમાં, અને ખાસ કરીને અસરગ્રસ્ત વિસ્તારોમાં રહેતા ભારતીયોના પરિવારોમાં ગંભીર મૂંઝવણ અને ભય પેદા કરી શકે છે. સરકારનું માનવું છે કે આવી સંવેદનશીલ સ્થિતિમાં જવાબદાર રિપોર્ટિંગ અનિવાર્ય છે.
6 માર્ચથી શરૂ થયેલો પ્રતિબંધ હવે લંબાવાયો
નોંધનીય છે કે, પશ્ચિમ એશિયાના સંકટને ધ્યાનમાં રાખીને અગાઉ 6 માર્ચના રોજ સરકારે પ્રથમ વખત 4 અઠવાડિયા માટે ન્યૂઝ ચેનલો માટે TRP મોનિટરિંગ સ્થગિત કરવાનો આદેશ આપ્યો હતો. હવે આ સમયગાળો પૂર્ણ થતા સરકારે ફરી એકવાર તેને વધુ 4 અઠવાડિયા માટે લંબાવવાનો નિર્ણય લીધો છે. આ સમયગાળા દરમિયાન, ચેનલોના પ્રદર્શનનું કોઈ પણ પ્રકારનું સત્તાવાર મૂલ્યાંકન સામાન્ય પ્રક્રિયા હેઠળ કરવામાં આવશે નહીં.