આખરે એવું તે શું થયું કે સરકારે પોતાનો જ નિર્ણય પાછો ખેંચવો પડ્યો? ફ્લાઇટ્સમાં 60% સીટો મફત આપવાના નિર્ણય પર કેન્દ્ર સરકારની રોક...
નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા હવાઈ મુસાફરોને સીટ પસંદગીના ચાર્જમાંથી મુક્તિ આપવા માટે લેવાયેલા મહત્વકાંક્ષી નિર્ણયને હાલ પૂરતો મુલતવી રાખવામાં આવ્યો છે. અગાઉ સરકારે એરલાઇન્સ કંપનીઓને આદેશ આપ્યો હતો કે દરેક ફ્લાઈટમાં ઓછામાં ઓછી 60 ટકા સીટો કોઈપણ વધારાના શુલ્ક વિના મુસાફરોને ફાળવવી પડશે, પરંતુ એરલાઇન્સ ઉદ્યોગ અને વિવિધ સંગઠનોના વિરોધ બાદ આ આદેશ પર આગામી સૂચના સુધી રોક લગાવી દેવામાં આવી છે. એરલાઇન્સ કંપનીઓએ સરકાર સમક્ષ રજૂઆત કરી હતી કે જો આ નિયમ તાત્કાલિક લાગુ કરવામાં આવે તો તેમના સંચાલન ખર્ચ અને ભાડાના માળખા પર નકારાત્મક અસર પડી શકે છે. આ રજૂઆતોને ધ્યાને રાખીને મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે આ નિયમની આર્થિક અસરોનું સંપૂર્ણ આકલન કર્યા બાદ જ આગળનો નિર્ણય લેવામાં આવશે, જેનો અર્થ એ છે કે મુસાફરોએ અત્યારે સીટ સિલેક્શન માટે પહેલાની જેમ જ ચાર્જ ચૂકવવો પડશે.
સરકારે આ નિર્ણય લેવા પાછળનું મુખ્ય કારણ મધ્ય પૂર્વના દેશોમાં ચાલી રહેલા સંઘર્ષને કારણે એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF) એટલે કે વિમાનના બળતણના ભાવમાં થયેલો તોતિંગ વધારો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતો વધતા હવાઈ મુસાફરી મોંઘી થવાની શક્યતા હતી, જેનાથી સામાન્ય મુસાફરોને બચાવવા માટે સરકારે મફત સીટ ફાળવણીનો પ્રસ્તાવ મૂક્યો હતો. જોકે, હાલની પરિસ્થિતિમાં ઉદ્યોગ જગતની મુશ્કેલીઓને જોતા સરકારે ડોમેસ્ટિક એરલાઇન્સને થોડી રાહત પણ આપી છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં વધતા તણાવ અને વૈશ્વિક ઉર્જા સંકટ વચ્ચે સરકારે નિર્ણય લીધો છે કે ઘરેલુ ઉડ્ડયન માર્ગો પર ATFની કિંમતમાં માત્ર 25 ટકા એટલે કે અંદાજે 15 રૂપિયા પ્રતિ લિટરનો જ વધારો લાગુ કરવામાં આવશે, જ્યારે આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ માટે એરલાઇન્સે પૂરેપૂરી વધેલી કિંમત ચૂકવવી પડશે.
આ ભાવવધારાની અસર માત્ર મુસાફરી પૂરતી મર્યાદિત નહીં રહે, પરંતુ તેની વ્યાપક અસર અન્ય ક્ષેત્રો પર પણ જોવા મળી શકે છે. હવાઈ માર્ગે પરિવહન કરવામાં આવતી જીવનરક્ષક દવાઓ, ઈલેક્ટ્રોનિક્સ વસ્તુઓ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓના ભાવમાં વધારો થવાની પૂરેપૂરી શક્યતા છે, જે અંતે સામાન્ય જનતાના ખિસ્સા પર બોજ વધારશે. સરકાર અત્યારે આ સ્થિતિનું નિરીક્ષણ કરી રહી છે અને મોંઘવારીને કાબૂમાં લેવા માટે પ્રયત્નશીલ છે, પરંતુ હાલના તબક્કે મફત સીટની સુવિધા અટકી પડતા સામાન્ય મુસાફરો જે રાહતની આશા રાખી રહ્યા હતા તે ઠગારી નીવડી છે. હવે આગામી સમયમાં મંત્રાલય આ અંગે શું નવી ગાઈડલાઈન બહાર પાડે છે તેના પર સૌની મીટ મંડાયેલી છે.